ઘણા દિવસો બાદ દેવાદાર ટેલિકોમ કંપની વોડાફોન આઇડિયા લિમિટેડના શેરમાં આજે સોમવારે, 6 ફેબ્રુઆરી 2023ના રોજ જોરદાર તેજી જોવા મળી છે. આ તેજીનું કારણ છે વોડાફોન આઇડિયામાં શેરહોલ્ડર તરીકે સરકારની એન્ટ્રી છે. વોડાફોન-આઇડિયા હાલ જંગી દેવા અને કસ્ટમરોની સતત ઘટી રહેલી સમસ્યાનો સામનો કરી રહી છે તેવા સમયે સરકાર તરફથી મળેલા ગ્રીન સિગ્નલે કંપનીને ‘નવજીવન’ આપ્યું છે. અહીંયા સૌથી નવાઇની બાબત એ છે કે એક બાજુ સરકાર ‘ડિસઇન્વેસ્ટમેન્ટ’ના નામે જાહેર ક્ષેત્રની કંપનીઓનો હિસ્સો વેચીને નાણાં ઉભા કરી રહી છે એવા સંજોગોમાં એક ખાનગી ટેલિકોમ કંપની જેની ઉપર જંગી દેવું છે તેમાં શા માટે હિસ્સો ખરીદવા રાજી થઇ છે. વાંચો એક રસપ્રદ અહેવાલ
વોડાફોન-આઇડિયામાં 25 ટકાનો ઉછાળો
કેન્દ્ર સરકાર તરફથી એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાતા વોડાફોન-આઇડિયાના શેરે આજે ઉંચી ઉડાન ભરી હતી. વોડા-આઇડિયાનો શેર પાછલા બંધ 6.89 રૂપિયાની સામે સોમવારે ઇન્ટ્રા-ડેમાં 25 ટકા ઉછળીને 8.57 રૂપિયાની ટોચે પહોંચ્યો હતો. શેરબજારના કામકાજના અંતે શેર 20 ટકાની તેજી સાથે 8.26 રૂપિયાના સ્તરે બંધ થયો હતો. કંપનીની માર્કેટકેપ 26,530 કરોડ રૂપિયા થઇ હતી.
બ્રિટિશ અને ભારતીય ઉદ્યોગપતિનું સંયુક્ત સાહસ છે
નોંધનિય છે કે, વોડાફોન આઇડિયા એ બ્રિટિશ ટેલિકોમ કંપની વોડાફોન ગ્રૂપ પીએલસી અને ભારતીય ઉદ્યોગપતિ કુમાર મંગલમ્ બિરલાની માલિકીની આઇડિયા લિમિેટેડનું સંયુક્ત સાહસ છે. માર્ચ – 2017માં વોડાફોન અને આઇડિયાનું મર્જર કરવામાં આવ્યું હતુ.
Viના ચેરમેન પદેથી કુમાલ મંગલમ્ બિરલાનું રાજીનામું
ઉલ્લેખનિય છે કે, નાણાંકીય કટોકટીના કારણે કુમાર મંગલમ્ બિરલાએ 5 એપ્રિલ 2021ના રોજ વોડાફોન આઇડિયાના ડિરેક્ટર અને નોન એક્ઝિક્યુટિવ ચેરમેન પદેથી રાજીનામું આપી દીધુ હતુ.

વોડાફોન-આઇડિયા ઉપર કેટલું દેવુ છે
વોડાફોન-આઇડિયા કંપની છેલ્લા ઘણા સમયથી જંગી દેવાની સમસ્યાથી પીડાઇ રહી છે. સપ્ટેમ્બર 2022ના અંતે ટેલિકોમ કંપની ઉપર લગભગ 2,20,320 લાખ કરોડ રૂપિયાનું દેવુ છે. જેમાં 15080 કરોડ રૂપિયા જેટલું દેવું વિવિધ બેન્કો અને ફાઇનાન્સ કંપનીઓનું છે. ઉપરાંત ભારત સરકારને એડજસ્ટેડ ગ્રોસ રેવેન્યૂ (AGR) પેટે કરોડો રૂપિયા ચૂકવવાના બાકી છે. માર્કેટ એનાલિસ્ટોનું કહેવુ છે કે, કોઇપણ પ્રકારનું રિફાઇનાન્સિંગ કે હાલની લોનના રિપેમેન્ટની ડેડલાઇનનું વિસ્તરણ કે મુદ્દતમાં વધારો મહત્વપૂર્ણ રહેશે કારણ કે કંપનીએ આગામી સપ્ટેમ્બર 2023 સુધીમાં 9600 કરોડ રૂપિયાની ચૂકવણી કરવાની છે.
