સુરત શહેરનો જેમ-જેમ વિકાસ થઈ રહ્યો છે, તેમ-તેમ શહેરમાં ક્રાઈમની ઘટનાઓમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. શહેરમાં હત્યા, લૂંટ, છેતરપિંડી, મારા મારી જેવી ઘટનાઓ જાણે સામાન્ય બની ગઈ હોય તેમ લાગે છે. આવી જ એક હત્યાની ઘટના સુરતના અઠવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સામે આવી છે, જેમાં ભાઈએ પરિણીત બહેનના પ્રેમી અને તેના ભાઈ પર જીવલેણ હુમલો કર્યો જેમાં યુવકનું મોત થયું છે.
ભાઈઓ દ્વારા હુમલામાં બહેનના પ્રેમીના ભાઈનું મોત
પ્રાપ્ત માહિતી અનુસાર, બે દિવસ પહેલા અઠવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે યુવકો પર જીવલેણ હુમલો થયાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ હતી. જેમાં એક યુવકનું મોત થયું છે, જ્યારે બીજો ગંભીર રીતે ઘાયલ થતા તેની સારવાર ચાલી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર, પ્રેમ સંબંધમાં બહેનનો ઘર સંસાર તૂટ્યો હોવાની અદાવતમાં ભાઈઓ દ્વારા બહેનના પ્રેમી પર હુમલો કરવામાં આવ્યો આ સમયે પ્રેમીનો બાઈ પણ સાથે હતો, જેમાં તે પણ ગંભીર રીતે ગવાયો હતો, ટુંકી સારવાર બાદ તેનું મોત થયું છે. પોલીસે આ મામલે બે લોકોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
શું હતો મામલો
વિગતે ઘટનાની વાત કરીએ તો, બે દિવસ પહેલા અઠવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાનપુરા વિસ્તારમાં રુદ્રપુરા પોલીસ લાઈનમાં રહેતા બે સગાભાઈ માવીયા કચ્છી અને યામીન કચ્છી પર જીવલેણ હુમલો થયો હતો. આ ઘટનામાં યામીન કચ્છીનું મોત થયું છે, જ્યારે પ્રેમી માવિયા કચ્છીની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પોલીસે આ મામલે બે લોકોની ધરપકડ કરી હત્યારાઓને જેલ ભેગા કરી દીધા છે.
કેમ અને કોણે કરી હત્યા
પીઆઈ જે.કે.જાડેજાએ ઈન્ડીયન એક્સપ્રેસ ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું કે, નાનપુરા વિસ્તારમાં હુમલાના ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી અને તપાસ કરતા સામે આવ્યું કે, ઇમરાન મુલ્લા, સાહિલ મુલ્લા અને હબીબ ઇસ્માઇલ શેખ દ્વારા બે સગા ભાઈ પર હુમલો કરવામાં આવ્યો હતો, પોલીસે બંનેની ધરપકડ કરી પુછપરછ હાથ ધરતા સામે આવ્યું કે, માવીયા કચ્છીને એક પરિણીત યુવતી સાથે પ્રેમ સંબંધ ચાલતો હતો, જેમાં યુવતીનો ઘર સંસાર તૂટી ગયો હતો, જેને પગલે બહેનના ઘર તૂટવાને લઈ અદાવતમાં પરિણીતાના ભાઈઓએ માવીયા કચ્છી અને તેના ભાઈ યામીન કચ્છી પર જીવલેણ હુમલો કર્યો, જેમાં યામીન કચ્છીનું મોત થયું છે. આરોપી ભાઈઓ પરિણીત મહિલાના માસીના છોકરા ભાઈ છે, જ્યારે મૃતક યામિન પ્રેમી માવિયા કચ્છીનો ભાઈ છે.