Venugopal Dhoot Arrested: વીડિયોકોન ગ્રૂપના અધ્યક્ષ વેણુગોપાલ ધૂતની (Videocon Group Chairman Venugopal Dhoot) આજે કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈએ લોન ફ્રોડ કેસમાં ધરપકડ કરી છે. ઉલ્લેખની છે કે આ મામલે આ ત્રીજી મોટી ધરપકડ છે. આ પહેલા સીબીઆઇએ આ મામલે આઇસીઆઇસીઆઇ બેન્કના પૂર્વ એમડી ચંદા કોચર અને તેમના પતિ દીપક કોચરની ધરપકડ કરી હતી.
તમને જણાવી દઈએ કે વિડિયોકોનને ICICI બેંકમાંથી 3250 કરોડ રૂપિયાની લોન મળી હતી અને તે ત્યારે મળી હતી જ્યારે ચંદા કોચર બેંકની સીઈઓ હતી. આરોપ છે કે આ લોનના બદલામાં વીડિયોકોને દીપક કોચરની કંપનીનુ રિન્યુએબલમાં રોકાણ કર્યું હતું. દીપક કોચર ICICI બેંકના ભૂતપૂર્વ CEO ચંદા કોચરના પતિ છે.
કોણ છે વેણુગોપાલ ધૂત?
વેણુગોપાલ ધૂત વીડિયોકોન ગ્રુપના ચેરમેન છે. તેમની ગણતરી ભારતના અબજોપતિઓમાં થાય છે. 2015માં, વેણુગોપાલ ધૂત ફોર્બ્સની સૌથી ધનિક લોકોની યાદીમાં 61મા ક્રમે હતા. ત્યારે ધૂતની સંપત્તિ $1.19 બિલિયન હતી.
શું છે મામલો?
કેસના આરોપો મુજબ વેણુગોપાલ ધૂતે કથિત રીતે ન્યુપાવર રિન્યુએબલ્સમાં 2010 અને 2012ની વચ્ચે બેન્ક દ્વારા વીડિયોકોન જૂથને લોન આપ્યાના થોડા મહિનાઓ બાદ ન્યુપાવર રિન્યુએબલ્સમાં રૂ. 64 કરોડનું કથિત રોકાણ કર્યું હતું.
સીબીઆઈનો આરોપ છે કે લોન એક સમિતિ દ્વારા મંજૂર કરવામાં આવી હતી. જેમાં ચંદા કોચર સભ્ય હતા. સીબીઆઈનો આરોપ છે કે કોચરે પોતાના સત્તાવાર પદનો દુરુપયોગ કર્યો હતો અને વિડિયોકોનને રૂ. 300 કરોડ મંજૂર કરવા માટે વેણુગોપાલ ધૂત પાસેથી તેમના પતિ દ્વારા અનુચિત તરફેણ મેળવી હતી.
આ પણ વાંચોઃ- કાર માટે કેટલા પ્રકારની વીમા પોલિસી હોય છે, શેમાં સૌથી વધુ સુરક્ષા અને ફાયદો મળે છે? જાણો
જણાવી દઈએ કે CBIએ ચંદા કોચર તેમના પતિ અને વેણુગોપાલ ધૂત તેમજ ન્યુપાવર રિન્યુએબલ્સ, સુપ્રીમ એનર્જી, વિડિયોકોન ઈન્ટરનેશનલ ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ અને વીડિયોકોન ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ વિરુદ્ધ ગુનાહિત ષડયંત્ર અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ સંબંધિત IPC કલમો હેઠળ કેસ નોંધ્યો હતો.