/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/07/Warren-Buffet.jpg)
Warren Buffet : વોરન બફેટ દિગ્ગજ રોકાણકાર અને દુનિયાના અબજોપતિમાં સામેલ છે. (Express Archives)
Warren Buffett's Golden Rules Foe Becoming Rich: આજના મોંઘવારીના સમયમાં સમજદારીપૂર્વક ખર્ચ કરવા એક સારો ગુણ છે. કારણ કે પૈસા કમાવવા દિવસો અને મહિનાઓ લાગે છે જ્યારે ગણતરીની મિનિટમાં પૈસા ખર્ચાઇ જાય છે. આજકાલ લોકો દેખાદેખી કે શોખ માટે મોંઘી ચીજો પાછળ આંખ બંધ કરી બિનજરૂરી ખર્ચ કરે છે. તેમા મોંઘા સ્માર્ટફોન, મોંઘી કાર અને આલિસાન ઘરોથી લઈને બ્રાન્ડેડ પ્રોડક્ટ સુધીની વિવિધ વસ્તુ શામેલ છે. જો તમે ઘણીવાર બિનજરૂરી અથવા વિચાર્યા વગર પૈસા ખર્ચ કરો છો અને આ ટેવ છોડી દેવા માંગો છો, તો કદાચ અત્યાર સુધીના સૌથી સફળ રોકાણકારોમાંના એક, વોરેન બફેટની વાતનું અનુકરણ કરવાનો સમય આવી ગયો છે. વોરન બફેટે આ 5 વસ્તુ પાછળ ક્યારેય બિનજરૂરી ખર્ચ ન કરવાની સલાહ આપી છે. ચાલો જાણીયે આ 5 વસ્તુ કઇ છે
નવી કાર ખરીદવી
કોઈ વ્યક્તિનો પગાર વધે છે ત્યારે તેના મગજમાં સૌથી પહેલા નવી કાર ખરીદવાની વાત આવે છે, પરંતુ બફેટ તેને મોટાભાગના લોકો દ્વારા કરવામાં આવતી સૌથી મોટી ભૂલોમાંની એક માને છે. તેમનું માનવું છે કે નવી કારની કિંમત શોરૂમ માંથી નીકળતા જ ઓછી થઇ જાય છે. આ કારની કિંમત દર વર્ષે ઘટતી રહે છે.
બફેટનું માનવું છે કે શો રૂમની બહાર નીકળતા જ જેની કિંમત ઘટી જાય તેવી વસ્તુ શા માટે ખરીદવી? અહીં સંદેશ એ છે કે કાર એ માત્ર પરિવહનનું સાધન છે, કોઈની સફળતાનું માપ નથી. એક એવી કાર જે પોતાનું કામ કરી રહી છે, પરંતુ દરરોજ તમારી બેલેન્સશીટ પર બોજ બની રહી છે, તે શાણપણભર્યું નથી. ખાસ કરીને જ્યારે એ જ નાણાંનું રોકાણ કરી ભવિષ્યમાં વધુ સારું વળતર આપી શકાય.
ક્રેડિટ કાર્ડનું વ્યાજ
બફેટ ક્રેડિટ કાર્ડના દેવાને એક જાળ માને છે, જેમાં એક વખત ફસાઇ ગયા પછી તેમાંથી બહાર નીકળવું ખૂબ મુશ્કેલ બની જાય છે. દેશના મોટાભાગના ક્રેડિટ કાર્ડ પર વાર્ષિક વ્યાજ દર 30 ટકાથી વધુ છે, એટલે કે જો તમે ક્રેડિટ કાર્ડથી 1 લાખ રૂપિયા ખર્ચ કરો છો, તો 1 વર્ષમાં તમારે એકલા વ્યાજ પેટે 30,000 રૂપિયાથી વધુ ચૂકવવા પડી શકે છે. બફેટ કહે છે, "જો તમે સમજદાર છો, તો તમે ઉધાર લીધા વિના ઘણા પૈસા બચાવી શકો છો.
જુગાર અને લોટરી
વોરન બફેટ જુગાર અને લોટરીને 'મેથ્સ ટેક્સ' કહે છે, જે ટેક્સ એવા લોકો પર લાદવામાં આવે છે જે ગણિત અને તર્કને સમજી શકતા નથી. તેઓ માને છે કે આ આદતો લોકોને વાસ્તવિક મહેનત અને રોકાણથી દૂર લઈ જાય છે અને તેમને આશા અને નસીબના ભ્રમમાં ફસાવી દે છે. તેઓ માને છે કે કસિનોમાં લોટરીની ટિકિટ ખરીદવી અથવા સટ્ટો લગાવવો શરૂઆતમાં આકર્ષક લાગી શકે છે, પરંતુ તે ધીમે ધીમે તમારી નાણાકીય શિસ્ત અને બચતને ખાઇ જાય છે.
જરૂરિયાત કરતા મોટું ઘર ખરીદવું
વોરન બફેટ હજી પણ તે જ મકાનમાં રહે છે જે તેણે 1958માં ખરીદ્યું હતું. બફેટે જણાવ્યું હતું કે, "ઘર એ રહેવા માટેનું સ્થળ છે, સફળતાનું માપદંડ નથી." મોટું ઘર એટલે વધુ કર, જાળવણી, સ્ટાફ અને જવાબદારીઓ. જો તમારે 2BHK જોઈએ છે, પરંતુ તમે માત્ર દેખાડા માટે 4BHK લઈ રહ્યા છો, તો તમે માત્ર દેખાડા માટે દર મહિને લાખો રૂપિયા વેડફી રહ્યા છો.
જટિલ રોકાણ યોજના
વોરન બફેટ હંમેશાં રોકાણની દુનિયામાં સરળતાની તરફેણમાં રહ્યા છે. તેમના રોકાણની ફિલોસોફી છે, 'તમે જે વ્યવસાયને સમજી શકતા નથી તેમાં ક્યારેય રોકાણ ન કરો.' આનો અર્થ એ થયો કે જો તમે રોકાણ પાછળની સ્ટ્રેટેજી, રિસ્ક, સંભવિત રિટર્ન કે ચાર્જિસને સમજી શકતા નથી તો તેમાં રોકાણ કરવું એ તમારી મહેનતની કમાણીને જોખમમાં મૂકવા જેવું છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us