રાજસ્થાનના કોટામાં કોચિંગમાં અભ્યાસ કરતા ત્રણ વિધાર્થીઓએ કથિત રીતે આત્મહત્યા કરી લીધી હોવાની ઘટના પ્રકાશમાં આવ્યાં છે. મળતી માહિતી અનુસાર, મૃત્યુ પામેલા ત્રણ વિદ્યાર્થીઓમાંથી એક વિદ્યાર્થીની ઉંમર 16, બીજાની 17 અને ત્રીજાની 18 વર્ષની છે.
મૃતક વિદ્યાર્થીઓમાં અંકુશ અને ઉજ્જવલ બંને બિહારના વિદ્યાર્થીઓ એક જ હોસ્ટેલમાં રહેતા હતા. એક એન્જિનિયરિંગનું કોચિંગ કરી રહ્યો હતો. જ્યારે બીજો મેડિકલની તૈયારી કરી રહ્યો હતો. મધ્યપ્રદેશનો વિદ્યાર્થી પ્રણવ NEETની તૈયારી કરતો હતો.
મહત્વનું છે કે,થોડા દિવસો પહેલા, આત્મહત્યાના વધતા જતા કિસ્સાઓને ધ્યાનમાં રાખીને, વહીવટીતંત્રે આત્મહત્યા હોટલાઇનની શરુઆત કરી હતી, જ્યાં જોખમ ધરાવતા વિદ્યાર્થીઓ કાઉન્સેલિંગ માટે સંપર્ક કરી શકે છે. વિદ્યાર્થીઓ તરફથી વારંવાર તણાવની ફરિયાદ કરવામાં આવે છે.ઉલ્લેખનીય છે કે, કોટા એન્જિનિયરિંગ અને તબીબી પરીક્ષાઓની તૈયારી માટે દેશભરમાં પ્રખ્યાત છે. જો કે, તાજેતરના સમયમાં વિદ્યાર્થીઓ દ્વારા આત્મહત્યાના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે. કોટા કોચિંગ સેન્ટરમાં વાંરવાર આ પ્રકારની ઘટના ઘટે તે ગંભીર બાબત કહેવાય. આવામાં આ બાબતને ગંભીર ધ્યાનમાં લઇ કાયદેસર પગલા લેવા અત્યંત જરૂરી છે.
ભૂતકાળમાં, કોટાના વહીવટીતંત્રે આત્મહત્યા નિવારણ હોટલાઇનની સ્થાપના કરી હતી. જે અંતર્ગત ચિંતિત વિદ્યાર્થીઓ કાઉન્સેલિંગ મેળવી શકે તે પ્રકારની વ્યવસ્થા કરી હતી.પરંતુ વર્ષ 2016માં એક વિદ્યાર્થીએ પ્રતિષ્ઠિત IIT-JEE પરીક્ષા પાસ કરી હોવા છતાં તેને આત્મહત્યા કર્યા પહેલા તમામ કોચિંગ સેન્ટરોને બંધ કરવાની હાકલ કરી હતી. 2019માં રાજસ્થાન સરકારે આવી સંસ્થાઓમાં અભ્યાસ કરતા લોકોમાં તણાવ ઘટાડવા માટે કોચિંગ કેન્દ્રોના નિયમન માટે કાયદાકીય ડ્રાફ્ટ તૈયાર કરવા માટે રાજ્ય-સ્તરની સમિતિની રચના કરી હતી. જો કે, હજુ સુધી ડ્રાફ્ટ અંગે કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી.