Today history 19 April : આજે 19 એપ્રિલ 2023 (19 April) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે મહાન મરાઠા રાજા છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ છે. આજના દિવસે ભારતે રશિયાના સહકારથી પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટનું પ્રક્ષેપણ કરીને અવકાશ યુગનો આરંભ કર્યો હતો. 360 કિગ્રા વજન ધરાવતા આર્યભટ્ટ ઉપગ્રહ રશિયાના સ્પેસ સેન્ટરથી સોવિયેટ રોકેટ ઇન્ટરકોસ્મોસની મદદથી 19 એપ્રિલ 1975ના રોજ લોન્ચ કરવામાં આવ્યો હતો. આજે વિશ્વ યકૃત દિવસ છે અને લીવર સંબંધિત બીમારીઓની રોકથામ અને જાગૃતિ માટે તેની ઉજવણી કરવામાં આવે છે. આજે વર્ષ 1882માં મહાન પ્રકૃતિવાદી વૈજ્ઞાનિક ચાર્લ્સ ડાર્વિનનું અવસાન થયુ હતું. જાણો ઇતિહાસની તવારીખમાં (19 April history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…
19 એપ્રિલની મહત્વપૂર્ણ ઘટનાઓ
- 1975- સોવિયત સંઘની મદદથી ભારતે તેનો પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટ અવકાશમાં મોકલ્યો.
ભારતે પ્રથમ ઉપગ્રહ ‘આર્યભટ્ટ’ અંતરિક્ષમાં મોકલ્યો
19 એપ્રિલ ભારતના અવકાશ ક્ષેત્રમાં પ્રગતિ માટે એક ઐતિહાસિક દિવસ છે આ દિવસે વર્ષ 1975માં ભારતે પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટ (Aryabhata satellite) અંતરિક્ષમાં મોકલીને અવકાશ યુગના દ્વાર ખોલ્યા હતા. ભારતનો આ પ્રથમ કૃત્રિમ ઉપગ્રહ આર્યભટ્ટ સોવિયેત રશિયા સાથેના સહકારથી ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા (ઇસરો) દ્વારા બેંગ્લોરમાં તૈયાર કરવામાં આવ્યો હતો અને તેનું વજન 360 કિગ્રા હતું. આ ઉપગ્રહનું નામ મહાન પ્રાચીન ખગોળશાસ્ત્રી આર્યભટ્ટની યાદમાં રાખવામાં આવ્યું હતું. આ ઉપગ્રહ રશિયાના સ્પેસ સેન્ટરથી સોવિયેટ રોકેટ ઇન્ટરકોસ્મોસની મદદથી 19 એપ્રિલ 1975ના રોજ 600 કિમીની લગભગ ભ્રમણકક્ષામાં પ્રક્ષેપિત કરાયો હતો. આર્યભટ્ટ ઉપગ્રહે લગભગ 96 મિનિટમાં પૃથ્વની એક પ્રદક્ષિણા પૂરી કરી હતી.
- 1977 – સેટેલાઇટ કોમ્યુનિકેશનની શરૂઆત થઇ.
- 1999 – BBC દ્વારા આંતરરાષ્ટ્રીય સમાચાર મેગેઝિન શરૂ કરવાની યોજના
- 2001 – BSFએ મેઘાલયના એક ગામમાંથી બાંગ્લાદેશી સેનાને ભગાડી દીધી.
- 2003 – ચીનની મહિલા વેઈટલિફ્ટર બેંગ મિંગ ચિયાને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો.
- 2005 – જર્મનીના કાર્ડિનલ જોસેફ રેન્સિંગર રોમન કેથોલિક ચર્ચના નવા પોપ તરીકે ચૂંટાયા.
- 2006 – પ્રથમ અવકાશયાત્રી નીલ આર્મસ્ટ્રોંગને તેમના દ્વારા લાવવામાં આવેલ ચંદ્રનો ટુકડો ભેટમાં આપવામાં આવ્યો.
- 2007 – ધ વિઝાર્ડ ઓફ આઈડી સિરિઝના કાર્ટૂનિસ્ટ બ્રાન્ડ પાર્કરનું અવસાન થયું.
- 2010 – ગ્લોબલ વોર્મિંગના સબૂત મળ્યા બાદ નેપાળના પર્વતારોહણની એક ટીમ એવરેસ્ટના 8 હજાર મીટરથી ઉપરના ડેથ ઝોનની સફાઇ કરી.
વિશ્વ યકૃત દિવસ
સમગ્ર દુનિયામાં 19 એપ્રિલના રોજ વિશ્વ યકૃત દિવસની ઉજવણી કરાય છે. લીવર સંબંધિત બીમારીઓ વિશે જાગૃતિ ફેલાવવા હેતુ દર વર્ષે 19 એપ્રિલે આ દિવસ ઉજવાય છે. મગજ પછી યકૃત એટલે લીવર એ માનવ શરીરનું સૌથી સૌથી જટિલ અને બીજું સૌથી મોટું અંગ છે. તે તમારા શરીરના પાચન તંત્રમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તમે જે ખાઓ છો અને પીઓ છો અથવા દવાઓ લો છો તે બધું યકૃતમાંથી પસાર થાય છે. મનુષ્ય લીવર – યકૃત વિના જીવીત રહી શકતા નથી. જો લીવરની યોગ્ય કાળજી ન રાખવામાં આવે તો શરીરને નુકસાન થઈ શકે છે. વ્યક્તિઓને આરોગ્યપ્રદ – તંદુરસ્ત જીવનશૈલી અપનાવવા, વધુ તેલ અને ચરબીયુક્ત ખોરાક ટાળવા અને લીવરના રોગો વિશે જાગૃત થવાની જરૂર છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (who) અનુસાર લીવરની બિમારીઓથી મૃત્યુ દેશમાં 10મું સૌથી સામાન્ય કારણ છે. હેપેટાઇટિસ B, C અને હેપેટો સેલ્યુલર કાર્સિનોમા જેવા રોગો ઘણીવાર ખરાબ જીવનશૈલી, દારૂ અને દવાઓનું વધુ પડતું સેવન, લાંબા સમય સુધી બિનઆરોગ્યપ્રદ ખોરાકનું સેવન, નિષ્ક્રિય જીવનશૈલી અને કસરતના અભાવને કારણે થાય છે.
પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ
- મહાત્મા હંસરાજ (1864) – પંજાબના પ્રખ્યાત આર્ય સામાજિક નેતા, સમાજ સુધારક અને શિક્ષણશાસ્ત્રી.
- અરશદ વારસી (1968) – હિન્દી ફિલ્મ કલાકાર.
- અંજુ બોબી જ્યોર્જ (1977) – ભારતની પ્રખ્યાત એથ્લેટિક્સ ખેલાડી.
- એચ.એસ. બ્રહ્મા (1950) – ભારતના ભૂતપૂર્વ 19મા મુખ્ય ચૂંટણી કમિશનર.
- સુરેખા સીકરી (1945) – ભારતીય અભિનેત્રી અને ટેલિવિઝન કલાકાર.
છત્રપતિ શિવાજી મહારાજ (1630) – મરાઠા સામ્રાજ્યના સ્થાપક અને એક મહાન રાજા હતા.
છત્રપતિ શિવાજી મહારાજ
છત્રપતિ શિવાજી મહારાજ ભારતમાં મરાઠા સામ્રાજ્યના સ્થાપક અને હિંદુ સ્વરાજના આહ્વાક તરીકે ઓળખવામાં આવે છે. તેમનો જન્મ 19 એપ્રિલ, 1630ના રોજ મહારાષ્ટ્રના પુના જિલ્લાની શિવનેરીના પહાડી કિલ્લામાં થયો હતો. તેમના પિતા શાહજી રાજે ભોંસલે મરાઠા સેનાપતિ હતા અને તેમના માતા જીજાબાઈ, સિંધખેડના લખુજી જાધવરાવની પુત્રી હતી, જે દેવગીરીના યાદવ રાજવી પરિવારમાંથી વંશજ હોવાનો દાવો કરનાર સરદાર હતા. તેમના પત્નીનું નામ સોયરા બાઇ, પુતલા બાઇ અને સકવર બાઇ હતું. તેમણે મુસ્લિમ શાસક ઘણા યુદ્ધો લડીને હિંદુ સ્વરાજ સ્થાપવા અથાક પ્રયાસ કર્યા હતા. તેમણે પર્વતીય પ્રદેશમાંગેરિલા યુદ્ધ પદ્ધતિથી ખૂબ ચતુરાઇપૂર્વક મુઘલ પાસેથી મરાઠા પ્રદેશ જીતી લીધા હતા. 6 જૂન, 1674ના રોજ શિવાજીનો રાયગઢ કિલ્લામાં રાજ્યાભિષેક કરાયો હતો. શિવાજીએ ગુજરાતના સુરત ખાતે 5 જાન્યુઆરી, 1664ના રોજ ઇનાયત ખાન વિરુદ્ધ યુદ્ધ લડ્યુ હતુ, જેમાં શિવાજીની જીત થઇ હતી અને સુરત શહેરમાં લુંટ ચલાવી હતી. છત્રપતિ શિવાજી એ તેમના જીવનકાળ દરમિયાન મુઘલ સામ્રાજ્ય, ગોલકોંડાની સલ્તનત, બીજાપુરની સલ્તનત અને યુરોપિયન સંસ્થાનવાદી સત્તાઓ સાથે જોડાણ અને દુશ્મનાવટ બંનેમાં વ્યસ્ત રહ્યા હતા. શિવાજીના લશ્કરી દળોએ મરાઠા પ્રભાવના ક્ષેત્રનો વિસ્તાર કર્યો, કિલ્લાઓ કબજે કર્યા અને બનાવ્યા અને મરાઠા નૌકાદળની રચના કરી. ભારતના આ મહાન યોદ્ધાનું 3 એપ્રિલ 1680ના રોજ રાયગઢના કિલ્લામાં અવસાન થયુ હતુ.
પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ
- સુમિત્રા ભાવે (2021) – એક પ્રખ્યાત મરાઠી ફિલ્મ નિર્માતા હતા.
- અનંત લક્ષ્મણ કાન્હેરે (1910) – દેશની આઝાદી માટે શહીદ થયેલા યુવા ક્રાંતિકારી.
- સી. વિજય રાઘવ ચારિયાર (1943) – પ્રખ્યાત રાષ્ટ્રીય નેતા હતા.
- કીરત સિંહ જુ દેવ (1728) – ઘોષચંદ્ર વંશના રાજા હતા.
- સૈયદ હસન ઇમામ (1933) – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ.
- ચાર્લ્સ ડાર્વિન (1882) – એક મહાન પ્રકૃતિવાદી વૈજ્ઞાનિક હતા.