scorecardresearch

BAPS : સારંગપુર સ્થિત પ્રમુખસ્વામી મહારાજ સ્મૃતિમંદિરની શું છે વિશેષતાઓ? શું હતી સ્વામીજીની છેલ્લી ઈચ્છા?

BAPS Pramukhswami Maharaj Smriti Mandir – sarangpur : તીર્થધામ સારંગપુર ખાતે વસંતપંચમીના પવિત્ર દિને બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના સ્મૃતિમંદિરનો પ્રતિષ્ઠાવિધિ પ.પૂ.મહંતસ્વામી મહારાજના હસ્તે સંપન્ન થયો.

BAPS : સારંગપુર સ્થિત પ્રમુખસ્વામી મહારાજ સ્મૃતિમંદિરની શું છે વિશેષતાઓ? શું હતી સ્વામીજીની છેલ્લી ઈચ્છા?
પ્રમુખ સ્વામી મહારાજ સ્મૃતિ મંદિર – સારંગપુર (ફોટો – બીએપીએસ)

BAPS – Pramukh Swami Maharaj Smruti Mandir : બોટાદ (Botad) જિલ્લામાં આવેલ સારંગપુર (Sarangpur) માં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરના વિશાળ પરિસરમાં ભવ્ય શિખરબદ્ધ શ્રી અક્ષરપુરુષોત્તમ મંદિર અને શ્રીયજ્ઞપુરુષ સ્મૃતિમંદિરના બે ધ્રુવ વચ્ચે હવે ત્રીજું દિવ્ય પ્રેરણા સ્થાન ઉમેરાઈ રહ્યું છે – બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજનું સ્મૃતિમંદિર! તો જોઈએ શું છે સ્મૃતિમંદિરની વિશેષતા.

પ્રમુખ સ્વામી મહારાજે છેલ્લા સમયે શું ઈચ્છા વ્યક્ત કરી હતી?

ભગવાન સ્વામિનારાયણના દિવ્ય વૈદિક ઉપાસના-સંદેશના પ્રવર્તન માટે, સમસ્ત માનવજાતના ઉત્કર્ષ માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરીને બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજે તીર્થધામ સારંગપુરમાં અંતર્ધાન થવાનો સંકલ્પ કર્યો હતો. તા.13-08-2016ના રોજ તેઓ અંતર્ધાન થયા હતા. તે પૂર્વે છેલ્લી અવસ્થામાં તેઓએ જ ઈચ્છા વ્યક્ત કરેલી કે, ગુરુદેવ બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજની દ્રષ્ટિ મારા પર રહે અને મારી દ્રષ્ટિ ઈષ્ટદેવ ભગવાન શ્રીસ્વામિનારાયણ સામે હોય એવા સ્થળે મારી અંતિમવિધિ થાય, તે પ્રમાણે જ તેઓના દિવ્યવિગ્રહનો અંતિમસંસ્કાર વિધિ કરાયો હતો. આજે એ જ સ્થળે પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજની પ્રેરણાથી પ્રમુખસ્વામી સ્મૃતિમંદિર આકાર લઈ ચુક્યું છે.

સ્મૃતિમંદિરનું સ્થાપત્ય – સ્વરૂપ પણ અક્ષરધામ જેવું જ રાખવામાં આવ્યું

પ્રમુખસ્વામી મહારાજે વિશ્વભરમાં ૧૨૦૦થી વધુ મંદિરોનું નિર્માણ કરી તથા ગાંધીનગર, દિલ્હી અને અમેરિકામાં અક્ષરધામના સર્જન દ્વારા ભારતીય સંસ્કૃતિનું ગૌરવ વધાર્યું છે. તેઓના આ યુગકાર્યને અંજલિ આપવા તેઓના સ્મૃતિમંદિરનું સ્થાપત્ય – સ્વરૂપ પણ અક્ષરધામ જેવું જ રાખવામાં આવ્યું છે.

