અમેરિકા ન્યુજર્સીમાં ઐતિહાસિક હિંદુ દીક્ષા દીન: BAPS મંદિરમાં 30 સુશિક્ષિત યુવાનોએ સેવા, બલિદાન અને ભક્તિ માટે જીવન સમર્પણની લીધી પ્રતિજ્ઞા

initiation Ceremony baps swaminarayan akshardham robbinsville new jersey USA : BAPS સ્વામિનારાયણ અક્ષરધામ રોબિન્સવિલે, ન્યૂજર્સીમાં 30 યુવાનોએ દીક્ષા લેનાર યુવાનોમાં કેટલાક તો માતા-પિતાના એકમાત્ર સંતાન છે, જેમણે સમાજ સેવા અને લોક કલ્યાણ માટે જીવન સમર્પિત કરવાની પ્રતિજ્ઞા લીધી.

Written by Kiran Mehta
Updated : October 03, 2023 14:52 IST
અમેરિકા ન્યુજર્સીમાં ઐતિહાસિક હિંદુ દીક્ષા દીન: BAPS મંદિરમાં 30 સુશિક્ષિત યુવાનોએ સેવા, બલિદાન અને ભક્તિ માટે જીવન સમર્પણની લીધી પ્રતિજ્ઞા
દીક્ષા સમારોહ - બીએપીએસ, સ્વામિનારાયણ અક્ષરધામ રોબિન્સવિલે, ન્યૂજર્સી

BAPS Swaminarayan Akshardham Robbinsville New Jersey USA : BAPS સ્વામિનારાયણ અક્ષરધામ રોબિન્સવિલે, ન્યૂજર્સીમાં 2 ઓક્ટોબર, 2023 એ, એક અભૂતપૂર્વ અને હૃદયસ્પર્શી દિક્ષાદિન યોજાયો. મહત્વની વાત એ છે કે, આ સમારોહમાં યુનાઇટેડ સ્ટેટ્સ, કેનેડા અને ભારતમાં જન્મેલા અને ઉછરેલા સુખી સંપન્ન 30 સુશિક્ષિત યુવાનોએ નિઃસ્વાર્થ સેવાની પરિવર્તન યાત્રાની એક નવા જીવનની શરૂઆત કરી. આ અસાધારણ પ્રકરણ ચિહ્નિત કરે છે, જે અતૂટ શ્રદ્ધા, એકતા અને ભક્તિ દ્વારા માર્ગદર્શિત માર્ગ માટે પ્રતિબદ્ધતાનું પ્રતીક છે.

દિક્ષા લેનાર યુવાનોમાં કેટલાક તો માતા-પિતાના એકમાત્ર સંતાન

બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના સંતોએ કહ્યું, દીક્ષા દિન માત્ર એ એક પ્રસંગ નથી પરંતુ તે આ 30 યુવાન પુણ્યા આત્માઓની અદમ્ય ભાવનાનો પુરાવો છે, જેઓ પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓ અને કંપનીઓમાં અભ્યાસ અને વ્યવસાયોના વિવિધ ક્ષેત્રોને અનુસર્યા છે. આ નવયુવાનોમાંથી ઘણા એવા યુવાનો છે કે, જેઓ તેમના માતા-પિતાના એકમાત્ર સંતાન છે, જે દર્શાવે છે કે, તેમના માતા પિતાએ સમાજ કલ્યાણ અને લોકોની નિઃસ્વાર્થ ભાવે સેવા કરવા માટે પોતાના વ્હાલસોયા પુત્રોને રાજીખુશી સાથે દિક્ષા લેવાની પરવાનગી આપી છે, જેથી તે યુવાનો પોતાની આધ્યાત્મિક પ્રગતિની સાથે સાથે અનેક લોકોના જીવન પરિવર્તન કરવામાં અતુલ્ય યોગદાન આપી શકે.

મહંત સ્વામી મહારાજની હાજરીમાં દીક્ષા મંત્ર લીધો

આ સાધુ સમાજ એ નિઃસ્વાર્થ સેવા માટે સમર્પિત છે તેમજ માનવતાના ઉત્થાન માટે જરૂરી એવા નમ્રતા, કરુણા અને અતૂટ સમર્પણના મૂલ્યોનું ઉદાહરણ આપે છે. તે ઊંડી માન્યતાને દર્શાવે છે કે, વ્યક્તિગત બલિદાન દ્વારા, નોંધપાત્ર સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકાય છે – એવી સિદ્ધિઓ જે સમાજ પર કાયમી હકારાત્મક અસર કરે છે. મહંતસ્વામી મહારાજના નેતૃત્વમાં યોજાયેલા સમારોહમાં તમામ યુવાનોને વૈદિક દીક્ષા મંત્રો આપવામાં આવ્યા હતા.

