વિક્રમ સંવત 2078ના છેલ્લા ટ્રેડિંગ સેશનના દિવસ ભારતીય શેરબજાર એકંદરે સાધારણ સુધારા સાથે બંધ થયા હતા. જેમાં 21 ઓક્ટોબર 2022 શુક્રવારના રોજ બેન્ચમાર્ક બીએસઇ સેન્સેક્સ 104 પોઇન્ટ વધીને 59307 અને એનએસઇ સેન્સેક્સ 12.30 પોઇન્ટના સુધારે 17576ના સ્તરે બંધ થયા હતા.
આ સાથે વિક્રમ સંવત 2078માં ભારતીય શેરબજારમાં રોકાણકારોને નેગેટિવ રિટર્ન આપ્યુ છે, જે વિક્રમ સંવત 2071 પછીની પહેલી ઘટના છે, જે વર્ષે ભારતીય શેરબજારમાં 2.7 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો.
વિક્રમ સંવત 2078માં સેન્સેક્સમાં 1 ટકા અને નિફ્ટીમાં 1.5 ટકાનું નકારાત્મક રિટર્ન જોવા મળ્યુ છે. જ્યારે કોરોના મહામારી બાદ અનપેક્ષિત ઉછાળાને પગલે તેની પૂર્વેના વિક્રમ સંવત 2077માં સેન્સેક્સમાં 38 ટકા અને નિફ્ટીમાં 40 ટકાની તેજી નોંધાઇ હતી.
રોકાણકારોની સંપત્તિમાં વધારો
વિક્રમ સંવત 2078ના છેલ્લા ટ્રેડિંગ દિવસે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઇ) ખાતે લિસ્ટેડ તમામ કંપનીઓનું બજાર મૂલ્ય 274.41 લાખ કરોડ રૂપિયા રહ્યું છે. જ્યારે વિક્રમ સંવત 2077ના છેલ્લા દિવસે બીએસઇની કુલ માર્કેટકેપ 263.07 લાખ કરોડ રૂપિયા નોંધાઇ હતી. આમ શેરબજારના રોકાણકારોની સંપત્તિમાં દિવાળી થી દિવાળી દરમિયાન 11.34 લાખ કરોડ રૂપિયાની કમાણી થઇ છે.

ઉલ્લેખનિય છે કે, વિક્રમ સંવત 2077માં ભારતીય શેરબજારમાં 40 ટકાની તેજીને પગલે બીએસઇની માર્કેટકેપમાં લગભગ 90 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો હતો, બીજા શબ્દોમાં કહીયે તો રોકાણકારોની સંપત્તિમાં આટલો વધારો થયો હતો.