સંતો અને હરિભક્તોની મહેનતથી ચાર વર્ષમાં સ્મૃતિમંદિર બનીને તૈયાર થયું

પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ સ્મૃતિમંદિરનો શિલાન્યાસ ૧૭ ડિસેમ્બર ૨૦૧૮માં મહંતસ્વામી મહારાજે કર્યો હતો. આ પછી સંતો અને હરિભક્તોની મહેનતથી ચાર વર્ષમાં સ્મૃતિમંદિર બનીને તૈયાર થયું છે. નાગરાદિ સ્થાપત્યશૈલી ધરાવતા આ મંદિરની લંબાઈ ૧૪૦ ફૂટ, પહોળાઈ ૧૪૦ ફૂટ અને ઊંચાઈ ૬૩ ફૂટ છે, જેમાં ૭,૮૩૯ પથ્થરોના સંયોજનથી ૧ ઘુમ્મટ, ૪ સામરણ અને ૧૬ ઘુમ્મટીઓ આવેલી છે. આ સ્મૃતિમંદિરના કલામંડિત સ્તંભ, ઘુમ્મટ વગેરે ભગવાન સ્વામિનારાયણ તથા પ્રમુખસ્વામી મહારાજના સમકાલીન સંતો-ભક્તોની શિલ્પાકૃતિઓથી અલંકૃત છે.

સ્મૃતિમંદિરનો મુખ્ય પ્રતિષ્ઠાવિધિ સંપન્ન

ગુરુહરિ પ્રમુખસ્વામી મહારાજના આ કલામંડિત મંદિરનો પ્રતિષ્ઠાવિધિ પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના સાંનિધ્યમાં સારંગપુર ખાતે વસંતપંચમીએ, તા.26-01-2023ના રોજ હજારો ભાવિક ભક્તોની ઉપસ્થિતિમાં કર્યો હતો. આ મંદિરના મધ્યમાં આરસ નિર્મિત પ્રમુખસ્વામી મહારાજની મૂર્તિ અક્ષર–પુરુષોત્તમ મહારાજ સાથે બિરાજમાન કરવામાં આવી છે. સવારે ૯:૩૦ વાગ્યે સદગુરુવર્ય સંત પૂજ્ય ભક્તિપ્રિય સ્વામી અને પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામી તેમજ વરિષ્ઠ સંતો દ્વારા વૈદિક મહાપૂજા વિધિ સંપન્ન થયો હતો. આ વૈદિક મહાપૂજાના સહભાગી થવા માટે સમગ્ર વિશ્વમાંથી હજારો હરિભક્તો પધાર્યા હતા. ત્યારબાદ ૧૧:૪૫ વાગે પ. પૂ. મહંતસ્વામી મહારાજના વરદ હસ્તે સ્મૃતિમંદિરનો મુખ્ય પ્રતિષ્ઠાવિધિ સંપન્ન થયો હતો.

મહંત સ્વામિ મહારાજે શું કહ્યું?

પ્રતિષ્ઠાવિધિ પૂર્ણ થયા બાદ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે આશીર્વાદ આપતા ગુરુ પ્રમુખસ્વામી મહારાજનો તથા પ્રમુખ સ્મૃતિ મંદિરનો અનેરો મહિમા ગાયો હતો અને જણાવ્યું હતું કે, ‘અહીં જે આવશે તેને શ્રદ્ધા અને ભક્તિની પ્રેરણા મળશે અને શાંતિનો અનુભવ જરૂરથી થશે. તથા આ સ્મૃતિમંદિરમાં શ્રદ્ધાપૂર્વક દર્શન અને પ્રાર્થના કરનારના શુભ સંકલ્પો પ. પૂ. પ્રમુખસ્વામી મહારાજ પૂર્ણ કરશે.’

‘બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ જીવનગાથા’ નામનું નૂતન ઓડિયો પ્રકાશન પ્રકાશિત

આજના દિવસે સંસ્થા દ્વારા ‘બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ જીવનગાથા’ નામનું નૂતન ઓડિયો પ્રકાશન પ્રકાશિત કરવામાં આવ્યું હતું. જેમાં પ્રમુખસ્વામી મહારાજના પ્રાગટ્યથી લઈને મહંતસ્વામી મહારાજ દ્વારા તેઓનું પ્રાગટ્ય સુધીની તેઓની જીવનગાથાને સંસ્થાના સંગીતજ્ઞ સંતોએ કાવ્યપંક્તિઓ દ્વારા ખૂબ સુંદર સંગીતમય રીતે ગૂંથી રજૂ કરવામાં આવી છે.