દીક્ષા દિનનો સાર હિંદુ ધર્મના ઊંડા મૂલ્યોમાં રહેલો છે, જેને આ યુવાનોએ જાળવી રાખવાનું પસંદ કર્યું છે. તે હેતુપૂર્ણ જીવન જીવવા માટેની તેમની પ્રચંડ પ્રતિબદ્ધતા દર્શાવે છે, જ્યાં અન્યોની સેવાને અગ્રતા આપવામાં આવે છે અને સમુદાયની સુખાકારી તેમની સર્વોચ્ચ પ્રાથમિકતા બની જાય છે.

baps swaminarayan akshardham robbinsville new jersey
સ્વામિનારાયણ અક્ષરધામ રોબિન્સવિલે, ન્યૂજર્સી, અમેરિકા, યુએસએ, દીક્ષા સમારોહ (ફોટો – બીએપીએસ)

નિઃસ્વાર્થ સમાજ સેવા, અને લોક કલ્યાણનો સંકલ્પ લીધો

નવદિક્ષિત યુવાનોને મહંત સ્વામી મહારાજે અંતઃકરણ પૂર્વક આશીર્વાદ આપ્યા કે, “તમારા મનમાં ભગવાન અને સમાજની સેવા કરવાનું પૂર્વનિર્ધારિત હતું, નહીં તો આજે તમે અહીં બેઠા ન હોત. અહીંથી ઘણું કામ કરવાનું બાકી છે. તમારી સેવા દ્વારા ભગવાનને પ્રાપ્ત કરવાના આ આધ્યાત્મિક માર્ગ પર તમે સફળ થાઓ એવા આશીર્વાદ છે.આ સુશિક્ષિત નવયુવાનો અક્ષરધામના ઉપદેશોને તેમની નવી આધ્યાત્મિક સફરમાં ચરિતાર્થ કરવાની પ્રેરણા સાથે લઈ જાય છે, તેઓ આ પવિત્ર સ્થાનમાં રહેલા નિઃસ્વાર્થ પ્રેમ અને એકતાના સાર્વત્રિક સંદેશાઓના તેજસ્વી ઉદાહરણ તરીકે સેવાકાર્ય બજાવશે.”

અહિંસા દિવસની ઉજવણી કરવામાં આવી

તે જ દિવસે સાંજે, અક્ષરધામ મહામંદિરમાં આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસની ઉજવણી માટે “જીવનમૂલ્યો તેમજ અહિંસા” નામના સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થયું હતું. સમગ્ર ઉત્તર અમેરિકામાંથી ભક્તો અને શુભેચ્છકો સત્ય, અહિંસા અને સમાનતા સહિતના હિંદુ ધર્મના મુખ્ય સિદ્ધાંતોની ચર્ચા કરવા માટે એકત્ર થયા હતા.

baps swaminarayan akshardham robbinsville new jersey
BAPS સંસ્થાના સંત સ્વયંપ્રકાશદાસ સ્વામી (ડૉક્ટર સ્વામી) – (ફોટો – બીએપીએસ)

આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ મહાત્મા ગાંધીના જીવન અને કાર્યનું સન્માન કરે છે, જેમણે ભારતની આઝાદી માટેના સફળ પ્રયાસોમાં અહિંસક પ્રતિકારનો સફળ ઉપયોગ કર્યો હતો. અહિંસા અને શાંતિના આ સમાન મૂલ્યો હિંદુ શાસ્ત્રોમાં અંકિત છે.

BAPS સંસ્થાના સંત સ્વયંપ્રકાશદાસ સ્વામી (ડૉક્ટર સ્વામી) એ તેમના વ્યકતવ્યમાં કહ્યું કે, “આજના મહાત્મા ગાંધીની જન્મજયંતિના દિવસે, ચાલો આપણે તેમના જીવનમાંથી પ્રેરણા લઈએ: સફળતા ફક્ત શબ્દોથી નહીં, પરંતુ આપણા કાર્યો અને ચારિત્ર્યની શુદ્ધતા દ્વારા પ્રાપ્ત થાય છે.” તેમણે વધુમાં કહ્યું હતું કે, આજના બંને કાર્યક્રમો ઉદાહરણરૂપ છે કે, કેવી રીતે અક્ષરધામ આધ્યાત્મિક ભક્તિ, સાંસ્કૃતિક વારસા અને એકતાના દીવાદાંડી તરીકે સેવા આપે છે, ભારતની જીવંત પરંપરાઓ અને વારસાને સાચવી અને વિશ્વના ખૂણે ખૂણે સુધી તેની સુવાસ ફેલાવે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