Vande Bharat new version Vande Sadharan train : વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની સફળતા બાદ ભારતીય રેલવે વિભાગ હવે તેના નવા વર્ઝન વંદે સાધારણ ટ્રેન શરૂ કરવા જઈ રહી છે. ભારતીય રેલવેએ જાહેરાત કરી છે કે તે ટૂંક સમયમાં વંદે ભારત ટ્રેનનું નવું વર્ઝન લોન્ચ શરૂ કરશે જે સામાન્ય વ્યક્તિને વાજબી દરે સુવિધજનક ટ્રેન મુસાફરીની સગવડ પુરી પાડશે. વંદે ભારત ટ્રેનના આ નવા વર્ઝનને ‘વંદે સાધારણ’ નામ આપવામાં આવ્યું છે. જોકે, હજુ સુધી રેલવે દ્વારા તેના નામ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.
વંદે સાધારણ ટ્રેન કેમ શરૂ કરવામાં આવશે?
વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન લૉન્ચ થઈ ત્યારથી ઘણી ચર્ચા રહે છે. જો કે તેના ઉંચા ભાડાને કારણે ટીકાઓનો પણ સામનો કરવો પડ્યો છે. આથી આગામી નવા વર્ઝન વંદે સાધારણ ટ્રેનમાં એકંદરે વાજબી ભાડું રહેવાની અપેક્ષા છે અને તે સામાન્ય માણસોના ખિસ્સાને અનુરૂપ હશે. વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરોને જેવી સુવિધા પુરી પાડવામાં આવે છે કદાચ એવી જ સુવિધા આગામી નવા વર્ઝન વંદે સાધારણ ટ્રેનમાં પણ હોવાની અપેક્ષા છે. જો કે, મીડિયા અહેવાલો અનુસાર, વંદે સાધારણ ટ્રેનમાં રિઝર્વેશન વગરના(અનરિઝર્વ્ડ) કોચ અને સેકન્ડ ક્લાસ 3- લેયર્ડ સ્લીપર કોચને અપગ્રેડ કરવામાં આવશે.
આ પણ વાંચો- ટ્રેનમાં સામાન ચોરાય તો જવાબદાર કોણ, રેલવે પાસે વળતર માંગી શકાય? સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો
વંદે સાધારણ ટ્રેન કેટલી સ્પીડમાં દોડશે?
મીડિયા રિપોર્ટમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે ભારતમાં સામાન્ય ટ્રેનોમાં એક બાજુ જ એન્જિન હોય છે, જ્યારે વંદે સાધારણ ટ્રેનમાં બંને છેડે એન્જિન હશે, જેટ્રેનને ઝડપથી દોડવામાં મદદ કરશે અને મુસાફરીનો સમય પણ ઘટાડશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર નવી અપગ્રેડેડ ટ્રેનોનું નિર્માણ ICF ચેન્નાઈમાં અંદાજિત રૂ. 65 કરોડના ખર્ચે કરવામાં આવશે. આ ટ્રેનનો પ્રથમ રેક આગામી 6-7 મહિનામાં આવવાની ધારણા છે. વંદે સાધારણમાં 24 LHB કોચ લગાવવામાં આવે તેવી અપેક્ષા છે.





