Ganesh Chaturthi 2025: ગણેશ ચતુર્થીનો તહેવાર ભારતભરમાં ધામધૂમથી મનાવવામાં આવે છે. ગણેશ ચતુર્થી દર વર્ષે ભાદરવા સુદ ચોથના દિવસે મનાવવામાં આવશે. આ વખતે તે 27 ઓગસ્ટે આવી રહ્યો છે. દશ દિવસ ગણપતિની પૂજા કરવામાં આવે છે. ગણેશજીનો આકાર અન્ય દેવ-દેવતાઓથી અલગ છે. અમે તમને જણાવી રહ્યા છીએ કે ભગવાન ગણપતિનું દરેક અંગ આપણને શું સંકેત અને તેનું શું મહત્વ છે.
મોટું માથું (Giant Head)
પ્રતીક: મોટું માથું વિચારશીલતા, બુદ્ધિમત્તા અને જ્ઞાનનું પ્રતીક છે.
મહત્વ: તે આપણને શીખવે છે કે આપણે હંમેશા મોટું વિચારવું જોઈએ, જીવનના નિર્ણયો સમજદારીપૂર્વક લેવા જોઈએ, અને જ્ઞાન મેળવવામાં ક્યારેય પાછળ ન હટવું જોઈએ.
મોટી સુંઢ (Large Trunk)
પ્રતીક: સુંઢ પરિસ્થિતિઓ સાથે અનુકૂળ થવાની ક્ષમતા દર્શાવે છે. હાથીની સુંઢ વિશાળ વૃક્ષોને ઉખાડી શકે છે અને નાનામાં નાની વસ્તુ પણ પકડી શકે છે.
મહત્વ: તે આપણને શીખવે છે કે જીવનમાં ગમે તેવી મુશ્કેલ કે પરિસ્થિતિ આવે, આપણે સરળતાથી અનુકૂળ થવું જોઈએ અને દૃઢતાપૂર્વક કામ કરવું જોઈએ.
એક દંત (One Tusk)
પ્રતીક: જ્ઞાન અને ત્યાગનું પ્રતીક છે. મહાભારત લખવા માટે તેમણે પોતાનો એક દંત તોડી નાખ્યો હતો.
મહત્વ: તે આપણને બતાવે છે કે જ્ઞાન મેળવવા માટે અથવા કોઈ ઉમદા કાર્ય માટે કોઈ પણ પ્રકારનો ત્યાગ કરવા તૈયાર રહેવું જોઈએ.
મોટા કાન (Large Ears)
પ્રતીક: મોટા કાન ધ્યાનપૂર્વક સાંભળવાનું અને બધાનું સાંભળવાનું સૂચન કરે છે.
મહત્વ: તે આપણને દર્શાવે છે કે આપણે બીજાના વિચારો, સલાહ અને જ્ઞાનને શાંતિપૂર્વક સાંભળવા જોઈએ. એક સારો શ્રોતા જ સારો જ્ઞાની બની શકે છે.
નાની આંખો (Small Eyes)
પ્રતીક: નાની અને તીક્ષ્ણ આંખો ધ્યાન અને એકાગ્રતાનું પ્રતીક છે.
મહત્વ: તે આપણને શીખવે છે કે કોઈ પણ કાર્ય કરતી વખતે કે જીવનના માર્ગ પર ચાલતી વખતે સંપૂર્ણ ધ્યાન અને એકાગ્રતા રાખવી જરૂરી છે.
નાનું મોં (Small Mouth)
પ્રતીક: ઓછું બોલવાનું સૂચન કરે છે.
મહત્વ: તે આપણને શીખવે છે કે આપણે જરૂર પૂરતું જ બોલવું જોઈએ. ઓછું બોલવાથી આપણે શક્તિ અને સમયનો સદુપયોગ કરી શકીએ છીએ.
આ પણ વાંચો – ગણેશ ચતુર્થી ક્યારે છે? જાણો ગણપત્તિ બાપ્પાના સ્થાપનાની તારીખ અને પૂજા વિધિ
મોટું પેટ (Large Belly)
પ્રતીક: મોટું પેટ બધી સારી અને ખરાબ વસ્તુઓને પચાવવાની ક્ષમતા દર્શાવે છે.
