કોમન એડમિશન ટેસ્ટ -2022 (CAT exam)ના રિઝલ્ટ જાહેર થયા છે. આ વખતે કેટની પરીક્ષામાં 11 ઉમેદવારોએ 100 પર્સેન્ટાઇલ મેળવ્યા છે અને યુવકોએ બાજી મારી છે. કેટની પરીક્ષામાં આ વખતે પણ ટોપર લિસ્ટમાં એક પણ વિદ્યાર્થીની સ્થાન મેળવી શકી નથી. સૌથી આશ્ચર્યનજક વાત એ છે કે સંપૂર્ણ 100 પર્સેન્ટાઇલ મેળવનાર 11 વિદ્યાર્થીમાંથી 10 નોન એન્જિનિયરિંગ વિદ્યાર્થી છે.
કેટની પરીક્ષા આપનાર ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ — iimcat.ac.in પર પોતાનું પરિણામ જોઈ શકે છે. નોંધનિય છે કે, IIM બેંગ્લોરે આ અઠવાડિયે જાહેરાત કરી હતી કે ચાલુ વર્ષની એન્ટ્રેસ એક્ઝામ એસેસમેન્ટ માટે બે અલગ-અલગ શિફ્ટમાંથી બે પ્રશ્નોને ધ્યાનમાં લેવામાં આવશે નહીં.
ટોપર લિસ્ટમાં ગુજરાતનો એક વિદ્યાર્થી
વર્ષ 2022ની કેટ એક્ઝામના રિઝલ્ટ જાહેર થયા. આ વખતે કેટની એક્ઝામમાં 11 વિદ્યાર્થીને 100 પર્સેન્ટાઇલ મળ્યા છે. જેમાં દિલ્હી, મહારાષ્ટ્ર, તેલંગામાના બે-બે વિદ્યાર્થી તેમજ ગુજરાત, હરિયાણા, કેરળ, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશના 1-1 વિદ્યાર્થી છે. વર્ષ 2021માં 9 અને વર્ષ 2020માં 9 વિદ્યાર્થીને 100 પર્સેન્ટાઇલ મળ્યા હતા.
22 વિદ્યાર્થીને 99.99 પર્સેન્ટાઇલ મળ્યા છે. જેમાં 16 એન્જિનિયરિંગ, 6 નોન- એન્જિનિયરિંગ છે. આ 22 વિદ્યાર્થીમાં માત્ર એક જ યુવતી છે અને તે એન્જિનિયર છે.
2.22 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી
આ વખતે કેટ-2022 એક્ઝામાં 27 નવેમ્બરના રોજ યોજવામાં આવી હતી. આ વખતે રજિસ્ટર્ડ થયેલા 2.55 લાખ ઉમેદવારોમાંથી લગભગ 2.22 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. આમ એકંદરે 87 ટકા વિદ્યાર્થીઓએ કેટની પરીક્ષા આપી હતી. પરીક્ષા આપનાર 2.22 લાખ ઉમેદવારોમાંથી 35% મહિલાઓ, 65% પુરુષો અને 4 ઉમેદવારો ટ્રાન્સજેન્ડર હતા.
વર્ષ 2022માં કેટની પરીક્ષા 27 નવેમ્બરના રોજ કમ્પ્યુટર પર લેવામાં આવી હતી. કેટની પરીક્ષાનું આયોજન ત્રણ સ્લોટમાં કરવામાં આવ્યુ હતુ. કેટની પરીક્ષાનો સમયગાળો પ્રથમ સ્લોટમાં સવારે 8:30 થી 10:30 સુધી, બીજો સ્લોટ બપોરે 12:30 થી 2:30 વાગ્યા સુધી અને ત્રીજ સ્લોટમાં સાંજના 4.30 વાગ્યાથી 6:30 વાગ્યા સુધી રાખવામાં આવ્યો હતો. નિષ્ણાતોના મતે સ્લોટ-1 અને સ્લોટ-2ની સરખામણીએ ત્રીજા સ્લોટનું પ્રશ્નપત્ર થોડુંક અધરું હતુ. ક્વોન્ટિટેટિવ એબિલિટી સેક્શનના પ્રશ્નો અગાઉના વર્ષ 2021 અને 2020ની તુલનાએ મુશ્કેલ હતા. જ્યારે VARCના પ્રશ્નો એકંદરે સરળ હતા. ઉપરાંત, VARC અને DILR સિવાય આ વર્ષે કેટની પરીક્ષાની પેટર્નમાં કોઈ મોટા ફેરફારો કરવામાં આવ્યા નથી.
CATની પરીક્ષામાં વિદ્યાર્થીઓને ઉમેદવારોને ટકાવારીમાં નહીં પણ પર્સેન્ટાઇલમાં માર્કસ આપવામાં આવે છે. કુલ મેળવેલા પર્સેન્ટાઇલ એ ત્રણ સેક્શનમાં વિદ્યાર્થીએ મેળવેલા સ્કોરનો સરવાળો છે.
શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોની યાદી વેબસાઇટ પર મુકાશે
કેટની પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓમાંથી શોર્ટલિસ્ટ કરાયેલા ઉમેદવારોની યાદી સંબંધિત IIMની વેબસાઇટ પર મૂકવામાં આવશે. ત્યારબાદ શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે અને તે સમયે તેમણે તેમની તમામ ઓરિજનલ માર્કશીટ / દસ્તાવેજો રજૂ કરવા પડશે અને પ્રમાણિત ઝેરોક્ષ કોપી સબમિટ કરવી પડશે.