તો સપ્ટેમ્બર 2022ના અંતે ટાવર કંપનીઓ અને સપ્લાયર્સ, નેટવર્ક પ્રોવાઇડર્સ જેવા વેન્ડરોના બાકી લેણાં 15030 કરોડ રૂપિયા હતા.
વોડાફોન આઇડિયા એ એડજસ્ટેડ ગ્રોસ રેવેન્યૂ (AGR), સ્પેક્ટ્રમ ચાર્જી અને વ્યાજદર પેટે કરોડો રૂપિયા ભારત સરકારને ચૂકવવાના બાકી છે. સુપ્રીમ કોર્ટે તમામ ટેલિકોમ કંપનીઓને વર્ષ 2031 સુધીમાં બાકી એજીઆરની ચૂકવણી કરવા આદેશ કર્યો છે. ઉપલબ્ધ આંકડા મુજબ 31મી માર્ચ 2021 સુધીમાં વોડાફોન આઇડિયા પાસેથી ડિફર્ડ સ્પેક્ટ્રમ જવાબદારી પેટે 96,270 કરોડ રૂપિયા અને એજીઆર પેટે 60,960 કરોડ રૂપિયા સરકારના લેવાના નીકળતા હતા.
વોડાફોન-આઇડિયાનો નિર્ણય લેવામાં સરકારને એક વર્ષ લાગ્યો
વોડાફોન આઇડિયા લિમિટેડે એજીઆર અને વ્યાજના બાકી લેણાંની રકમના બદલામાં સરકારને કંપનીમાં હિસ્સો આપવાનો નિર્ણય જાન્યુઆરી 2021માં જ લઇ લીધો હતો. જો કે સરકારને આ મામલે નક્કર નિર્ણય લેવામાં વર્ષથી વધારે સમય લાગે છે. જાન્યુઆરી 2021માં વોડાફોન આઇડિયાએ જાહેર કરેલી એક નોટિફિકેશનમાં જણાવ્યુ હતું કે, આ વ્યાજની નેટ પ્રેઝન્ટ વેલ્યૂ (એનપીવી) કંપનીના અંદાજ અનુસાર રૂ. 16,000 કરોડ રહેવા સંભવ છે, જે ટેલિકોમ વિભાગની મંજૂરીને આધિન છે. સરકારને પ્રતિ શેર દીઠ રૂ. 10ના ભાવે ઇક્વિટી શેર ઇશ્યૂ કરાશે જે હાલની બજાર કિંમત કરતા નીચો ભાવ છે. ડેટને ઇક્વિટીમાં કન્વર્ટ કરવાથી હાલના તમામ શેરધારકોનો હિસ્સો ઘટી જશે. ઓક્ટોબર 2022માં સેબીએ વોડાફો આઇડિયાના ડેટ-ટુ-ઇક્વિટી પ્રસ્તાવને મંજૂરી આપી હતી.
