Class 10 And 12 Board Exam Students Fail: શિક્ષણ મંત્રાલય દ્વારા એક ચોંકાવનાર આંકડા જાહેર કર્યા છે. દેશભરમાં વર્ષ 2023માં ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષામાં લગભગ 65 લાખ વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા. શિક્ષણ મંત્રાલય (MoE)ના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ગયા વર્ષે દેશભરમાં 65 લાખથી વધુ વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાઓ પાસ કરવામાં નિષ્ફળ ગયા હતા. આ નાપાસ દર કેન્દ્રીય બોર્ડ કરતા રાજ્ય બોર્ડ પરીક્ષામાં વધારે હતો.
56 રાજ્ય બોર્ડ અને ત્રણ રાષ્ટ્રીય બોર્ડ સહિત 59 શાળા બોર્ડના ધોરણ 10 અને 12ના પરિણામના વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે ધોરણ 12ની પરીક્ષા આપનાર સૌથી વધુ વિદ્યાર્થીઓ સરકારી શાળાની હતી, જ્યારે ખાનગી શાળા અને સરકારી અનુદાનિત શાળાઓમાં આ આંકડો વિપરિત હતો.
કેન્દ્રિય શિક્ષણ મંત્રાલયના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે, ધોરણ 10ના લગભગ 33.5 લાખ વિદ્યાર્થીઓ આગામી વર્ગમાં પ્રવેશ મેળવી શક્યા નથી, જ્યારે 5.5 લાખ ઉમેદવારો હાજર રહ્યા નથી અને 28 લાખ નાપાસ થયા છે. એ જ રીતે ધોરણ 12ના લગભગ 32.4 લાખ વિદ્યાર્થીઓએ ગ્રેડ પૂરો કર્યો ન હતો, જ્યારે 5.2 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી ન હતી અને 27.2 લાખ નાપાસ થયા હતા.

શિક્ષણ મંત્રાલયના આંકડા ચોંકાવનારા
ધોરણ-10માં સેન્ટ્રલ બોર્ડમાં વિદ્યાર્થીઓનો નાપાસ થવાનો દર 6 ટકા હતો, જ્યારે રાજ્ય બોર્ડમાં તે 16 ટકા કરતાં ઘણો વધારે હતો. ધોરણ 12માં સેન્ટ્રલ બોર્ડમાં નાપાસ થવાનો દર ૧૨ ટકા છે જ્યારે રાજ્ય બોર્ડમાં 18 ટકા છે. શિક્ષણ મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું હતું કે બંને વર્ગોમાં ઓપન સ્કુલનું પ્રદર્શન નબળું હતું. ધોરણ 10માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી વધુ મધ્યપ્રદેશ બોર્ડમાં હતી, ત્યારબાદ બિહાર અને યુપીનો નંબર આવે છે. ધોરણ 12માં સૌથી વધુ નાપાસ થયેલા વિદ્યાર્થીઓ ઉત્તર પ્રદેશ અને ત્યાર બાદ મધ્યપ્રદેશમાં નોંધાયા છે.
આ પણ વાંચો | GPSC ભરતી : લેક્ચરર બની ₹ 2 લાખ સુધીનો પગાર મેળવવાની જોરદાર તક, અહીં વાંચો A to Z માહિતી
અધિકારીએ જણાવ્યું કે, 2023 માં વિદ્યાર્થીઓનું એકંદર પ્રદર્શન ગયા વર્ષની તુલનામાં ઘટ્યું છે. આમ થવાનું કારણ પરીક્ષા માટેના લાંબા અભ્યાસક્રમ હોઈ શકે છે . અધિકારીએ એમ પણ કહ્યું હતું કે, સરકારી શાળાઓમાંથી છોકરાઓ કરતા વધુ છોકરીઓએ વર્ગ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા આપી હતી. જ્યારે માતાપિતા શિક્ષણ પર ખર્ચ કરે છે ત્યારે આ લિંગ પૂર્વગ્રહને પ્રતિબિંબિત કરી શકે છે. જો કે સરકારી સહાયિત અને ખાનગી શાળાઓમાં કન્યા વિદ્યાર્થીઓનો દબદબો જોવા મળ્યો છે.





