Recruitment Fact Check : અત્યારે સોશિયલ મીડિયા ઉપર મહેસાણા દૂધસાગર ડેરી ભરતીના સમાચાર વાયરલ થઈ રહ્યા છે ત્યારે આ સમાચારમાં દૂધસાગર ડેરી દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતીની જાહેરાત અંગે જણાવવામાં આવ્યું છે. જોકે, આ વાયરલ સમાચાર અંગે ઇન્ડિયન એક્સપ્રેસ દ્વારા ક્રોસ ચેક કરવામાં આવ્યું હતું. જેમાં જાણવા મળ્યું હતું કે આ સમાચાર ખોટા છે. મહેસાણા દૂધસાગર ડેરીના સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે દૂધસાગર ડેરી દ્વારા આવી કોઈ ભરતી બહાર પાડવામાં આવી નથી.
શું છે ભરતીના વાયરલ સમાચાર
વાયરલ સમાચાર અંગે મળતી માહિતી પ્રમાણે નોકરી અંગે જાણકારી આપતી વેબસાઈટ GujaratAsmita અને MaruGujaratમાં દૂધસાગર ડેરી ભરતી અંગે સમાચાર આપવામાં આવ્યા હતા. ઉપરોક્ત બંને વેબસાઈટમાં પ્રકાશિત સમાચાર પ્રમાણે દૂધસાગર ડેરી દ્વારા પ્લાન્ટ ઓપરેટર અને કેમિસ્ટ/ માઇક્રોબાયોલોજીસ્ટની પોસ્ટ માટેની જાહેરાત છે.
ભરતી અંગેના સમાચારોમાં ઉપરોક્ત વેબસાઈટોમાં એક પીડીએફ પણ આપવામાં આવી છે જેમાં ભરતી અંગેની જાહેરાત અંગે ફોટો પણ દર્શાવવામાં આવ્યો છે. ભરતી અંગેની માહિતી આપવામાં આવી છે. ફોટોમાં માહિતીના અંતમાં દૂધસાગર ડેરીનું સરનામું પણ આપવામાં આવ્યું છે. જોકે, આ સમાચાર અંગે ખરાઈ કરતાં દૂધસાગર ડેરી દ્વારા આવી કોઈ હાલમાં ભરતી બહાર પાડવામાં આવી નથી.
દૂધસાગર ડેરી દ્વારા આવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. અને આવી કોઈ જાહેરાતથી ભ્રમિત ન થવા જણાવાયું છે. ઉલ્લેખનીય છે કે દૂધસાગર ડેરી દ્વારા આ ભરતી અગાઉ કરી દીધી છે. જોકે, અત્યારે આ ભરતીના સમાચાર વાયરલ થઈ રહ્યા છે.