Vodafone Idea Share Price : ટેલિકોમ સેક્ટરની ખાનગી કંપનીના શેરમાં ઘણા વર્ષ બાદ તેજી જોવા મળી રહી છે. વોડાફોન આઈડિયા કંપનીનો શેર છેલ્લા ઘણા દિવસથી સતત વધી રહ્યો છે. આ ટેલિકોમ શેરનો ભાવ હાલ વર્ષની ઉંચી સપાટીએ ટ્રેડ થઇ રહ્યો છે. 23 ફેબ્રુઆરી, 2024ના રોજ વોડાફોન આઈડિયાનો શેર 18.40 રૂપિયા બોલાયો હતો, જે 52 સપ્તાહનો સૌથી ઉંચો ભાવ છે. આ સાથે છેલ્લા એક વર્ષમાં આ કંપનીના શેરમાં દમદાર રિટર્ન મળ્યું છે. તો વર્ષનો સૌથી નીચો ભાવ 5.70 રૂપિયા છે.
વોડાફોન આઈડિયા શેર – એક વર્ષમાં 162 ટકા રિટર્ન (Vodafone Idea Share Returns)
વોડાફોન આઈડિયા કંપનીના શેરમાં છેલ્લા ઘણા સપ્તાહથી સતત તેજી જોવા મળી છે. આ કંપનીએ તેના શેરધારકોને છેલ્લા વર્ષમાં 162 ટકા રિટર્ન આપ્યું છે. ટેલિકોમ કંપનીના શેરમાં ઘણા વર્ષો બાદ ઉછાળો આવ્યો છે, આવા સંજોગોમાં રોકાણકારો આ કંપનીના શેર હોલ્ડ કરવા, નવા શેર ખરીદવા કે વેચવા અંગે મૂંઝવણ અનુભવી રહ્યા છે. તમને જણાવી દઇયે કે, આ દેવાદાર ટેલિકોમ કંપનીમાં સરકારનો 33.1 ટકા હિસ્સો છે.

ભારતીય શેરબજારમાં એકંદરે તેજીનો માહોલ છે અને આ દરમિયાન વોડાફોન આઈડિયા કંપનીનો શેરમાં મજબૂત દેખાઇ રહી છે. ભંડોળ એક્ત્ર કરવા અંગેની મંત્રણા માટે કંપનીએ 27 ફેબ્રુઆરીએ બોર્ડ મિટિંગ બોલાવી છે. આ અહેવાલ બાદ ટેલિકોમ કંપનીનો શેર વધી રહ્યો છે.
તમને જણાવી દઇયે કે, રિલાયન્સ જિયોની એન્ટ્રીથી વોડાફોન સહિત તમામ ટેલિકોમ કંપનીઓને કટ્ટર હરિફાઇનો સામનો કરવો પડ્યો હતો. જિયોના સસ્તા ટેરિફ સામે હરિફ કંપનીઓને પણ ટેરિફ ઘટાડવાની ફરજ પડી હતી. તેમજ સરકારના સ્પેક્ટ્રમ ચાર્જ અને એજીઆર પેટે બાકી લેણાના કારણે વોડાફોન આઈડિયા પર દેવું અનેક ગણુ વધી ગયુ હતુ.
વોડાફોન આઈડિયા ઉપર 2.15 લાખ કરોડનું દેવું (Vodafone Idea Debt)
વોડાફોન આઈડિયા કંપની પર જંગી દેવું છે. ફાઈનાન્સિયલ એક્સપ્રેસના એક રિપોર્ટ અનુસાર ડિસેમ્બર ક્વાર્ટર 2023ના ના અંતે વોડાફોન આઈડિયા પર 2.15 લાખ કરોડ રૂપિયાનું દેવું હતુ, જે તેની અગાઉના ત્રિમાસિકના અંતે 2.13 લાખ કરોડ રૂપિયા હતું. આ કુલ દેવામા વિલંબિત સ્પેક્ટ્રમ ચૂકવણીની જવાબદારીઓ પેટે 1.38 લાખ કરોડ, સરકારના બાકી એજીઆર પેટે 69,020 કરોડ, બેન્કો અને નાણાકીય સંસ્થાઓનું રૂ. 6,050 કરોડ અને અને ઓપ્શનલી કન્વર્ટિબલ ડિબેન્ચર્સ પેટે 1,660 કરોડ રૂપિયાનું દેવું છે.

વોડાફોન આઈડિયા શેર ખરીદવો કે વેચવો? જાણો માર્કેટ એક્સપર્ટ્સ પાસેથી (Vodafone Idea Share Buy Or Sell)
વોડાફોન આઈડિયા કંપનીના શેર માં હાલ તેજીનો માહોલ છે, તેમ છતાં રોકાણ માં સાવચેતી રાખવી. મની કન્ટ્રોલની એક ન્યૂઝ રિપોર્ટ મુજબ ચોઈસ બ્રોકિંગના એક્ઝિક્યુટિવ સુમીત બગાડિયા કહે છે, વોડાફોન આઈડિયાનો શેર ચાર્ટ પેટર્ન પર પોઝિટિવ દેખાય છે. કંપનીના શેરધારકોને સલાહ છે કે, તેઓ શેરને 18.50 રૂપિયાના તત્કાલ ટાર્ગેટ માટે 16 રૂપિયાના ભાવે સ્ટોપ લોસ મૂકવો. આ શેર 18.50 રૂપિયાની ઉપર ટકી રહે ત્યારબાદ ઉછલીને 21 રૂપિયા સુધી જઇ શકે છે.





