Vodafone Idea Tariff Rate Hike: ટેલિકોમ કંપનીઓ વચ્ચે ટેરિફ રેટ વધારવાની હોડ લાગી છે. રિલાયન્સ જિયો અને એરટેલ બાદ હવે વોડાફોન આઈડિયા કંપનીએ પણ પ્રીપેડ અને પોસ્ટપેડ સર્વિસના ટેરિફ રેટ 10 ટકા થી 24 ટકા સુધી વધાર્યા છે. Vi દ્વારા કૂલ 13 પ્રીપેડ પ્લાન 4 પોસ્ટપેડ પ્લાનના ટેરિફ રેટ વધાર્યા છે. વોડાફોન આઈડિયા લિમિટેડ કંપનીએ એક રિલીઝમાં જણાવ્યું હતું કે, ટેરિફ રેટમાં વધારો 4 જુલાઈ, 2024ના રોજથી લાગુ થશે.
વોડાફોન આઈડિયા પ્રીપેડ પ્લાનના ટેરિફ રેટ (Vodafone Idea Pre Paid Plans Tariff Hike)
વોડાફોન આઈડિયા દ્વારા વિવિધ 13 પ્રીપેડ પ્લાનના ટેરિફ રેટ વધારવામાં આવ્યા છે. કંપનીના સૌથી સસ્તા 28 દિવસની વેલિડિટીવાળા પ્રીપેડ પ્લાનની કિંમત હાલના 179 રૂપિયા થી વધારી 199 રૂપિયા કરવામાં આવી છે. તો 84 દિવસની વેલિડિટીના 459 રૂપિયાના પ્રીપેડ પ્લાન માટે હવે યુઝર્સે 509 રૂપિયા ચૂકવવા પડશે. તો 365 દિવસની વેલિડિટી વાળા 1799 રૂપિયાના પ્રીપેડ પ્લાનની કિંમત વધારીને 1999 રૂપિયા કરવામાં આવી છે.
કંપનીના સૌથી લોકપ્રિય દરરોજ 1 જીબી ડેટા અને અનલિમિટેડ કોલ સાથે 28 દિવસની વેલિડિટીવાળા 28 દિવસના પ્રીપેડ પ્લાનની કિંમત 269 રૂપિયાથી વધારી 299 રૂપિયા કરી છે. તેવી જ રીતે દરરોજ 1.5 જીબી ડેટા વાળા 28 દિવસના પ્રીપેડ પ્લાન માટે હવે તમારે 299 રૂપિયાના બદલે 349 રૂપિયા ચૂકવવા પડશે.
ઈન્ટરનેટ ડેટા પણ મોંઘુ થયું
વોડાફોન આઈડિયા દ્વારા ઈન્ટરનેટ ડેટા ઓડ ઓન રિચાર્જ પેકની કિંમત પણ વધારવામાં આવી હતી. અગાઉ 19 રૂપિયાના ડેટા એડ ઓન રિચાર્જ પર 1 દિવસ માટે 1 જીબી ડેટા મળતો હતો, જે માટે હવે તમારે 22 રૂપિયા ચૂકવવા પડશે. તેવી જ રીતે 3 દિવસની વેલિડિટી સાથે 6 જીબી ડેટા માટે તમારે 39 રૂપિયાના બદલે 48 રૂપિયા ચૂકવવા પડશે.
આ પણ વાંચો | Jio યુઝર્સને ઝટકો, રિચાર્જ પ્લાન 12 થી 27 ટકા મોંઘા થયા, અનલિમિટેડ 5જી ડેટા માટે વધુ ખર્ચ કરવો પડશે
વોડાફોન આઈડિયા પોસ્ટ પેડ પ્લાન ટેરિફ રેટ Vodafone Idea Post Paid Plans Tariff Hike)
વોડાફોન આઈડિયા દ્વારા પોસ્ટ પેડ પ્લાન ટેરિફ રેટ પણ વધારવામાં આવ્યા છે. કંપનીએ 401 રૂપિયાના પોસ્ટપેડ પ્લાનની કિંમત વધારીને 451 રૂપિયા કરી છે. તેવી જ રીતે 501 રૂપિયાના પ્લાનની કિંમત વધારીને 551 રૂપિયા તો 601 રૂપિયાના ફેમિલિ પ્લાનની કિંમત વધારીને 701 રૂપિયા અને 1001 રૂપિયાના પ્લાનની કિંમત વધારીને 1201 રૂપિયા કરી છે.