RTE ને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આવક મર્યાદા વધારીને 6 લાખ રૂપિયા કરવામાં આવી

Right To Education : અગાઉ RTE પ્રવેશ માટે આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તારમાં 1.20 લાખ રૂપિયા અને શહેરી વિસ્તારમાં 1.50 લાખ રૂપિયા સુધી મર્યાદિત હતી. 15 એપ્રિલ 2025 સુધી અરજી કરી શકાશે

Written by Ashish Goyal
March 15, 2025 23:23 IST
RTE ને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આવક મર્યાદા વધારીને 6 લાખ રૂપિયા કરવામાં આવી
ગુજરાતમાં RTEમાં પ્રવેશ માટેની આવક મર્યાદા વધારવામાં આવી છે. હવે વાર્ષિક 6 લાખ રૂપિયા સુધીની આવક માન્ય રહેશે (Representative/ Express file photo by Pavan Khengre)

Right To Education : રાઇટ ટુ એજ્યુકેશન (RTE) કાયદા હેઠળ શાળાઓમાં પ્રવેશ લેવા માંગતા વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે. RTEમાં પ્રવેશ માટેની આવક મર્યાદા વધારવામાં આવી છે. હવે વાર્ષિક 6 લાખ રૂપિયા સુધીની આવક માન્ય રહેશે. શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં 6 લાખ રૂપિયા સુધીની આવક મર્યાદા નક્કી કરવામાં આવી છે. RTE પ્રવેશ માટે અરજીઓ 15 એપ્રિલ સુધી સબમિટ કરી શકાશે.

રાજ્ય સરકાર દ્વારા શિક્ષણના અધિકાર અધિનિયમ (RTE ACT-2009) હેઠળ બિનઅનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25 % બેઠકોમાં ધોરણ-1 માં નબળા અને વંચિત જૂથના બાળકોને વિનામૂલ્યે પ્રવેશ આપવાની યોજના અમલમાં છે. જેમાં નબળા અને વંચિત જૂથના બાળકો માટે બિનઅનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ધો.1 માં વિનામૂલ્યે પ્રવેશ આપવા માટેની પ્રક્રિયા 16 મી માર્ચ સુધી શરૂ છે.

RTE માટે આવક મર્યાદા વધારીને 6 લાખ રુપિયા કરવાનો નિર્ણય કર્યો

અગાઉ RTE પ્રવેશ માટે આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તારમાં 1.20 લાખ રૂપિયા અને શહેરી વિસ્તારમાં 1.50 લાખ રૂપિયા સુધી મર્યાદિત હતી. પરંતુ હવે શિક્ષણ વિભાગે ગ્રામ્ય અને શહેરી વિસ્તારના વાલીઓ માટે આવક મર્યાદા વધારીને 6 લાખ રુપિયા કરવાનો નિર્ણય કર્યો છે. ગ્રામ્ય અને શહેરી વિસ્તારના વાલીઓ માટે આવક મર્યાદા વધારીને રૂ.૬ લાખ કરવાનો નિર્ણય કર્યો છે. RTE પ્રવેશ પ્રક્રિયા 2025-26 માટે આવક સ્લેબમાં સુધારો થતા નબળા અને વંચિત જૂથના બાળકો અને વાલીઓને મોટી રાહત થઈ છે.

અગાઉ કેટેગરી ક્રમાંક: (8-જે માતા-પિતાને એકમાત્ર સંતાન હોય અને તે સંતાન માત્ર દીકરી જ હોય તેવી દિકરી, 9-રાજ્ય સરકાર હસ્તકની સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતાં બાળકો,1 1-SC-ST કેટેગરીના બાળકો, 12-SEBC કેટેગરી, 13- જનરલ કેટેગરી)નાં બાળકો માટે ઓનલાઈન અરજી કરવા માટે ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક રૂ. 1.20 લાખ અને શહેરી વિસ્તારમાં રૂ. 1.50 લાખ આવક મર્યાદા હતી. જે શિક્ષણ વિભાગના 13/03/2025ના પત્રથી મળેલ મંજુરી અન્વયે હવેથી ગ્રામ્ય તથા શહેરી વિસ્તાર બન્ને માટે વાર્ષિક 6 લાખ રૂપિયા કરવામાં આવેલ છે.

હવે વધુમાં વધુ પાત્ર વિદ્યાર્થીઓને ધો.1માં પ્રવેશનો લાભ મળે તે માટે આ તમામ કેટેગરીના વાલીઓ માટે ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારમાં વાર્ષિક રૂ.6 લાખ કે તેથી ઓછી આવક ધરાવતા અરજદારોને અરજી કરવા માટે પાત્ર ગણવામાં આવશે.

15 એપ્રિલ 2025 સુધી અરજી કરી શકાશે

ઉલ્લેખનીય છે કે, જે બાળકોએ 1 જૂન-2025નાં રોજ છ વર્ષ પૂર્ણ કરેલ હોય તેવા તેવા પાત્ર બાળકો માટે RTE પોર્ટલ https://rte.orpgujarat.com પર તા. 15/04/2025 (મંગળવાર) સુધી ઓનલાઈન અરજી કરવાની તક છે. વધુમાં, અન્ય કેટેગરીના તથા અગાઉ અરજી ન કરી શકનાર અરજદારો તેમજ ચાલુ વર્ષે જે અરજદારોની અરજીઓ અગાઉ નિર્દિષ્ઠ કરેલ આવક કરતા વધુ આવક (પરંતુ રૂ.6 લાખ કરતા ઓછી) હોવાના કારણે જિલ્લા કક્ષાએ અમાન્ય (REJECT) થયેલ હોય તેઓ પણ પુનઃ ઓનલાઈન અરજી કરી શકશે. આ અવધિ દરમિયાન અરજી કરી શકશે.

જિલ્લા કક્ષાએ તમામ અરજદારોની આવક મર્યાદા તથા અન્ય આવશ્યક દસ્તાવેજોની ચકાસણી પૂર્ણ કરી અરજી મંજૂર કે નામંજૂર કરવાની પ્રક્રિયા તા. 16 મી એપ્રિલ (બુધવાર) સુધીમાં પૂર્ણ કરવાની રહેશે એમ રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા અને પ્રાથમિક શિક્ષણ નિયામક-ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