પ્રમુખ સ્વામી મહારાજની બબલ વ્રેપ પેઈન્ટીંગની ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડે નોંધ લીધી

હાલ પૂર્ણ થયેલ પ.પૂ.પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવની અંદર સર્વે ભક્તોએ પોતાનો ભક્તિપૂર્ણ પરિશ્રમ રજૂ કર્યો હતો. જેમાં લંડનના ૧૫૦ જેટલા યુવકો અને યુવતીઓએ ભક્તિપૂર્ણ પરિશ્રમ કરી પ.પૂ.પ્રમુખસ્વામી મહારાજની એક વિશાળ ‘બબલ વ્રેપ’ પેઈન્ટિંગ તૈયાર કરેલ હતી. આ બબલ વ્રેપમાંથી બનાવેલ પેઇન્ટિંગ માટે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સે નોંધ લીધી છે જેની વિશેષતા એ છે કે ૯૭.૭૮ સ્ક્વેર મીટર (૧૦૫૨ ચોરસ ફૂટ) ના આ વિશાળ ચિત્રમાં ૮,૫૦,૦૦૦ બબલમાં ૩૨૦ જેટલા જુદા જુદા રંગ પૂરી પ્રમુખસ્વામી મહારાજની ‘બબલ વ્રેપ’ પેઈન્ટિંગ તૈયાર કરવામાં આવી છે. પ.પૂ.પ્રમુખસ્વામી મહારાજે તેમના જીવનકાળ દરમ્યાન લાખો લોકોના જીવનમાં રંગ પૂરી, એમના જીવનને રમણીય બનાવ્યું હતું એવા પ્રમુખસ્વામી મહારાજને અંજલી આપવા બનાવેલ ચિત્રની ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સે નોંધ લેતા તેમાં જોડાયેલ તમામને પ.પૂ.મહંતસ્વામી મહારાજે આશીર્વાદ પાઠવ્યા હતા.

સ્મૃતિમંદિર શ્રદ્ધા અને ભક્તિનું અનોખુ કેન્દ્ર બની રહેશે

પ્રમુખસ્વામી મહારાજ પોતાના મુખ્ય કાર્ય તરીકે ‘ભગવાન ભજવા અને ભજાવવા’ ને ગણાવતા. તેથી તેઓનું આ સ્મૃતિમંદિર પણ જીવનમાં શ્રદ્ધા અને ભક્તિ દૃઢ કરવાનો સંદેશ વહાવે છે. બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના અનંત ઉપકારોની સ્મૃતિ સાથે તેમના ચરણે ભાવાંજલિ અર્પણ કરતું આ સ્મૃતિસ્થાન આવનારા દિવસોમાં અસંખ્ય લોકો માટે શ્રદ્ધા અને ગુરુભક્તિનું અનોખું કેન્દ્ર બની રહેશે.

આ પણ વાંચો – Today Live Darshan: સારંગપુર કષ્ટભંજન હનુમાન દેવના લાઇવ દર્શન

પ્રમુખસ્વામી મહારાજ સ્મૃતિમંદિરની વિશેષતાઓ

સ્મૃતિમંદિરની લંબાઈ ૧૪૦ ફૂટ, પહોળાઈ ૧૪૦ ફૂટ અને ઊંચાઈ ૬૩ ફૂટ છે. ૭,૮૩૯ પથ્થરોના સંયોજનથી ૧ ઘુમ્મટ, ૪ સામરણ અને ૧૬ ઘુમ્મટીઓ ધરાવતું વિશિષ્ટ મંદિર. મકરાણાના શ્વેત સંગેમરમરના પથ્થરથી નિર્મિત નાગર શૈલી ધરાવતું મંદિર. મંદિરની ફરતે કંડારાયેલી સંતો-ભક્તોની મૂર્તિઓ ગુરુ પ્રમુખસ્વામી મહારાજ સાથે સંતો ભક્તોની સ્મૃતિ કરાવે છે.

Web Title: Baps pramukhswami maharaj smriti mandir special features in sarangpur last wish

Best of Express