સુરતની ક્રાઇમ બ્રાન્ચ ટીમે કારની ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ પકડી પાડી છે. જેમાં શહેરમાં અલગ- અલગ સોસાયટી અને બંગલાઓની બહાર પાર્ક કરેલી કારની ચોરી કરતી આંતરરાજ્ય ગેંગના બે સાગરીતોને ઝડપી લીધા છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે આ બે વ્યક્તિઓ પાસેથી 3 કાર સહિત 17.40 લાખ રૂપિયાનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે. સાગરીતો ઝડપાતા 15થી વધારે કારચોરીનો ભેદ ઉકેલાયો છે.
સુરતના પોલીસ કમિશ્નર અજય તોમરે માહિતી આપતા જણાવ્યુ કે, કારની ચોરી કરતી આંતરરાજ્ય ગેંગના બે સાગરીતોને ઝડપી લેવામાં આવ્યા છે જેમના નામ – અનિલ ગાયરી અને અયુબઅલી શેખ છે. પકડાયેલા આ બે આરોપી પૈકી અયુબ અલી મહારાષ્ટ્ર માં 23થી વધુ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.

સુરત ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે સુરતના રાંદેર વિસ્તારના માધવચોક સર્કલ તરફ જવાના માર્ગે નાકાબંધી ગોઠવી હતી. આ દરમિયાન ચોરી કરેલી કારને લઇને આવી રહેલ આ બંને સાગરીતોને અટકાવી તેમની પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં આંતરરાજ્ય ગેંગના બે સાગરીતોને ચોરી કરેલી મારૂતિ સુઝુકીની સ્વિફ્ટ કાર સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા.
કાર ચોરી કરવાની મોડ્સ ઓપરેન્ડીઃ-

આંતરરાજ્ય ગેંગની કાર ચોરી કરવાની સ્પેશિયલ મોડ્સ ઓપરેન્ડી હતી. કારની ચોરી કરવાની મોડસ ઓપરેન્ડીની વાત કરીએ તો બંન્ને આરોપીઓ તથા તેના ગેંગના અન્ય સભ્ય સાથે મળી સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં રાત્રીના સમયે સોસાયટીની તથા બંગાલાની બહાર રોડ ઉપર પાર્ક કરેલી કારની ચોરી કરતા હતા. જેમાં મારૂતિ સુઝુકી કંપનીની સ્વીફ્ટ કારોની ચોરી કરવા કારના ડ્રાઇવર સીટની આગળના ટાયર પાસે હાથ નાખી હોર્નના વાયર છુટા કરીને Allen Key વડે કારનું દરવાજાનુ લોક ખોલતા કરતા. કારનો દરવાજો ખોલીને ઈલેક્ટ્રોનીકસ મશીન કી-કોડીંગ મશીન તથા ECMની મદદથી કાર ચાલુ કરી કાર માંથી GPSતથા ફાસ્ટ ટેગ હટાવી કારની ચોરી કરી લેતા હતા. ચોરી કરેલી આ કારને શહેરના અન્ય વિસ્તારમાં પાર્ક કરતા ત્યાર બાદ ડુપ્લીકેટ નંબર પ્લેટ લગાવી મહારાષ્ટ્ર તથા રાજસ્થાન તથા અન્ય રાજયોમાં વેંચાણ કરતા હતા.
સુરતમાંથી ચોરી કરેલી કાર અન્ય રાજ્યોમાં વેચાતાઃ-
આંતરરાજ્ય ગેંગ સુરતમાંથી ચોરી કરેલી કારને રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં વેચી દેતા હતા. તેની માટે તેઓ સૌથ પ્રથમ ચોરી કરેલી કારના જીપીએસ અને ફાસ્ટ ટેગને હટાવી દઇ કારના અસલી નંબર પર ડુપ્લીકેટ નંબર લગાવી દેતા હતા. ત્યારબાદ આ કાર ગુજરાતની બહાર રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં લઇ જઇ ત્યાં વેચી દેતા હતા.