Gold Return In 2024 Year Ender: વર્ષ 2024 સોના માટે સૂર્વણ વર્ષ સાબિત થયું છે. સોના ચાંદીના ભાવ સતત ઐતિહાસિક ટોચે પહોંચ્યા છે. આ સાથે વર્ષ 2024માં રિટર્ન મામલે શેરબજાર સેન્સેક્સ નિફ્ટીને પાછળ છોડ્યા છે. સરળ શબ્દોમાં કહીયે સેન્સેક્સ નિફ્ટીની તુલનામાં સોનામાં છપ્પરફાડ વળતર મળ્યું છે. ભૂરાજકીય અશાંતિ અને વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાને કારણે સુરક્ષિત રોકાણ માટે સોનાનું આકર્ષણ વધ્યું છે. બીજી બાજુ દુનિયાભરની મધ્યસ્થ બેંકો દ્વારા સોનાનું ખરીદી કરવામાં આવી છે. વર્ષ 2025માં સોનામાં તેજી ચાલુ રહેવાની ધારણા છે. ચાલો જાણીયે વર્ષ 2024માં સોનામાં કેટલું રિટર્ન મળ્યું છે.
Gold Return In 2024 : સોનામાં કેટલું વળતર મળ્યું
વર્ષ 2024માં સોના અને ચાંદીના ભાવ રેકોર્ડ હાઇ લેવલે પહોંચ્યા છે. વૈશ્વિક બજારમાં 30 ઓક્ટોબરે સોનાની કિંમત 2788.54 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ થયું હતું, જે સોનાનો રેકોર્ડ હાઇ ભાવ છે. વૈશ્વિક બજારની સાથે ભારતમાં પણ સોનાના ભાવ ઐતિહાસિક ટોચ પર પહોંચ્યા હતા.
અમદાવાદમાં 30 ઓક્ટોબર, 2024ના રોજ સોનાની કિંમત 82300 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઇ હતી. જે સોનાનો સોથી ઉંચો ભાવ છે. તો 30 ડિસેમ્બર 2023ના રોજ 10 ગ્રામ સોનાની કિંમત 65300 રૂપિયા હતી. આમ વર્ષ 2024માં 10 ગ્રામ સોનાની કિંમત 17000 રૂપિયા વધી છે. જો ઐતિહાસિક ઉંચા ભાવને ધ્યાનમાં રાખીયે તો વર્ષ 2024માં સોનામાં 27 ટકા વળતર મળ્યું છે. જે સેન્સેક્સ અને નિફ્ટી કરતા ઘણું વધારે છે.
જો કે, સોનાના ભાવ ઐતિહાસિક ટોચથી ઘટ્યા છે. અમદાવાદમાં 25 ડિસેમ્બર, 2024ના રોજ સોનાનો ભાવ 78800 રૂપિયા હતો. આમ વર્ષ 2024માં અત્યાર સુધી સોનાની કિંમત 13500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ વધી છે. આમ ટકાવારીની રીતે વર્ષ 2024માં સોનામાં 21 ટકા રિટર્ન મળ્યું છે. બીજી બાજુ વર્ષ 2024માં ભારતીય શેરબજારના બેન્ચમાર્ક સેન્સેક્સ અને નિફ્ટી 50 ઈન્ડેક્સ 13 ટકા જેટલા વધ્યા છે.
Gold Price Outlook For 2025 : વર્ષ 2025માં સોનાના ભાવ શું રહેશે?
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનું માનવું છે કે, વર્ષ 2025 બુલિયન માટે એક લિમિટેડ રેન્જ વાળું રહી શકે છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે પોતાના આઉટલૂક 2025 રિપોર્ટમાં કહ્યું છે કે, જો અર્થવ્યવસ્થા 2025માં અનુમાન મુજબ દેખાવ કરે છે તો સોનું વર્ષના અંતિમ સમયમાં દેખાયેલી રેન્જ લિમિટમાં રહી શકે છે. તેમા કંઇક અંશે ઉછાળાની પણ સંભાવના છે. કુલ મળીને યુએસ ફેડનું વધારે નરમ વલણ સોના માટે ફાયદાકારક રહેશે, પરંતુ લાંબા સમયા સુધી વિરામ કે નીતિમાં ફેરબદલથી રોકાણ માંગ પર વધુ દબાણ પડવાની સંભાવના છે.