વોડાફોન-આઇડિયામાં સરકાર 33 ટકા હિસ્સો મેળવશે
દેવાને ઇક્વિટીમાં કન્વર્ટ કરવાથી વોડાફોન આઇડિયામાં સરકાર 33 ટકા હિસ્સો મેળવશે. વોડાફોન આઇડિયા કંપનીએ સરકારને 16,000 કરોડ રૂપિયાનું વ્યાજ ચૂકવવાનું છે. આથી કંપની સરકારને આટલી રકમની મૂલ્યના ઇક્વિટી શેર ઇશ્યૂ કરશે. કંપની સરકારને 10 રૂપિયાની ફેસ વેલ્યૂ ધરાવતા 16,13,31,84,899 ઇક્વિટી શેર 10 રૂપિયાના ભાવના ઇશ્યૂ કરશે. આ સાથે સરકાર ટેલિકોમ કંપનીમાં 33 ટકા હિસ્સો મેળવશે તો બીજી બાજુ વોડાફોન આઇડિયામાં મૂળ પ્રમોટરોનું શેરહોલ્ડિંગ પણ 74.99 ટકાથી ઘટીને 50 ટકા થઈ જશે.

સરકારીનું ખાનગીકરણ વચ્ચે હવે ખાનગીનું સરકારીકરણ થશે
સરકારના આ નિર્ણયથી સરકારીનું ખાનગીકરણ વચ્ચે હવે ખાનગીનું સરકારીકરણની એક દુર્લભ ઘટના બનશે. એક બાજુ કેન્દ્રમાં રહેલી મોદી સરકારી ખોટી કરતી કે નફો રળી આપતી જાહેર ક્ષેત્રની કંપનીઓનું ‘ડિસઇન્વેસ્ટમેન્ટ’ના નામે હિસ્સો વેચીને ખાનગીકરણ કરી રહી છે તેવી સ્થિતિમાં સરકાર એક ખાનગી ટેલિકોમ કંપનીમાં હિસ્સો ખરીદવા જઇ રહી છે અને તે પણ એવી કંપની જેની ઉપર જંગી દેવું છે અને ઘણા સમયથી સતત ખોટ કરી રહી છે.
સરકાર દેવાદાર ટેલકોમ કંપનીમાં હિસ્સો ખરીદવા કેમ તૈયાર થઇ
અહીંયા સૌથી મોટો યક્ષ પ્રશ્ન એ છે કે, કેન્દ્રની ભાજપ સરકાર જે ‘ડિસઇન્વેસ્ટમેન્ટ’ના નામે સતત જાહેર ક્ષેત્રની કંપનીઓ વેચી રહી છે ત્યારે એક દેવાદાર ખાનગી ટેલિકોમ કંપનીમં હિસ્સો ખરીદવા માટે કેમ રાજી થઇ. આ પાછળ ઘણા કારણો જવાબદાર છે. જેનું મુખ્ય કારણ છે ટેલિકોમ સેક્ટરમાં તંદુરસ્ત હરિફાઇ અને વિદેશી રોકાણકારોનો ભારત પ્રત્યેનો વિશ્વાસ ટકાવી રાખવો છે.
હાલ ભારતમાં સરકારી માલિકીની BSNLને બાદ કરતા ખાનગી માલિકીની 3 ટેલિકોમ કંપનીઓ છે – રિલાયન્સ જિયો, એરટેલ અને વોડાફોન આઇડિયા. નાણાંકીય કટોકટીમાં ફસાયેલી વોડાફોન આઇડિયા જો બંધ થઇ જાય તો ટેલિકોમ સેક્ટરમાં માત્ર બે જ કંપનીઓ રહે અને તેનાથી આ ક્ષેત્રમાં એકાધિકાર જેવી સ્થિતિ સર્જાઇ શકે છે. આથી સરકાર વોડાફોન આઇડિયાને ટકાવી રાખીને ટેલિકોમ સેક્ટરમાં તંદુરસ્તી હરિફાઇ જાળવી રાખવાનો પ્રયાસ કરી રહી છે.
બીજું વોડાફોન આઇડિયા એ બ્રિટિશ અને ભારતીય કંપનીનું સંયુક્ત સાહસ છે. આ કંપનીમાં બ્રિટિશ જૂથ વોડાફોન ગ્રૂપ પીએલસી પણ પ્રમોટર છે જો વોડાફોન આઇડિયા ભારતમાં બિઝનેસ બંધ કરેતો વિદેશમાં ભારતની સ્થિતિ ખરડાઇ શકે છે.