મોંઘવારી (inflation) વચ્ચે પીસાઇ રહેલા લોકો માટે એક રાહતજનક સમાચાર આવ્યા છે. કેન્દ્ર સરકારે તેની પાસે રહેલા બફર સ્ટોકમાં પડેલા ઘઉંમાંથી 30 લાખ ટન જેટલો જથ્થો ખુલ્લા બજારમાં વેચવાનો નિર્ણય લીધો છે. જો સરકાર અનાજનું વેચાણ કરે તો ખુલ્લા બજારમાં ઘઉં અને ઘઉંના લોટની કિંમત પ્રતિ કિગ્રા દીઠ પાંચથી છ રૂપિયા સુધી ઘટી શકે છે.
સરકાર 30 લાખ ટન ઘઉં ખુલ્લા બજારમાં વેચશે
મોદી સરકારે બુધવારે જ જાહેરાત કરી છે કે, બફર સ્ટોકમાંથી 30 લાખ ટન ઘઉંનો જથ્થો ખુલ્લા બજારમાં વેચવામાં આવશે. આ ઘઉં આગામી બે મહિનામાં એટલે કે માર્ચ 2023 સુધીમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. ઘઉંના નવા પાકની ખરીદીની કામગીરી એપ્રિલ 2023માં શરૂ થવાની છે. આવી સ્થિતિમાં, એ જોવાનું રહેશે સરકારના આ નિર્ણયથી ઘઉંના ભાવ ઘટે છે કે નહીં.
…તો ઘઉં અને લોટની કિંમત ઘટશે
સરકાર દ્વારા બફર સ્ટોકનો ઘઉં ખુલ્લા બજારમાં વેચવાના નિર્ણયથી દેશમાં ઘઉં અને લોટના ભાવમાં બહુ જલ્દી પ્રતિ કિગ્રા દીઠ 5 થી 6 રૂપિયા સુધીનો ઘટાડો થઈ શકે છે, એવી ધારણા રોલર ફ્લોર મિલર્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા (RFMFI) દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ સંસ્થા લોટ મિલ માલિકોનું સંગઠન છે. સરકારના આ નિર્ણયને ફ્લોર મિલ માલિકોએ આવકાર્યો છે.
ઘઉં અને લોટના ભાવને અંકુશમાં રાખવાનો પ્રયાસ
ખાદ્ય મંત્રાલયે આ સંદર્ભમાં જારી કરેલા નિવેદનમાં જણાવ્યું છે કે કેન્દ્ર સરકાર તેના બફર સ્ટોકમાંથી 30 લાખ ટન ઘઉં ખુલ્લા બજારમાં વેચશે. જે ઘઉં અને લોટની રોકટ ગતિથી વધી રહેલી કિંમતોને તાત્કાલિક અંકુશમાં રાખવામાં મદદ કરશે. તેનાથી દેશના સામાન્ય લોકોને મોટી રાહત મળવાની આશા છે.
RFMFI પ્રમુખ પ્રમોદ કુમારે કહ્યું કે કેન્દ્ર સરકારે યોગ્ય નિર્ણય લીધો છે. જો કે આ નિર્ણય એક મહિના પહેલા લઈ લેવો જોઈતો હતો. તેમણે ઉમેર્યું કે, આ નિર્ણયથી ઘઉં અને લોટના જથ્થાબંધ અને છૂટક ભાવમાં પ્રતિ કિલો 5-6 રૂપિયાનો ઘટાડો થવાની આશા છે.
સરકારી આંકડા અનુસાર, બુધવારે દેશના મુખ્ય શહેરોમાં ઘઉંની સરેરાશ કિંમત 33.43 રૂપિયા પ્રતિ કિલો હતી, જ્યારે લોટની સરેરાશ કિંમત 37.95 રૂપિયા પ્રતિ કિલો હતી. જ્યારે એક વર્ષ પૂર્વેના સમયે દેશમાં ઘઉંની સરેરાશ કિંમત 28.24 રૂપિયા પ્રતિ કિલો અને લોટની કિંમત 31.41 રૂપિયા પ્રતિ કિલો હતી.
કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવાયો
હકીકતમાં, ઘઉં અને લોટની કિંમતોના મુદ્દા પર ચર્ચા કરવા માટે બુધવારે ગૃહ પ્રધાન અમિત શાહની અધ્યક્ષતામાં મંત્રી મંડળની એક બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન, દેશમાં બફર સ્ટોકની સ્થિતિને ધ્યાનમાં રાખ્યા બાદ ઘઉંનો જથ્થો ખુલ્લા બજારમાં વેચવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ઈ-ઓક્શન દ્વારા મોટા ખરીદદારોને ઘઉંનું વેચાણ કરતી વખતે એક હરાજીમાં એક ખરીદદારને વધુમાં વધુ 3000 ટન ઘઉં વેચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ ઉપરાંત, રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોને તેમની યોજનાઓ માટે ઈ-ઓક્શન વગર 2350 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવરે ઘઉંની સપ્લાય કરવામાં આવશે. ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (FCI) તાત્કાલિક ધોરણે ઘઉંના વેચાણ માટે ઈ-ઓક્શનની કામગીરી શરૂ કરશે અને માર્ચ 2023 સુધીમાં સંપૂર્ણ 30 લાખ ટન ઘઉંનો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવશે. FCI એ કેન્દ્ર સરકાર વતી અનાજની પ્રાપ્તિ અને વિતરણની કામગીરી કરતી મુખ્ય એજન્સી છે, જેની પાસે 1 જાન્યુઆરીએ 171.70 લાખ ટન ઘઉંનો બફર સ્ટોક ઉપલબ્ધ હતો.
સરકારી સંસ્થાઓને રાહત દરે સીધા ઘઉં મળશે
સરકારી સંસ્થા ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (FCI) આગામી બે મહિના દરમિયાન ઘઉંના આ સ્ટોકનું વિવિધ માર્ગે વેચાણ કરશે. ફ્લોર મિલ જેવા મોટા ખરીદદારોને FCI ઈ-ઓક્શન દ્વારા ઘઉંનું સીધું વેચાણ કરશે, જ્યારે જાહેર ક્ષેત્રના એકમો, સહકારી સંસ્થાઓ, ફેડરેશન, કેન્દ્રીય ભંડાર, NCCF અને NAFEDને 23.50 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ઘઉં વેચવામાં આવશે. આ સંસ્થાઓ આ ઘઉંમાંથી લોટ બનાવીને લોકોને મહત્તમ રૂ. 29.50 પ્રતિ કિલોના ભાવે તેનું વેચાણ કરવાનું રહેશે.
સરકાર દ્વારા ઘઉંની ખરીદીમાં 50 ટકાનો ઘટાડો
કેન્દ્ર સરકારે વર્ષ 2020માં મે મહિનામાં એફસીઆઈની પ્રાપ્તિમાં ઘટાડો અને ભાવમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. 2021-22 પાક વર્ષ (જુલાઈ-જૂન) દરમિયાન દેશમાં ઘઉંનું ઉત્પાદન ઘટીને 1068.4 લાખ ટન થયું, જ્યારે તેની અગાઉના વર્ષે 1095.9 લાખ ટન ઘઉંનો પાક થયો હતો. ઘઉંના ઉત્પાદનમાં જંગી ઘટાડાને કારણે ગત વર્ષે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (FCI)ટેકાના ભાવે માત્ર 190 લાખ ટન જેટલા ઘઉંની ખરીદી કરી શક્યું હતું, જે તેની અગાઉના વર્ષમાં ખરીદેલા 430 લાખ ટન ઘઉંની તુલનાએ 50 ટકાથી પણ ઓછી પ્રાપ્તિ દર્શાવે છે. નોંધનિય છે કે, ચાલુ રવી સીઝન દરમિયાન ભારતમાં ઘઉંનું વાવેતર ગત વર્ષની તુલનાએ વધારે થયું છે.