/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/tod-power-tariff.jpg)
કેન્દ્ર સરકારે ઇલેક્ટ્રિસિટી (રાઇટ્સ ઓફ કન્ઝ્યુમર્સ) નિયમ 2020માં સુધારાની જાહેરાત કરી છે (પ્રતિકાત્મક તસવીર)
TOD Tariffs : કેન્દ્ર સરકારે ઇલેક્ટ્રિસિટી (રાઇટ્સ ઓફ કન્ઝ્યુમર્સ) નિયમ 2020માં સુધારાની જાહેરાત કરી છે. આ સુધારામાં નવી ટેરિફ સિસ્ટમ ટીઓડી એટલે કે 'ટાઇમ ઓફ ડે'નો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ટેરિફ સિસ્ટમ હેઠળ હવે વીજ ગ્રાહકોને દિવસ-રાત વીજળી માટે અલગ અલગ બિલ ચૂકવવા પડશે.
ગ્રાહકના ખિસ્સા પર કેટલો વધારાનો ભાર?
ઊર્જા મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન અનુસાર ' ટાઇમ ઓફ ડે' (ટીઓડી) ટેરિફ સ્થિર રહેશે. નવી સિસ્ટમ હેઠળ સોલર કલાક દરમિયાન 8 કલાકના વીજળીના બિલ, સામાન્ય બિલની સરખામણીમાં 20 ટકા સુધી ઘટાડો થઇ શકાય છે. પરંતુ પીક અવર્સ દરમિયાન એટલે કે રાત્રે જ્યારે વીજળીની માંગ વધારે હોય ત્યારે ગ્રાહકોને 10 ટકા વધુ બિલ ચૂકવવું પડશે. બીજી તરફ ઔદ્યોગિક અને કોમર્શિયલ વપરાશકારોએ પીક અવર્સમાં 20 ટકા વધુ બિલ ચૂકવવું પડશે.
નવી ટેરિફ સિસ્ટમ ક્યારે અમલમાં આવશે?
કોમર્શિયલ અન ઇન્ડસ્ટ્રીયલ ગ્રાહકો જેમની ડિમાન્ડ 10 કિલોવોટ કે તેથી વધારે છે તેમના માટે ટીઓડી ટેરિફ સિસ્ટમ 1 એપ્રિલ, 2024થી લાગુ થશે. જ્યારે અન્ય બધા ગ્રાહકો (કૃષિ ગ્રાહકો સિવાય) માટે 1 એપ્રિલ 2025 સુધીમાં નવી વ્યવસ્થા લાગુ થશે.
સ્માર્ટ મીટર જરૂરી
ઊર્જા મંત્રાલયના જણાવ્યા અનુસાર નવી ટેરિફ સિસ્ટમ માટે સ્માર્ટ મીટર લગાવવું ફરજિયાત છે. આવા ગ્રાહકો કે જેમની પાસે પહેલાથી જ સ્માર્ટ મીટર છે તેઓ પ્રથમ તબક્કામાં ટીઓડી સિસ્ટમ લાગુ કરી શકશે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, મોટાભાગના સ્ટેટ ઇલેક્ટ્રિસિટી રેગુલેટરી કમિશન (એસઇઆરસી) એ મોટી કોમર્શિયલ અને ઔદ્યોગિક કેટેગરીમાં પહેલા જ ટીઓડી ટેરિફ લાગુ કરી દીધા છે.
આ પણ વાંચો - વીજળી 20 ટકા સુધી સસ્તી થશે, કેન્દ્ર સરકારે પાવર ટેરિફના નિયમો બદલ્યા
દર વધવાના એક મહિના પહેલા માહિતી આપવી પડશે
સરકારના જણાવ્યા અનુસાર ટીઓડી ટેરિફ લાગુ થયા બાદ તમામ વીજ કંપનીઓએ પોતાની વેબસાઇટ પર દરેક કેટેગરીના ગ્રાહકો માટે ટેરિફ રેટ જણાવવો પડશે. જો ટેરિફના દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવશે તો ગ્રાહકોએ ઓછામાં ઓછા એક મહિના પહેલા તેને જાણ કરવી ફરજિયાત રહેશે.
દિવસના મુકાબલે રાત્રે વીજળી કેમ મોંઘી થશે?
શા માટે ટીઓડી ટેરિફ સિસ્ટમમાં દિવસ કરતા રાત્રે વીજળીના દર મોંઘા થશે? ચાલો આપણે તેને સરળ ભાષામાં સમજીએ. વાસ્તવમાં દિવસ દરમિયાન ગ્રાહકોને પૂરી પાડવામાં આવતી વીજળીમાં સૌર ઊર્જાથી ઉત્પન્ન થતી વીજળીનો પણ સમાવેશ થાય છે. જ્યારે રાત્રે માત્ર કોલસા અને ગેસ આધારિત વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે છે. કોલસો અને ગેસ સૌર ઊર્જા કરતા ઘણા મોંઘા છે. તેથી જ રાત્રે જે વીજ પુરવઠો સપ્લાઇ થશે તેના દર મોંઘા થશે.
ટીઓડી ટેરિફ સિસ્ટમની કેમ જરૂર પડી?
કેન્દ્રીય ઊર્જા પ્રધાન આર કે સિંહનું કહેવું છે કે ટીઓડી ટેરિફ સિસ્ટમ વીજ કંપનીઓ અને ગ્રાહકો બંને માટે લાભદાયક સ્થિતિ છે. ટીઓડી ટેરિફમાં નોર્મલ કલાકો, સોલર કલાકો અને પીક અવર્સ માટે અલગ અલગ વીજળીના દર છે. તેથી ગ્રાહકો લોડ પ્રમાણે તેમના ટેરિફનું સંચાલન કરવા માટે જાગૃત થશે અને વીજળીનું બિલ પણ જાતે જ ઘટાડી શકશે. ઉદાહરણ તરીકે જેમ કે ગ્રાહકો કપડાં ધોવા, રસોઈ જેવા કામો સોલાર અવર્સમાં કરી શકે છે.
સમય-આધારિત પાવર ટેરિફ સિસ્ટમનો સૌથી મોટો ઉદ્દેશ પીક અવર્સ દરમિયાન ગ્રેડ સિસ્ટમ પરનો ભાર ઘટાડવાનો છે. સરકારનું માનવું છે કે પીક અવર્સમાં વીજળીના ઊંચા દરો ઉંચા હોવાથી ગ્રાહકોને વીજળી બચાવવા પ્રત્યે જાગૃત થશે. જેનાથી ગ્રિડ પરનો ભાર ઓછો થશે. જો તેમાં સફળતા મળે તો ગ્રિડની જાળવણી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કામગીરી પાછળનો વધારાનો ખર્ચ બચાવી શકાય છે.
કયા કયા દેશોમાં છે આવી વ્યવસ્થા?
હાલ અમેરિકા સહિત દુનિયાના લગભગ 20 દેશોમાં સમય આધારિત પાવર ટેરિફ સિસ્ટમ લાગુ છે. યૂરોપીય દેશોમાં આ વ્યવસ્થા લાંબા સમયથી ચાલી રહી છે. જે 20 દેશોમાં આ સિસ્ટમ લાગુ છે, તેમાંથી 17 એકલા યુરોપિયન યુનિયનના દેશો છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us