ગુજરાતમાં કહેવત છે કે, ‘અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી’, જો વ્યક્તિ મક્કમ મન સાથે તેનું ધ્યેય નક્કી કરી લે તો શારીરિક અસમર્થતા પણ તેને હરાવી શકતી નથી. આનું જ્વલંત ઉદાહરણ છે ગુરદીપ કૌર વાસુ. જે સામાન્ય વ્યક્તિઓની તુલનાએ શારીરિક રીત અત્યંત અસમર્થ હોવા છતાં તેઓ ધોરણ 10 બોર્ડની પરીક્ષા આપશે અને તે પણ 32 વર્ષની વયે. ચાલો જાણીયે આ મહિલાના જુસ્સાની કહાણી…
બોલવા-સાંભળવામાં અને જોવામાં અસમર્થ છે ગુરદીપ કૌર
મધ્યપ્રદેશમાં 1 માર્ચથી શરૂ થઈ રહેલી ધોરણ 10 બોર્ડની પરીક્ષામાં બેસવા જઈ રહેલા હજારો વિદ્યાર્થીઓમાં ગુરદીપ કૌર વાસુ સૌથી ખાસ છે. અભ્યાસ પ્રત્યે મહત્વકાંક્ષા ધરાવતી આ 32 વર્ષની મહિલા બોલી, સાંભળી અને આંખેથી જોઈ શકતી નથી, પરંતુ તેમની આંખોમાં એક સામાન્ય વિદ્યાર્થીની જેમ ભણી-ગણીને એક સારી નોકરી મેળવવાનું સપનું છે.
જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) મંગલેશ કુમાર વ્યાસે સોમવારે સમાચાર એજન્સીને જણાવ્યું હતું કે, અલગ-અલગ રીતે દિવ્યાંગતા ધરાવતા 32 વર્ષીય ગુરદીપ કૌર વાસુ એ ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં બેસવા માટે સ્વાધ્યાયી પરીક્ષાર્થી તરીકે અરજી કરી છે.
તેમણે કહ્યું, “મારી જાણકારી મુજબ, રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડના ઈતિહાસમાં આ પહેલો કિસ્સો છે, જ્યારે વાણી, શ્રવણ અને દૃષ્ટિ – એમ ત્રણેય રીતે દિવ્યાંગ હોય તેવો વિદ્યાર્થી બોર્ડની પરીક્ષા આપશે. ગુરદીપ તેજસ્વી વિદ્યાર્નીથી છે અને તેણે 10મીની પરીક્ષા માટે ઘણી તૈયારી કરી છે. અમે ઈચ્છીએ છીએ કે તેઓ અભ્યાસ દરમિયાન જે કંઈ પણ શીખ્યા છે, તે પરીક્ષા દરમિયાન તેમની જવાબવહીમાં લખે.
મંગલેશ કુમારે જણાવ્યું હતું કે ગુરદીપની વિશેષ સ્થિતિને ધ્યાનમાં રાખીને, તેને માધ્યમિક શિક્ષણ બોર્ડના નિયમો અનુસાર પરીક્ષા દરમિયાન એક સહાયક લેખક પુરો પાડવામાં આવશે, જે સાંકેતિક ભાષાના જાણકાર હશે.
શહેરમાં દિવ્યાંગો માટે કામ કરતી બિન-સરકારી સંસ્થા (NGO) આનંદ સેવા સોસાયટીએ ખાસ તાલીમ આપીને ગુરદીપને ધોરણ 10ની પરીક્ષા માટે તૈયારી કરાવી છે. સંસ્થાના ડિરેક્ટર અને સાંકેતિક ભાષાના નિષ્ણાંત મોનિકા પુરોહિતે જણાવ્યું હતું કે, “ગુરદીપ અન્ય વ્યક્તિ સાથે સાંકેતિક ભાષામાં તેના હાથ અને આંગળીઓ દબાવીને વાતચીત કરે છે. ગુરદીપ સુધી અમારો સંદેશો પહોંચાડવા માટે અમારે પણ આ ભાષા પ્રમાણે તેના હાથ અને આંગળીઓ દબાવવાની હોય છે.
અભ્યાસ પૂરો કર્યા બાદ ગુરદીપ ઓફિસમાં કોમ્પ્યુટર વર્ક સંબંધિત નોકરી મેળવવા માંગે છે. ગુરદીપે તેની 10મી પરીક્ષા માટે સામાજિક વિજ્ઞાન, અંગ્રેજી, ચિત્રકામ અને વિજ્ઞાનના વિષયો પસંદ કર્યા છે. ગુરદીપની નાની બહેન 26 વર્ષીય હરપ્રીત કૌર વાસુ તેને પરીક્ષાની તૈયારી કરવામાં મદદ કરી રહી છે.
હરપ્રીતે જણાવ્યું કે, “ગુરદીપ હંમેશા જીદ કરે છે કે તેણે ક્લાસમાં જે શિખ્યુ છે, તેનું ઘરે મારી સાથે બેસીને બ્રેઈલ લિપિની મદદ પુનરાવર્તન કરે. તેના ભણવા પ્રત્યેના જુસ્સાને જોઈને હું તેના અભ્યાસ પછી મારો અભ્યાસ કરું છું.