Diwali 2025 Date: દિવાળી હિન્દુ ધર્મના સૌથી મહત્વપૂર્ણ તહેવારોમાંથી એક છે. લોકો આખું વર્ષ આ તહેવારની આતુરતાથી રાહ જુએ છે. આ તહેવારને હવે થોડા દિવસો જ બાકી છે. દિવાળી ફક્ત રોશની અને ફટાકડાનો તહેવાર નથી, પરંતુ તે અંધકાર પર પ્રકાશ, બુરાઇ પર અચ્છાઇ અને અસત્ય પર સત્યના વિજયનું પ્રતીક છે.
દિવાળી ફક્ત એક દિવસનો તહેવાર નથી, પરંતુ પાંચ દિવસનો ભવ્ય તહેવાર છે. દરેક દિવસનું પોતાનું ધાર્મિક મહત્વ અને અલગ પૂજા વિધિઓ છે. આ તહેવાર ધનતેરસથી શરૂ થાય છે અને ભાઈબીજ સાથે સમાપ્ત થાય છે. ચાલો આ વર્ષે ધનતેરસ, કાળી ચૌદસ, દિવાળી (મહાલક્ષ્મી પૂજા), બેસતું વર્ષ (ગોવર્ધન પૂજા) અને ભાઈબીજ કઇ તારીખે આવે છે તે જાણીએ.
દિવાળી કેલેન્ડર 2025
ધનતેરસ – 18 ઓક્ટોબર
દિવાળી મહાપર્વની શરૂઆત આ દિવસ થાય છે. દેવી લક્ષ્મી અને ભગવાન કુબેરની પૂજા કરવામાં આવે છે. લોકો નવા વાસણો, સોનું, ચાંદી અને ઘરેણાં ખરીદે છે. આ વર્ષે ધનતેરસ 18 ઓક્ટોબરને શનિવારના રોજ આવે છે.
- તેરસ તિથિનો પ્રારંભ : 18 ઓક્ટોબર બપોરે 12:18 વાગ્યે
- તેરસ તિથિ સમાપ્ત : 19 ઓક્ટોબર બપોરે 1:51 વાગ્યે
- ધનતેરસ પૂજા મુહૂર્ત: સાંજે 7:16 થી 8:20 વાગ્યા સુધી (સમયગાળો: 1 કલાક 4 મિનિટ)
- પ્રદોષ કાલ: સાંજે 5:48-રાત્રે 8:20
- વૃષભ કાલ: સાંજે 7:16 -રાત્રે 9:11
કાળી ચૌદસ (નરક ચતુર્દશી) – 19 ઓક્ટોબર
નરકાસુર પર ભગવાન કૃષ્ણની જીતનું પ્રતીક છે. સ્નાન અને પૂજા કરીને બુરાઇ પર અચ્છાઇની જીતની ઉજવણી કરવામાં આવે છે. તેને કાળી ચૌદસ, નરક ચતુર્દશી અને નાની દિવાળી પણ કહેવામાં આવે છે. 2025માં કાળી ચૌદસ રવિવારને 19 ઓક્ટોબરના રોજ આવશે.
- અભ્યંગ સ્નાન મુહૂર્ત – સવારે 5:13 થી 6:25
- સમયગાળો – 1 કલાક 12 મિનિટ
દિવાળી – 20 ઓક્ટોબર
દિવાળી મુખ્ય તહેવાર છે. ભગવાન રામ, માતા સીતા અને લક્ષ્મણના અયોધ્યા પાછા ફરવા બદલ ઉજવણી કરાય છે. ઘરોને દીવા અને રંગોળીથી શણગારવામાં આવે છે. સાંજે માતા લક્ષ્મી અને ભગવાન ગણેશ પૂજા કરવામાં આવે છે. 2025માં મહાલક્ષ્મી પૂજા 20 ઓક્ટોબરને સોમવારે થશે.
- અમાસ તિથિ શરૂ: 20 ઓક્ટોબર બપોરે 3:44 વાગ્યે
- અમાસ તિથિ સમાપ્ત : 21 ઓક્ટોબર સાંજે 5:54 વાગ્યે
- લક્ષ્મી પૂજા મુહૂર્ત: સાંજે 7:08 થી 8:18 સુધી (સમયગાળો 1 કલાક 11 મિનિટ)
- પ્રદોષ કાલ: સાંજે 5:46 – રાત્રે 8:18
- વૃષભ કાલ: સાંજે 7:08 – રાત્રે 9:03
આ પણ વાંચો – ઘરમાં ગરીબી અને આર્થિક તંગીથી મુક્તિ અપાવશે કેરીના પાનની આ યુક્તિ, ભાગ્યના દરવાજા ખુલશે
પડતર દિવસ કે ધોકો – 21 ઓક્ટોબર
આ વખતે બે અમાસ હોવાના કારણે વચ્ચે પડતર દિવસ એટલે કે ધોકો આવ્યો છે. 20 ઓક્ટોબરે દિવાળી છે અને 21 ઓક્ટોબરે ધોકો છે. 22 ઓક્ટોબરે બેસતુ વર્ષ મનાવવામાં આવશે.
બેસતુ વર્ષ અને ગોવર્ધન પૂજા – 22 ઓક્ટોબર
ગુજરાતમાં નવા વર્ષની શરૂઆત થાય છે. તેને બેસતુ વર્ષ કે ગુજરાતી નવું વર્ષ કહેવામાં આવે છે. તે દિવસે બધા એકબીજાને નવા વર્ષની શુભકામના પાઠવે છે. આ દિવસે ઉત્તર ભારતમાં ગોવર્ધન પૂજા કરાય છે. 2025માં ગોવર્ધન પૂજા 22 ઓક્ટોબરને બુધવારે થશે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન કૃષ્ણએ ગ્રામજનોની રક્ષા માટે ગોવર્ધન પર્વત ઉપાડ્યો હતો. આ દિવસે અન્નકુટ તૈયાર કરવામાં આવે છે અને ગોવર્ધનની પૂજા કરવામાં આવે છે.
- એકમ તિથિ શરૂ : 21 ઓક્ટોબર સાંજે 5:54 વાગ્યે
- એકમ તિથિ સમાપ્ત : 22 ઓક્ટોબર રાત્રે 8:16 વાગ્યે
- ગોવર્ધન પૂજા સવારનું મુહૂર્ત: સવારે 6:26 થી 8:42 (2 કલાક 16 મિનિટ)
- સાંજે મુહૂર્ત: બપોરે 3:29 થી 5:44 (2 કલાક 16 મિનિટ)
ભાઈબીજ – 23 ઓક્ટોબર
દિવાળીના પાંચ દિવસના તહેવારનો છેલ્લો દિવસ ભાઇ બીજ છે. ભાઈ-બહેનના સંબંધને મજબૂત બનાવવાનો દિવસ છે. બહેનો તેમના ભાઈઓના લાંબા આયુષ્ય અને ખુશી માટે પ્રાર્થના કરે છે અને ભાઈઓ તેમને ભેટો આપે છે. 2025માં ભાઈબીજ ગુરુવારને 23 ઓક્ટોબરના રોજ છે.
- બીજ તિથિ શરૂ : 22મી ઓક્ટોબરે રાત્રે 8:16 વાગ્યે
- બીજ તિથિ સમાપ્ત : 23 ઓક્ટોબરે રાત્રે 10:46 વાગ્યે
- ભાઈ દૂજ તિલક (બપોરે) સમય: બપોરે 1:13 થી 3:28 સુધી (2 કલાક 15 મિનિટ)