દર વર્ષે હજારો વિદ્યાર્થીઓ ફોરેન એજ્યુકેશનનું સપનું પૂરું કરવા ભારતમાંથી વિદેશ જાય છે. ભારતીય વિદ્યાર્થીઓ સારી નોકરીની તકો અને ઇન્ટરનેશનલ કરિયરની તકો મેળવવા માટે ફોરેન યુનિવર્સિટીની પસંદગી કરે છે. ખરેખર દુનિયામાં એવા ઘણા દેશો છે જે તેમના ત્યાં ભણાવવામાં આવતા વિશેષ અભ્યાસક્રમો જેવા કે, ફેશન, બિઝનેસ મેનેજમેન્ટ, આઈટી, હોસ્પિટાલિટી મેનેજમેન્ટ અને વિશેષ અભ્યાસક્રમો માટે લોકપ્રિય છે. આ વિદેશી શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ઓફર કરવામાં આવતા વિશેષ અભ્યાસક્રમો અને ડિગ્રી હાંસલ કરવા માટે નાણાંકીય રીતે સદ્ધર પરિવારના વિદ્યાર્થીઓએ પણ ઘણી વખત નાણાંકીય મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
આવા વિદ્યાર્થીઓ પોતાનો અભ્યાસ પૂર્ણ કરવા માટે બેંકો પાસેથી લોન મેળવે છે. જો કે, તેઓ પોતાના શિક્ષણ હેતુ નાણાંકીય ભંડોળની વ્યવસ્થા કરવા માટે યોગ્ય નાણાંકીય સંસ્થા અને તેમની સ્કીમ – એજ્યુકેશન લોન અને પર્સનલ લોનને લઇ મૂંઝવણ અનુભવે છે. તેઓ ફોરેન એજ્યુકેશન કરવા માટે એજ્યુકેશન લોન લેવી કે પર્સનલ લોન લેવી અને તેની ખુબીઓ- ખામી અંગે અસમંજસમાં હોય છે.
વિદેશમાં અભ્યાસ કરવા, રહેવા, ટ્યુશન ફી, રોજિંદી જરૂરિયાતો પૂરી કરવા અને અન્ય ઘણા શિક્ષણ-સંબંધિત ખર્ચાઓ માટે ભંડોળની વ્યવસ્થા કરવા હેતુ યોગ્ય બેંક અથવા અન્ય કોઈપણ નાણાકીય સંસ્થામાં અરજી કરવી બહુ જ મહત્વપૂર્ણ છે. તેમાં વ્યાજ દર અને લોનના હપ્તા જેવા મહત્વપૂર્ણ પાસાઓ પર ધ્યાન આપવાની જરૂર છે.
પર્સનલ લોન અને એજ્યુકેશન લોન વચ્ચે શું તફાવત છે?
પર્સનલ લોન
પર્સનલ લોનમાં બેન્ક કે નાણાકીય સંસ્થા પાસેથી લીધેલી લોનનો વ્યક્તિ તેની ઇચ્છા મુજબ ઉપયોગ કરી શકે છે. આવી લોનના નાણાં લોનધારક વ્યક્તિ શિક્ષણ, ટ્યુશન ફી, લગ્ન, ઘરનું રિનોવેશન, વેકેશન વગેરે જેવા વિવિધ હેતુઓ માટે પણ કરી શકે છે. આ લોન બેંક, ક્રેડિટ યુનિયન અથવા ઑનલાઇન લેન્ડરોને અરજી કરીને મેળવી શકાય છે. સૌથી અગત્યની બાબત એ છે કે પર્સનલ લોનની ચૂકવણી નિર્ધારિત સમયગાળાની અંદર વ્યાજ સાથે સમયસર થવી જોઈએ.
આ એક અનસિક્યોર્ડ લોન છે. લોન લેનાર વ્યક્તિએ તેની માટે જામીનગીરી અથવા પ્રોપર્ટીના દસ્તાવેજો સબમિટ કરવાની જરૂર હોતી નથી અને બેંકો દ્વારા ઓછામાં ઓછા દસ્તાવેજો સાથે ઓછા સમયમાં લોન ઇશ્યૂ કરવામાં આવે છે. પર્સનલ લોનના કિસ્સામાં લોન માટે અરજી કરનાર વ્યક્તિની માસિક આવક અને CIBIL સ્કોરને ધ્યાનમાં લેવામાં આવે છે.
એજ્યુકેશ લોન
એજ્યુકેશન લોન એ એક પ્રકારની લોન છે. વિદ્યાર્થીઓ તેમના શિક્ષણ-અભ્યાસ સંબંધિત ખર્ચાઓ પૂરા કરવા માટે આ લોન માટે અરજી કરે છે. ઘણી બેંકો અને નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ (NBFC) ભારત અથવા વિદેશમાં વધુ સારું શિક્ષણ મેળવવા માંગતા વિદ્યાર્થીઓને મદદ કરવા સ્પર્ધાત્મક વ્યાજદરે એજ્યુકેશન લોન આપે છે.
ફોરેન યુનિવર્સિટી કે ભારતની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવતા તમામ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિનો લાભ મળતો નથી, આવી સ્થિતિમાં એજ્યુકેશન લોન વિદ્યાર્થીઓના શિક્ષણના ખર્ચને પહોંચી વળવાનો શ્રેષ્ઠ માર્ગ બની જાય છે.