Good Friday 2025 Date And History News In Gujarati: ગડ ફ્રાઇડ ઈસાઈ ધર્મનો પવિત્ર તહેવાર છે. આ વખતે ગુડ ફ્રાઈડે 18 એપ્રિલ, 2025ના રોજ ઉજવવામાં આવશે. પ્રભુ ઈસુ ખ્રિસ્તને સમર્પિત આ દિવસની લાંબા સમયથી ખ્રિસ્તી સમુદાયના લોકો રાહ જોતા હતા. આ દિવસે ચર્ચમાં વિશેષ પ્રાર્થના સભાઓનું આયોજન કરવામાં આવે છે. લોકો ઉપવાસ, મૌન રાખે અને ધ્યાન કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે માનવતાનો સંદેશો ફેલાવવાનું કામ કર્યું હતું. તેમણે લોકોને પ્રેમ, ક્ષમા અને બલિદાન દ્વારા મુક્તિનો માર્ગ બતાવવાનો પ્રયાસ કર્યો. આ
ગુડ ફ્રાઇડેનો દિવસ આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેમ અને બલિદાનની યાદ અપાવે છે. દુ:ખદ હોવાની સાથે સાથે આ દિવસને મોક્ષ અને આશાનું પ્રતિક પણ માનવામાં આવે છે. માન્યતા મુજબ શુક્રવારના રોજ પ્રભુ ઈસુ ખ્રિસ્તને વધસ્તંભ પર ચડાવવામાં આવ્યા હતા. તેના બે દિવસ બાદ રવિવારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ફરી જીવીત થયા હતા. તેથી, ગુડ ફ્રાઇડે પછીનો રવિવાર ઇસ્ટર 2025 તરીકે ઓળખાય છે. આવો જાણીએ તેની સાથે જોડાયેલો ઈતિહાસ.
ગુડ ફ્રાઈડે તેનું નામ કેવી રીતે પડ્યું?
ગુડ ફ્રાઈડે એ દિવસને સમર્પિત છે જ્યારે ઈસુ ખ્રિસ્તને યહૂદી શાસકો દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવ્યા બાદ તેમને વધસ્તંભ પર ચડાવવામાં આવ્યા હતા. એવું કહેવામાં આવે છે કે શુક્રવાર એ દિવસ હતો જ્યારે પ્રભુ ઈસુને વધસ્તંભ પર ચડાવવામાં આવ્યા હતા. એટલા માટે આ શુક્રવારને ‘ગુડ ફ્રાઈડે’ કહેવામાં આવે છે. આ દિવસને હોલી ડે, બ્લેક ફ્રાઇડે અને ગ્રેટ ફ્રાઇડે તરીકે પણ ઓળખવામાં આવે છે. તેને સારપ કહેવામાં આવે છે, કારણ કે, જૂના અંગ્રેજીમાં સારપનો અર્થ થાય છે પવિત્ર (Holy).
ગુડ ફ્રાઈડેનો ઇતિહાસ
પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ બેથલેહેમમાં થયો હતો. તેઓ સમાજના કુરિવાજો દૂર કરવા માટે ધર્મના માર્ગે ચાલીને લોકોને માનવતાના પાઠ ભણાવવા માંગતા હતા. પરંતુ ખરાબ લોકોને તે ગમ્યું નહીં. તેઓએ ઈસુ ખ્રિસ્ત વિરુદ્ધ અફવાઓ ફેલાવવાનું શરૂ કર્યું. આ આરોપોને કારણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને વધસ્તંભ પર ચડાવવામાં આવ્યા હતા. ખ્રિસ્તીઓના પવિત્ર ગ્રંથ બાઇબલમાં પણ કહેવામાં આવ્યું છે કે, ઈસુ ખ્રિસ્તને લગભગ 6 કલાક સુધી ખિલ્લા લગાવવામાં આવ્યા હતા અને પછી તેમને ફાંસી આપવામાં આવી હતી. ઈસાઈ ધર્મની માન્યતા અનુસાર ઈસુનું આ બલિદાન માનવતાને નવું જીવન આપે છે.
બાઇબલ પ્રમાણે ઈસુ ખ્રિસ્તને વધસ્તંભ પર ચડાવવામાં આવતા હતા ત્યારે પણ ઈસુ પ્રાર્થના કરતા હતા કે હે પ્રભુ આમને માફ કરજો, કારણ કે તેઓ અજ્ઞાની છે અને તેઓ જાણતા નથી કે તેઓ શું કરી રહ્યા છે. ખ્રિસ્તી ધર્મમાં ઈસુ ખ્રિસ્તની આ દયાળુ સ્વભાવને યાદ કરવામાં આવે છે અને લોકોને માફ કરવાનો સંદેશ આપવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ એ છે કે મનુષ્ય પણ ઈસુ ખ્રિસ્તની જેમ લોકોને માફ કરવાની અને દયા કરવાની ભાવના ઉત્પન કરે.





