ભારતમાં બેરોજગારી દર ચાર મહિનાની ટોચે, એપ્રિલમાં વધીને 8.11 ટકા થયો
ભારતમાં બેકારીની સમસ્યા દિવસેને દિવસ ગંભીર બની રહી છે. મંદી અને રોજગારીનું સર્જન ઘટવાથી દેશમાં બેરોજગારીનો દર ચાર મહિનાની ઊંચી સપાટીએ પહોંચી ગયો છે. એશિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થામાં નવી નોકરીઓનું ઓછું સર્જન થઇ રહ્યું છે અને બીજી સામે રોજગારીની માંગ સતત વધી રહી છે. ભારતની વધતી જતી વસ્તી માટે પૂરતી નોકરીઓનું સર્જન એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર માટે મુખ્ય પડકાર રહેશે, ખાસ કરીને એવા સમયે જ્યારે વર્ષ 2024માં લોકસભાની ચૂંટણી યોજવાની છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયા ઈકોનોમીના આંકડા અનુસાર ભારતમાં બેરોજગારીમાં 0.31 ટકાનો વધારો થયો છે.
એપ્રિલમાં બેરોજગારીનો દર 7.8% થી વધીને 8.11% થયો
સમગ્ર ભારતમાં બેરોજગારીનો દર માર્ચમાં 7.8 ટકા હતો જે એપ્રિલ મહિનામાં વધીને 8.11 ટકા થયો હતો, જે ડિસેમ્બર 2022 પછીનો સૌથી ઉંચો દર છે. રિસર્ચ ફર્મ સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયા ઈકોનોમીના ડેટા અનુસાર, શહેરી બેરોજગારી સમાન સમયગાળા દરમિયાન 8.51 ટકાથી વધીને 9.81 ટકા થઈ છે. તો આ દરમિયાન ગ્રામીણ વિસ્તારોમાં બેકારીનો દર માર્ચના 7.47 ટકાથી નજીવી રીતે ઘટીને એપ્રિલમાં 7.34 ટકા થયો છે.
ગામડાઓ કરતાં શહેરોમાં રોજગારીની સ્થિતિ ખરાબ
CMIEના વડા મહેશ વ્યાસ કહે છે, “ભારતનું શ્રમબળ એટલે કે કામકાજ કરનાર લોકોની સંખ્યા એપ્રિલમાં 2.55 કરોડ વધીને 46.76 કરોડ થઇ છે. આ સિવાય એપ્રિલમાં શ્રમિક ભાગીદારી દર 41.98 ટકા પર પહોંચી ગયો છે, જે ત્રણ વર્ષમાં સૌથી વધુ છે.
CMIEના આંકડા દર્શાવે છે કે શહેરી વિસ્તારો કરતાં ગ્રામીણ વિસ્તારોમાં વધુ નોકરીઓનું સર્જન થયું છે. ગ્રામીણ શ્રમ બળમાં જોડાનારાઓમાંથી લગભગ 94.6 ટકા લોકોને રોજગારી મળી છે, જ્યારે શહેરી વિસ્તારોમાં રોજગાર શોધનારાઓમાંથી માત્ર 54.8 ટકાને જ નવી નોકરી મળી છે.
CMIEના તારણો એ હકીકતને સમર્થન આપે છે કે સરકારના રોજગાર ગેરંટી કાર્યક્રમની માંગ ગ્રામીણ વિસ્તારોમાં ઘટી રહી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ જણાવ્યું હતું કે શિયાળુ પાકની સારી વાવણી અને અનૌપચારિક ક્ષેત્રની રોજગારીમાં સુધારાને કારણે જાન્યુઆરીથી મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી કાયદા હેઠળ કામની માંગણી ઘટી રહી છે.