Hindenburg Claim On SEBI Chief Madhabi Puri Buch: અમેરિકાની શોર્ટ સેલર કંપની હિંડનબર્ગ રિસર્ચ દ્વારા નવા રિપોર્ટમાં સેબી ચીફ માધવી પુરી બુચ અને તેમના પતિ પર ગંભીર આક્ષેપ કર્યા છે. શનિવારે જાહેર કરેલા હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટમાં આરોપ મૂકાયો છે કે, સેબીના ચેરપર્સન માધવી પુરી બુચ અને તેમના પતિ ધવલ બુચ અદાણી મની સાઇફનિંગ ફ્રોડમાં સામેલ વિદેશી કંપનીઓમાં હિસ્સો ધરાવે છે. હિંડનબર્ગ રિસર્ચે જણાવ્યું હતું કે, માધવી પુરી બુચ અને તેમના પતિ પાસે અદાણી મની સાઇફનિંગ ફ્રોડમાં વપરાયેલી અબસુર ઓફશોર એન્ટિટીની હિસ્સેદારી છે. હિંડનબર્ગ રિસર્ચની આ રિપોર્ટ સામે આવ્યા બાદ માધવી પુરી બૂચ ચર્ચામાં છે. માધવી પુરી બુચ સેબીની પ્રથમ મહિલા અધ્યક્ષ છે. તેઓ 1 માર્ચ 2022થી આ પદ પર છે.
માધવી પુરી બુચ સેબીના ચેરપર્સન બનતા પહેલા એપ્રિલ 2017માં બુચને સેબીમાં પૂર્ણકાલીન ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમનો જન્મ 1966માં થયો હતો. માધવી પુરી બુચના પિતા કોર્પોરેટ સેક્ટરમાં કામ કરતા હતા, જ્યારે તેમની માતા પોલિટિકલ સાયન્સમાં ડોક્ટરેટની પદવી સાથે શિક્ષણવિદ હતા. માધવી પુરી બુચે પોતાનું શાળાકીય શિક્ષણ દિલ્હી અને મુંબઈમાં કર્યું હતું અને દિલ્હીની સેન્ટ સ્ટીફન કોલેજમાંથી સ્નાતકની પદવી મેળવી હતી. આ પછી તેમણે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, અમદાવાદ (આઇઆઇએમ, અમદાવાદ) માંથી એમબીએ કર્યું હતું.

18 વર્ષની ઉંમરે સગાઈ
માધવી પુરી બુચે 18 વર્ષની ઉંમરે ધવલ બુચ સાથે સગાઈ કરી હતી. ધવલ બુચ મલ્ટિનેશનલ કંપનીમાં સિનિયર હોદ્દા પર કામ કરતા હતા. 21 વર્ષની ઉંમરમાં માધવી અને ધવલે લગ્ન કરી લીધા હતા. માધવી લગ્નને ક્યારેય તેની કારકિર્દી પર બોજ માનતી નથી. તે કહે છે કે પરિવાર તેમની સૌથી મોટી તાકાત છે. તે પોતાના પતિ ધવલ બુચને પોતાના મિત્ર, તત્વચિંતક અને માર્ગદર્શક ગણાવે છે.
એમબીએ કર્યા બાદ એનજીઓ સાથે કામ કર્યું
એમબીએ કર્યા બાદ માધવી પુરી બુચે એક એનજીઓ સાથે થોડો સમય કામ કર્યું હતું. 1989માં તેઓ ICICI બેંકમાં જોડાયા. આ પછી, તેમણે ઇંગ્લેન્ડની વેસ્ટ ચેશાયર કોલેજમાં લેક્ચરર તરીકે કામ કર્યું હતું. 2006માં તે આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝમાં જોડાયા હતા. તે ફેબ્રુઆરી 2009 થી મે 2011 સુધી કંપનીના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ પદે હતા.
માધવી પુરી બુચ 2011માં ગ્રેટર પેસિફિક કેપિટલમાં જોડાવા માટે સિંગાપોર ગયા હતા. 2011થી 2017 વચ્ચે તેમણે ઝેનસર ટેક્નોલોજીસ, ઇનોવન કેપિટલ અને મેક્સ હેલ્થકેર જેવી અનેક કંપનીઓના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે સેવા આપી હતી. માધવી પુરી બુચ ઇન્ડિયન સ્કૂલ ઓફ ડેવલપમેન્ટ મેનેજમેન્ટ (આઇએસડીએમ)ના સ્વતંત્ર ડિરેક્ટર રહી ચૂક્યા છે અને ન્યૂ ડેવલપમેન્ટ બેન્કના સલાહકાર તરીકે પણ કામ કરી ચૂક્યા છે.

માધવી પુરી બુચના પતિ ધવલ બુચ કોણ છે?
ધવલ બુચ બ્લેકસ્ટોન અને અલ્વારેઝ એન્ડ માર્સલમાં સિનિયર કન્સલ્ટન્ટ છે. તેઓ ગિલ્ડનના બોર્ડમાં નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે પણ ફરજ બજાવે છે. ધવલ બુચ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, દિલ્હી (આઇઆઇટી-ડી)ના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે, જ્યાંથી તેમણે 1984માં મિકેનિકલ એન્જિનિયરિંગમાં સ્નાતકની પદવી મેળવી હતી. તેમણે યુનિલિવરમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટરનો હોદ્દો સંભાળ્યો અને આખરે કંપનીના ચીફ પ્રોક્યોરમેન્ટ ઓફિસર બન્યા. બુચે પોતાને પર્ચેઝ અને સપ્લાય ચેઇનના તમામ પાસાઓનો ઊંડો અનુભવ હોવાનું વર્ણવ્યું હતું.
આ પણ વાંચો | હિંડનબર્ગ રિસર્ચ નો સેબી વડા માધવી પુરી બુચ પર ગંભીર આરોપ, અદાણી ગ્રૂપ સાથે કનેક્શન, વાંચો સંપૂર્ણ રિપોર્ટ
આપણું જીવન ખુલ્લું પુસ્તક- બુચ દંપતી
સેબીના અધ્યક્ષ માધવી પુરી બુચ અને તેમના પતિ ધવલ બુચે શનિવારે એક સંયુક્ત નિવેદન જારી કરી હિંડનબર્ગ રિસર્ચ ના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા અને કહ્યું હતું કે તેમની નાણાકીય વિગતો પારદર્શક છે. બુચ દંપતિએ કહ્યું કે, અમે જણાવવા માંગીએ છીએ કે અમે અહેવાલમાં કરવામાં આવેલા પાયાવિહોણા આક્ષેપો અને આક્ષેપોને દ્રઢતા સાથે નકારીએ છીએ. તેમા કશું જ સત્ય નથી. અમારું જીવન અને નાણાકીય બાબતો એક ખુલ્લી કિતાબ છે. સેબીને વર્ષોથી તમામ જરૂરી ખુલાસા ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.





