Xiaomi નું સ્માર્ટ ટાવર એસી, ફક્ત 40 સેકન્ડમાં રુમ થઇ જશે ઠંડો, જાણો કિંમત

Xiaomi Smart AC : શાઓમીનું આ નવું ફ્લોર-સ્ટેન્ડિંગ એસી આસાનીથી તમારા રૂમમાં એક ખૂણામાં સેટ કરી શકાય છે. તેને સ્માર્ટફોન એપ દ્વારા સરળતાથી કંટ્રોલ કરી શકાય છે

Written by Ashish Goyal
May 28, 2025 16:09 IST
Xiaomi નું સ્માર્ટ ટાવર એસી, ફક્ત 40 સેકન્ડમાં રુમ થઇ જશે ઠંડો, જાણો કિંમત
શાઓમીએ આ નવા એસી મોડલમાં એરફ્લો સિસ્ટમમાં અગાઉના મોડલની સરખામણીએ સુધારો કર્યો છે (તસવીર - સોશિયલ મીડિયા)

Xiaomi Smart AC: શાઓમી ને એસી સેગમેન્ટમાં એક લીડર તરીકે ઓળખવામાં આવે છે. હવે ચીની કંપનીએ પોતાના ગ્રાહકો માટે એક નવી સરપ્રાઈઝ રજૂ કરી છે. કંપનીનો દાવો છે કે તેનું નવું એસી માત્ર 40 સેકન્ડમાં ઘરને ઠંડુ કરી દે છે. ખાસ વાત એ છે કે આ એસી લગાવવા માટે ઘરમાં કોઇ તોડફોડ કરવાની જરૂર નથી. શાઓમીનું આ નવું ફ્લોર-સ્ટેન્ડિંગ એસી આસાનીથી તમારા રૂમમાં એક ખૂણામાં સેટ કરી શકાય છે. તેને સ્માર્ટફોન એપ દ્વારા સરળતાથી કંટ્રોલ કરી શકાય છે.

શાઓમીના સ્માર્ટ હોમ પ્રોડક્ટ લિસ્ટમાં આ એસીને Xiaomi Mijia Ultra Efficient Standing AC 3HP નામથી એડ કરવામાં આવ્યું છે. કંપનીએ એસીમાં HyperOS Connect સિસ્ટમ આપી છે. આ એસીને Mijia App દ્વારા કંટ્રોલ કરી શકાય છે.

આ એસીની કિંમત

કિંમતની વાત કરીએ તો શાઓમીએ ચીનમાં પોતાનું સ્ટેન્ડિંગ સ્માર્ટ એસી 4,999 યુઆન (લગભગ 59,300 રૂપિયા)માં ઉપલબ્ધ કરાવ્યું છે. સરકારી સબસિડી બાદ આ એસીની કિંમત 3,999 યુઆન (લગભગ 47,500 રૂપિયા) છે. હાલમાં શાઓમીનું આ એસી ચીનમાં માત્ર JD.com પર જ ખરીદી માટે ઉપલબ્ધ છે. ભારતમાં આ એસીના લોન્ચિંગ સાથે જોડાયેલી કોઇ જાણકારી નથી.

શાઓમીના આ નવા સ્માર્ટ એસીના ફીચર્સ

શાઓમીએ આ નવા એસી મોડલમાં એરફ્લો સિસ્ટમમાં અગાઉના મોડલની સરખામણીએ સુધારો કર્યો છે. નવા મોડલની એરફ્લો સિસ્ટમનો એંગલ 115 ડિગ્રી છે. જેના કારણે આ એસી મોટા રૂમને તરત જ ઠંડુ કરી દેશે.

આ પણ વાંચો – UPI માં ખોટા નંબર પર ચુકવણી થઇ ગઇ હોય તો પૈસા કેવી રીતે પાછા મેળવવા? અહીં જાણો

આ ઉપરાંત શાઓમીનો દાવો છે કે નવું એસી 13 મીટર સુધીના અંતરે એર ડિલિવર કરી શકે છે. અગાઉ જણાવ્યા મુજબ એસીને મિજિયા એપથી નિયંત્રિત કરી શકાય છે કારણ કે તે હાઇપરઓએસ કનેક્ટ સિસ્ટમને સપોર્ટ કરે છે. યુઝર્સને આ એસીમાં વોઇસ કંટ્રોલ સપોર્ટ, રિયલ ટાઇમ મેઇન્ટેનન્સ એલર્ટ, શેડ્યૂલિંગ અને ઓટીએ અપડેટ્સ જેવા ફીચર્સ મળશે.

શાઓમીનો દાવો છે કે આ એસીને -32થી 60 ડિગ્રી સેલ્સિયસ સુધીના તાપમાનમાં ઓપરેટ કરી શકાય છે. એસી માત્ર 40 સેકંડમાં ઓરડાને ઠંડુ અને 80 સેકંડમાં ઓરડાને ગરમ કરી શકે છે. આ એસીમાં ઓટોમેટિક ક્લિનિંગ સિસ્ટમ પણ મળે છે. આ ફીચરથી એસી ફિન પર જમા થયેલી ગંદકીને ઓટોમેટિક સાફ કરી દે છે. હીટથી એસીમાં જમા થયેલા તમામ બેક્ટેરિયા અને ફંગલ પાર્ટિકલ્સને મારી નાખશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