મહત્વ: તે આપણને શીખવે છે કે જીવનમાં આવતા સુખ-દુઃખ, માન-અપમાન અને સફળતા-નિષ્ફળતાને સમાનતાથી સ્વીકારવા જોઈએ. કોઈ પણ પરિસ્થિતિમાં શાંત રહેવું તે સાચા જ્ઞાનનું પ્રતીક છે.
વાહન અને તેનું મહત્વ
ભગવાન ગણેશનું વાહન એક નાનો મૂષક (ઉંદર) છે. આ જોડી વિચિત્ર લાગે કારણ કે એક વિશાળ શરીરવાળા દેવતા અને એક નાનકડું વાહન. આ પાછળ એક પ્રતિકાત્મક રહસ્ય છુપાયેલું છે. મૂષક લોભ, સ્વાર્થ અને અહંકારનું પ્રતીક છે. ગણેશજીનું મૂષક પર સવાર થવું એ દર્શાવે છે કે તેમણે આ બધી નકારાત્મક ભાવનાઓ પર વિજય મેળવ્યો છે. તે આપણને શીખવે છે કે વ્યક્તિએ પોતાના પર કાબૂ રાખીને જ્ઞાન અને આધ્યાત્મિકતાના માર્ગે આગળ વધવું જોઈએ.
આ પણ વાંચો – Ganesh Chaturthi 2025: ગણેશ ચતુર્થી ક્વિઝ રમો, ભગવાન ગણેશ વિશે 20 પ્રશ્નો અને જવાબો
પ્રથમ પૂજાનું રહસ્ય
એક દંતકથા અનુસાર એકવાર દેવતાઓમાં શ્રેષ્ઠતાની સ્પર્ધા યોજાઈ. બધા દેવતાઓને આખી પૃથ્વીનું ચક્કર લગાવીને પાછા આવવાનું કહેવામાં આવ્યું. બધા દેવતા પોતપોતાના વાહન પર સવાર થઈને નીકળી પડ્યા. ગણેશજીએ આ સ્પર્ધામાં ભાગ લેવાને બદલે પોતાના માતા-પિતા, શિવ-પાર્વતીની સાત વાર પરિક્રમા કરી હતી. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેમણે આવું કેમ કર્યું, ત્યારે ગણેશજીએ કહ્યું કે તેમના માટે આખી દુનિયા તેમના માતા-પિતામાં સમાયેલી છે. ગણેશજીની આ ભક્તિ અને બુદ્ધિથી પ્રસન્ન થઈને શિવજીએ તેમને સૌપ્રથમ પૂજનીય દેવતા તરીકેનું વરદાન આપ્યું હતું.
એક દંત
ભગવાન ગણેશને ‘એકદંત’ તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે તેમનો એક જ હાથીદાંત છે. પૌરાણિક કથાઓ અનુસાર, મહર્ષિ વેદવ્યાસ મહાભારતની રચના કરવા તૈયાર થયા ત્યારે તેમને એવા લેખકની જરૂર હતી જે ઝડપથી લખી શકે. આ કાર્ય માટે ગણેશજીની પસંદગી થઈ. શરત એ હતી કે વેદવ્યાસ એક પણ સેકન્ડ માટે અટક્યા વગર બોલશે અને ગણેશજીએ લખતા રહેવું પડશે. લખતી વખતે જ્યારે તેમની કલમ તૂટી ગઈ, ત્યારે ગણેશજીએ સમય બગાડ્યા વગર પોતાનો એક દંત તોડીને તેનો કલમ તરીકે ઉપયોગ કર્યો. આ ઘટના દર્શાવે છે કે તેઓ જ્ઞાન માટે કોઈ પણ બલિદાન આપવા તૈયાર હતા.
ડિસ્ક્લેમર– આ લેખમાં આપેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે. તેના સાચા અને સાબિત હોવાની અધિકૃતતા આપી શકતા નથી. કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા, કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ લો.