આઇટી અને ટેક ઇન્ડસ્ટ્રીઝમાં છેલ્લા કેટલાક મહિનાઓથી કર્મચારીઓની સતત છટણી કરવામાં આવી છે. આ અહેવાલો વચ્ચે હવે ટેલીકોમ સેક્ટરમાંથી પણ છટણીના સમાચાર આવ્યા છે. બ્રિટિશ ટેલીકોમ કંપની વોડાફોને પણ નોકરીઓમાં કાપ મૂકવાની જાહેરાત કરી છે. વોડાફોનના નવા ચીફ એક્ઝિક્યુટિવ માર્ગેરિટા ડેલા વાલેએ ખુલાસો કર્યો છે કે, કંપનીને “સરળ” બનાવવાની પ્રક્રિયામાં 11,000 કર્મચારીઓની છટણી કરાશે. કંપનીમાં આ છટણી આગામી ત્રણ વર્ષમાં કરવામાં આવશે.
ડેલા વાલેએ જણાવ્યું હતું કે, “અમારો નાણાંકીય દેખાવ સારો રહ્યો નથી,” વોડાફોનની વાર્ષિક આવક ફલેટ રહી છે. વોડાફોન પાસે ગયા વર્ષ સુધીમાં 104,000 કર્મચારીઓ હતા અને હવે આગામી ત્રણ વર્ષમાં તેના વૈશ્વિક કર્મચારીઓના 10 ટકા (લગભગ 11,000) કર્મચારીઓને છૂટા કરવાની યોજના બનાવી રહી છે. એક નિવેદનમાં તેમણે કહ્યું કે, “વોડાફોનને તેની સેવાઓ જાળવી રાખવા માટે ફેરફાર કરવાની જરૂર છે.”
કંપનીને સરળ બનાવવા માટે છટણી કરાશે
Della valle તેમના નિવેદનમાં વધુમાં જણાવ્યું હતું કે, અમે સંગઠનને સરળ બનાવીશું અને તેનું કદ ઘટાડીશું અને અમારી હરીફાઈમાં પાછા આવવા માટે જટિલતાઓને દૂર કરીશું. તમને જણાવી દઈએ કે ડેલાને મે 2023ની શરૂઆતમાં વોડાફોનમાં કાયમી ધોરણે CEO તરીકે નિમણુંક કરવામાં આવ્યા હતા.
અગાઉ ડિસેમ્બર 2022માં નિક રીડે વોડાફોનના સીઈઓ પદેથી રાજીનામું આપ્યું હતું. તેમણે વોડાફોનમાં ચાર વર્ષ સુધી કામગીરી કરી હતી અને કંપનીના શેરના ભાવમાં ઘટાડો થયા બાદ તેમણે રાજીનામું આપી દીધું. વોડાફોનમાંથી નિકની વિદાય સમયે, કંપની તેની યુકે હરીફ થ્રી યુકે સાથે મર્જ કરવા માટે વાટાઘાટો કરી રહી હતી. Three UKના માલિકી હક હોંગકોંગની કંપની સીકે હચીસન પાસે છે.
મીડિયા રિપોર્ટ્સમાં જાણવા મળ્યું છે કે આ ડીલ 15 બિલિયન યુરો એટલે કે લગભગ 1,53,774 કરોડ રૂપિયાની છે અને હવે તે પૂર્ણ થવાની તૈયારીમાં છે.
વોડાફોનની આવક ફ્લેટ રહી
તમને જણાવી દઈએ કે વોડાફોને મંગળવારે 16 મે, 2023ના રોજ જણાવ્યું કે માર્ચ 2023માં સમાપ્ત થયેલા નાણાકીય વર્ષમાં સમૂહની આવક 45.7 અબજ (લગભગ 4,09,430 કરોડ રૂપિયા) રહી છે. જે ગયા વર્ષ (2021/22)ની સરખામણીમાં સપાટ છે. કંપનીએ જણાવ્યું હતું કે ચોખ્ખો નફો 2.2 અબજ યુરો (આશરે રૂ. 19,709 કરોડ)થી વધીને 11.8 અબજ યુરો (આશરે રૂ. 1,05,717 કરોડ) થયો છે.
નોકરીમાં કાપ મૂકવાના મુદ્દે કંપનીએ કહ્યું, “અમે આગામી ત્રણ વર્ષમાં 11,000 કર્મચારીઓની છટણી કરીશું, જેમાં મુખ્ય હેડક્વાર્ટર અને સ્થાનિક બજારો બંનેના કર્મચારીઓનો સમાવેશ થાય છે.” કંપની યુકેમાં 5G રોલઆઉટને વેગ આપવા માંગે છે. તમને જણાવી દઇયે કે યુરોપ અને આફ્રિકામાં વોડાફોનના 30 કરોડથી વધારે મોબાઇલ કસ્ટમર છે.