ભારતનું રક્ષા મંત્રાલય નોકરી આપવાના મામલામાં પ્રથમ નંબર પર છે. રક્ષા મંત્રાલય અંતર્ગત આવનાર વિભિન્ન ફોર્સમાં 29 લાખ 20 હજાર લોકો કામ કરી રહ્યા છે. જ્યારે 29 લાખ 10 હજાર કર્મચારીઓ સાથે અમેરિકી રક્ષા મંત્રાલય બીજા નંબરે છે. સ્ટેરિસ્ટા રિપોર્ટમાં આ વાત સામે આવી છે. સ્ટેટિસ્ટા ઇન્ફોગ્રાફિકે 2022માં સૌથી વધારે નોકરી આપનાર એપ્લોયરનું એક લિસ્ટ જાહેર કર્યું છે. જેમાં ભારતના રક્ષા મંત્રાલયનું સ્થાન સૌથી ઉપર છે. સ્ટેટિસ્ટા જર્મની સ્થિત એક ખાનગી સંગઠન છે જે દુનિયાભરમાં વિભિન્ન મુદ્દા વિશે ડેટા અને આંકડા આપે છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે દુનિયામાં સૌથી મોટા એમ્પ્લોયરની રેન્કિંગમાં ભારતનું રક્ષા મંત્રાલય શીર્ષ પર છે. એક્ટિવ સર્વિસ પર્સનલ, રિઝર્વ અને સિવિલિયન સ્ટાફના કુલ કર્મચારીઓની સંખ્યા 29 લાખ 20 હજાર છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે ભારતીય રક્ષા મંત્રાલય અને અમેરિકી રક્ષા મંત્રાલયમાં આ મામલે ઘણું નજીવું અંતર છે.
ચીનની પીપુલ્સ લિબરેશન આર્મી (PLA)ત્રીજા સ્થાને છે. જેમાં કહેવામાં આવ્યું છે કે યૂએસ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સની સમકક્ષ ચીનના સેન્ટ્રલ મિલિટ્રી કમિશન પાસે 68 લાખ લોકો એમ્પ્લોયમેન્ટ હોઇ શકે છે. જોકે આ આંકડો ઘણો સંતોષજનક નથી જેથી લિસ્ટમાં સામેલ કરી શકાય નહીં.
આ પણ વાંચો – ધો.10-12 પાસ માટે ગુજરાતમાં પોસ્ટ ઓફિસમાં નોકરીની સુવર્ણ તક, રૂ.81,000 સુધીનો પગાર
સ્ટેટિસ્ટાના રિપોર્ટ પ્રમાણે ચીની સેનામાં 25 લાખ લોકોને નોકરી આપવામાં આવી છે. જોકે તેમાં સિવિલિયન પોઝિશન પર કામ કરનારની સંખ્યા સામેલ નથી. રિપોર્ટ પ્રમાણે દુનિયાની કોઇપણ કંપનીમાં વોલમાર્ટથી વધારે કર્મચારી નથી. રિપોર્ટ પ્રમાણે કંપનીઓની વાત કરવામાં આવે તો દુનિયામાં સૌથી વધારે 23 લાખ કર્મચારી વોલમાર્ટના છે. જ્યારે એમેઝોનના 16 લાખ કર્મચારી છે.
સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટીટ્યૂટના મતે સેના પર સૌથી વધારે ખર્ચ કરનાર દુનિયાના પાંચ દેશોમાં અમેરિકા, ચીન, ભારત, બ્રિટન અને રશિયા છે. આ પાંચ દેશ કુલ મળીને વૈશ્વિક સૈન્ય ખર્ચના 62 ટકાની બરાબર ખર્ચ કરે છે. અમેરિકાએ 2021માં સેના પર 801 અબજ ડોલરનો ખર્ચ કર્યો હતો. ચીને 293 અબજ ડોલર અને ત્રીજા સ્થાને રહેલા ભારતે 76.6 અબજ ડોલરનો ખર્ચ સેના પાછળ કર્યો હતો.