ઓનલાઇન સર્વિસ આપનાર ઉબર કંપનીના ડ્રાઇવરને લઇ વઘુ એકવાર ફરિયાદ સામે આવી છે. ઉલ્લેખનીય છે કે, ઉબર કંપનીના ડ્રાઇવરોની ફરિયાદ અવારનવાર સામે આવતી હોય છે. તાજેતરમાં ઉબર કંપનીના ડ્રાઇવરે મરાઠી ફિલ્મ અભિનેત્રીની છેડતી કરી અને ધમકી આપી હોવાની ઘટના સામે આવી છે. પ્રખ્યાત અભિનેત્રીએ આરોપ લગાવ્યો છે કે, કેબ ડ્રાઇવરે તેની સાથે દુર્વ્યવહાર કરી તેને ધમકાવી છે. અભિનેત્રીએ સમગ્ર મામલા અંગે સોશિયલ મીડિયા પર ખુલાસો કર્યો છે. જેને પગલે મુંબઇ પોલીસે એક્શન લેશે તેવું નિવેદન આપ્યું છે.
સમગ્ર મામલો ટ્વિટમાં
અભિનેત્રીએ વિસ્તારપૂર્વક આ મામલા વિશે જાણકારી આપતા ટ્વિટ કર્યું છે કે, મેં રાત્રે 8.15 કલાકે ઉબર કરી હતી. ડ્રાઇવર ડ્રાઇવ સમયે ફોન પર વાત કરવા લાગ્યો હતો. આ ઉપરાંત તેણે બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ સિગ્નલને તોડી નાંખ્યુ હતું. જેને લઇને મેં દખલગીરી કરી હતી. પરંતુ તે મારી વાત સાંભળી આક્રમક બની કહ્યું હતું કે, શું તુ ભરીશ 500 રૂપિયા? ત્યારબાદ ડ્રાઇવરે મને ધમકાવાનું ચાલુ કર્યું હતું.
‘રૂક તેરે કો દિખાતી હું’
મરાઠી અભિનેત્રીએ વધુ એક ટ્વિટ કર્યું હતું કે, રૂક તેરે કો દિખાતી હું. ત્યારબાદ ડ્રાઇવરે ફરી બેફામ રીતે ગાડી ચલાવવાનું શરૂ કર્યું અને ચૂનાભટ્ટી રોડથી પ્રિયદર્શની પાર્કની વચ્ચે બીકેસીમાં એક અંધારપટ સ્થળ પર ઉબરને રોકવાનો કરતા મેં કહ્યું હતું કે, થાના ચલો. તો તે કોઇને ફોન કરવા લાગ્યો હતો. આ દરમિયાન મેં ઉબર હેલ્પલાઇનને કોલ કરી સમગ્ર ઘટનાની જાણકારી આપી હતી. પરંતુ તેમ છતાં ડ્રાઇવરને કોઇ ફર્ક ન પડ્યો હતો. ત્યારબાદ મેં બૂમો પાડી એટલે બે બાઇક સવાર અને એક રિક્ષા ચાલકે ઉબરને ઘેરી મને કારની બહાર કાઢી હતી. એક્ટ્રેસે આ ટ્વિટ કરી બૃહન્મુંબઇ કોર્પોરેશન, મુંબઇ પોલીસ, મુખ્યમંત્રી કાર્યાલય તેમજ પ્રધાનમંત્રી કાર્યાલયના ઓફિશિયલ ટ્વિટર હેંડલને ટેગ કર્યું છે.
મુંબઇ પોલીસ એક્શનમાં
અભિનેત્રીએ કારનો નંબર અને ડ્રાઇવરનો ફોટો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. અભિનેત્રીના આ ટ્વિટર પર મુંબઇ પોલીસે અને ઉબેર બંનેએ પ્રતિભાવ આપ્યો છે. મુંબઇ પોલીસે અભિનેત્રી પાસેથી તેમની પાસે રહેલા પૂરાવા તેમજ ઉબરે પણ આ ઘટનાને લઇ કડક કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું છે. આ સાથે મુંબઇ પોલીસે પણ આ ઘટનાની ગંભીરતાથી નોંધ લીધી તેવી પ્રતિક્રિયા આપી છે. આ ઘટનાને લઇ DCP ઝોન 8માં કાર્યવાહી ચાલી રહી છે તે મુંબઇ પોલીસે જણાવ્યું છે. આ સાથે પોલીસે ફરાર આરોપીને સંકજામાં લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
અભિનેત્રીએ મુંબઇ પોલીસની કરી પ્રશંસા
મરાઠી અભિનેત્રીએ મુંબઇ પોલીસની પ્રશંસામાં પોસ્ટ કરી છે. જેમાં અભિનેત્રીએ લખ્યું હતું કે, મારી સાથે ઘટેલી દુર્ઘટના બાદ મુંબઇ પોલીસ તુરંત એક્શનમાં આવી છે. આ મામલાને લઇ એફઆઇઆર નોંઘવામાં આવી છે. જે બદલ મુંબઇ પોલીસનો વિશેષ આભાર.