Indian student visas : છેલ્લા કેટલાક સમયમાં ભારતીયો માટે વિદેશમાં અભ્યાસ કરવો ખૂબ જ મુશ્કેલ બની ગયો છે અને તેનું કારણ તે દેશોની વિઝા નીતિ છે. અમેરિકા તેનું તાજુ ઉદાહરણ છે, જેણે ભારતીય પ્રવાસી વિદ્યાર્થીઓ અને એચ-1બી વિઝાધારકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરી હતી. અમેરિકાથી ભારતીય વિદ્યાર્થીઓએ પરત ફરવું પડ્યું હતું. અમેરિકા સિવાય તેના પાડોશી દેશ કેનેડાએ પણ ભારતને ઝટકો આપ્યો છે. ઇમિગ્રેશન, રેફ્યુજીઝ એન્ડ સિટિઝનશિપ કેનેડા (IRCC) ના તાજેતરના ડેટા અનુસાર 2025 માં લગભગ 80% ભારતીય વિદ્યાર્થીઓની વિઝા અરજીઓ નકારી કાઢવામાં આવી છે, જે છેલ્લા દાયકામાં સૌથી વધુ છે.
ભારતીયોની મોટાભાગની અરજીઓ નામંજૂર
આંકડા દર્શાવે છે કે કેનેડાએ એશિયા અને આફ્રિકાના અન્ય દેશોની સ્ટુડન્ટ વીઝા અરજીઓને પણ નકારી કાઢી છે, પરંતુ સૌથી વધુ અરજીઓ ભારતીય વિદ્યાર્થીઓની નકારી કાઢવામાં આવી છે. ભારતીય વિદ્યાર્થીઓની વીઝા અરજીઓ નકારવાની અસર કેનેડાની કોલેજોમાં પણ જોવા મળી છે. કેનેડા સરકારના ડેટા અનુસાર કેનેડાએ 2024માં લગભગ 1.88 લાખ નવા ભારતીય વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યો હતો. 2 વર્ષ પહેલા સુધી આ સંખ્યા બમણી હતી.
જર્મની ભારતીયોની પસંદગી સ્થળ બન્યું
અમેરિકા અને કેનેડામાં સ્ટુડન્ટ વીઝા પર કડકાઈ બાદ ભારતીયોએ જર્મનીને ઉચ્ચ શિક્ષણ માટે પોતાની પ્રથમ પસંદગી બનાવી દીધી છે. 2024માં કેનેડામાં માત્ર 1.88 લાખ ભારતીય વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો, જ્યારે 31% ભારતીય વિદ્યાર્થીઓ જર્મનીમાં અભ્યાસ કરી રહ્યા છે. 2022માં કેનેડામાં અંદર ભારતીયોની સંખ્યા 18 ટકા હતી, જે 2024માં ઘટીને 9 ટકા થઈ ગઈ છે. કેનેડા ભારત સહિત વિશ્વભરના દેશોના વિદ્યાર્થીઓ માટે તેના દરવાજા બંધ કરી રહ્યું છે, કારણ કે ત્યાં મોટા પાયે આવાસનો અભાવ છે.
આ પણ વાંચો – અમેરિકાના વિઝા ઝડપી અપાતનો ‘શોર્ટકટ રસ્તો’ બંધ! ભારતીય વિદ્યાર્થીઓ-વર્કર્સને થશે મોટી અસર
જર્મનીમાં જાહેર ભંડોળ પૂરું પાડતી યુનિવર્સિટીઓ અને અંગ્રેજી ભાષાના કાર્યક્રમોનું વિસ્તરણ ભારતીય વિદ્યાર્થીઓ માટે વધુને વધુ આકર્ષક છે. જર્મનીની ફેડરલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસના જણાવ્યા અનુસાર નોંધણીના આંકડા આ વધારાને રેખાંકિત કરે છે. છેલ્લા પાંચ વર્ષમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા બમણીથી વધુ થઈ ગઈ છે, જે 2023માં 49,500થી વધીને 2025માં લગભગ 60,000 થઈ ગઈ છે.