Share Market Retrun In Year Ender 2024: વર્ષ 2024 શેરબજાર માટે બહુ ખાસ અને ઉતાર-ચઢાવથી ભરેલું રહ્યું છે. ભારતીય શેરબજારોએ વર્ષ દરમિયાન સતત ઐતિહાસિક ટોચ બનાવી અને ત્યારબાદ મોટો ઘટાડો પણ જોવા મળ્યો છે. તેમ છતાં વર્ષ દરમિયાન રોકાણકારો એકંદરે તગડું રિટર્ન મળ્યું છે.
Sensex Nifty All Time High : સેન્સેક્સ નિફ્ટી રેકોર્ડ હાઇ લેવલ
મોતીલાલ ઓસ્વાલ વેલ્થ મેનેજમેન્ટે એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે, વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં કંપનીઓના મજબૂત નાણાકીય પરિણામો, સ્થાનિક ભંડોળના પ્રવાહમાં ઉછાળો અને મજબૂત મેક્રો આઉટલૂકને કારણે નિફ્ટી સપ્ટેમ્બર 2024માં 2627735 ઓલટાઇમ હાઇ લેવલે પહોંચ્યા હતા. જો કે ત્યારબાદ માર્કેટ રેકોર્ડ હાઇ લેવલ પરથી નોંધપાત્ર નીચે આવી ગયું છે. કોવિડ 19 મહામારી બાદ 2020માં આ ત્રીજો મોટો ઘટાડો હતો. તેનું મુખ્ય કારણ સ્થાનિક અને વૈશ્વિક પરિબળોને કારણે વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) દ્વારા જંગી વેચવાલી છે.
આ વર્ષે 27 ડિસેમ્બર સુધી, 30 શેરનો બીએસઇ સેન્સેક્સ બેન્ચમાર્ક 6458.81 પોઈન્ટ કે 8.94 ટકા વધ્યો છે. તો નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 50 ઈન્ડેક્સ 2082 પોઈન્ટ કે 9.58 ટકા વધ્યો છે. આ વર્ષ અનેક ઘટનાઓથી ભરેલું હતું. ભારતમાં લોકસભા ચૂંટણી ઉપરાંત અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી વર્ષ દરમિયાન મુખ્ય ઘટનાઓ હતી. તેમજ બે મુખ્ય ભૌગોલિક રાજકીય ઘટનાક્રમ – ઈઝરાયેલ-ઈરાન સંઘર્ષ અને રશિયા-યુક્રેન યુદ્ધની પણ શેરબજારો પર અસર પડી હતી.
વર્ષ 2024માં બુલ અને બિયર વચ્ચે સંઘર્ષ જોવા મળ્યો હતો. વૈશ્વિક મેક્રોઇકોનોમિક ડેટા અને જિયોપોલિટિકલ ટેન્શને બજારને ખૂબ પ્રભાવિત કર્યું, જેના કારણે બજારમાં સતત વધઘટ જોવા મળી. જો કે, સમગ્ર દુનિયામાં અનિશ્ચિતતાઓ હોવા છતાં, ભારતીય બજારોએ મોટાભાગે દબાણ હેઠળ સારું પ્રદર્શન કર્યું છે અને રોકાણકારોને વધુ સારું વળતર આપ્યું છે.
શેરબજારની વેલ્યૂએશન વધી
મહેતા ઇક્વિટીઝના રિસર્ચના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ પ્રશાંત તાપસેએ જણાવ્યું હતું કે, 2024 દરમિયાન શેરબજારની વેલ્યૂએશનમાં જબરદસ્ત વધારો જોવા મળ્યો છે, જેણે ભારતીય બજારોને વિશ્વમાં સૌથી મોંઘું માર્કેટ બનાવ્યું છે. બજારમાં વધુ પડતી તરલતાએ મૂલ્યાંકનને ઊંચા સ્તરે ધકેલી દીધું જે આખરે કરેકશન તરફ દોરી ગયું. આ વર્ષે 27 સપ્ટેમ્બરના રોજ BSE સેન્સેક્સ 85978 રેકોર્ડ લેવલ પર પહોંચ્યો હતો. તો નિફ્ટી 26277 ઓલ ટાઈમ હાઈ થયો હતો.
શેરબજાર સતત નવમાં વર્ષે પોઝિટિવ રિટર્ન
2024 સતત નવમું વર્ષ રહ્યું છે જેમાં રોકાણકારોને શેરબજારમાં પોઝિટિવ રિટર્ન મળ્યું છે. આ સમયગાળા દરમિયા સ્મોલ અને મીડ સાઇઝ કંપનીઓના શેરોએ મોટી કંપનીઓ કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું હતું. આ જ કારણ છે કે મિડકેપ અને સ્મોલકેપ શેરોએ લાર્જ કેપ શેરો કરતાં રોકાણકારોને વધુ વળતર આપ્યું છે.
સ્વસ્તિક ઇન્વેસ્ટમાર્ટના રિસર્ચ હેડ સંતોષ મીનાએ જણાવ્યું હતું કે જો કે નિફ્ટી અને સેન્સેક્સનું પ્રદર્શન અન્ય દેશો ખાસ કરીને અમેરિકાના બજારો કરતાં નબળું રહ્યું છે. આ નબળા દેખાવનું કારણ વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) દ્વારા જંગી વેચવાલી છે.
સેન્સેક્સ નિફ્ટીમાં કડાકો
સપ્ટેમ્બરમાં શેરબજાર ઐતિહાસિક ટોચે પહોંચ્યા બાદ નોંધપાત્ર ઘટ્યા છે. રેકોર્ડ હાઇ લેવલથી સેન્સેક્સ 8.5 ટકા અને નિફ્ટી 9.4 ટા ઘટ્યો છે. માત્ર ઓક્ટોબરમાં જ સેન્સેક્સ 4910 પોઈન્ટ કે 5.82 ટકા અને નિફ્ટી 1605 પોઈન્ટ કે 6.22 ટકા ઘટ્યા હતા. ડિસેમ્બરમાં અત્યાર સુધીમાં સેન્સેક્સ 1103 પોઈન્ટ કે 1.38 ટકા ઘટ્યો છે. ઓક્ટોબરમાં FIIએ ભારતીય બજારોમાંથી 94,017 કરોડ રૂપિયા પાછા ખેંચ્યા હતા. ગયા વર્ષે એટલે કે 2023માં સેન્સેક્સ 11399 પોઈન્ટ કે 18.73 ટકા વધ્યો હતો. તો નિફ્ટીમાં 3626.1 પોઈન્ટ કે 20 ટકા વધ્યો હતો.