Guru Nanak Jayanti 2024 Date and History: શીખ ધર્મના પ્રથમ ગુરુ, ગુરુ નાનક દેવ જી ના જન્મદિવસે ગુરુ નાનક જયંતિ ઉજવવામાં આવે છે. ગુરુ નાનક જયંતિને ગુરુ પર્વ અથવા પ્રકાશ પર્વ તરીકે પણ ઓળખવામાં આવે છે. હિન્દુ કેલેન્ડર અનુસાર આ તહેવાર દર વર્ષે કારતક મહિનાની પૂનમના દિવસે આનંદ અને આદર સાથે ઉજવવામાં આવે છે.
દિવાળીના લગભગ 15 દિવસ બાદ આવી રહેલો આ દિવસ શીખ સમુદાયનો સૌથી મોટો તહેવાર છે. આ દિવસે ગુરૂદ્વારામાં ભજન કીર્તનની સાથે લંગરનું આયોજન કરવામાં આવે છે. ગુરુ નાનક દેવજીનો જન્મ 1469માં થયો હતો અને ત્યારથી દર વર્ષે તેમની જન્મજયંતિ ઉજવવામાં આવે છે. આવો જાણીએ કે આ વર્ષે ગુરુનાનક જયંતિ ક્યારે ઉજવવામાં આવશે અને સાથે જ તેનો ઈતિહાસ અને મહત્વ પણ જાણીએ.
ગુરુનાનક જયંતિ ક્યારે ઉજવાશે?
આ વર્ષે ગુરુ નાનક જયંતિ 15 નવેમ્બર 2024 ના રોજ ઉજવવામાં આવશે. દિવસ સવારે 6:19 વાગ્યે શરૂ થશે અને બીજા દિવસે એટલે કે 16 નવેમ્બર, 2024 ના રોજ સવારે 2:58 વાગ્યા સુધી ચાલશે. આ ગુરુ નાનક દેવજીની 555મી જન્મજયંતિ હશે. ધાર્મિક માન્યતાઓ અનુસાર ગુરુ નાનકનો જન્મ વર્ષ 1469માં કાર્તિક પૂર્ણિમાના દિવસે થયો હતો.
ગુરુ નાનક જયંતિને પ્રકાશ પર્વ તરીકે કેમ ઉજવવામાં આવે છે?
ગુરૂદ્વારામાં ભજન, કીર્તન અને લંગર સાથે ગુરુ નાનક જયંતિની ઉજવણી કરવામાં આવે છે. આ ઉપરાંત થોડા દિવસો પહેલા પ્રભાતફેરીઓ નીકળે છે, જેમાં લોકો વહેલી સવારે ભજન ગાતા-ગાતા ભક્તોના ઘરે જાય છે. આ ગુરુ નાનકજીના વિચારો અને ઉપદેશોનો પ્રચાર કરવાનો એક માર્ગ છે, જેથી દરેકને તેમના સંદેશનું જ્ઞાન મળી શકે. તેને પ્રકાશ પર્વ એટલા માટે કહેવામાં આવે છે કારણ કે ગુરુ નાનક જી એ સમાજમાં જ્ઞાન અને સત્યનો પ્રકાશ ફેલાવવાનું કામ કર્યું હતું.
આ પણ વાંચો – દેવ દિવાળી શુભેચ્છા સંદેશ, આ મેસેજ મોકલી પ્રિયજનોને કારતક પૂનમની શુભકામના પાઠવો
તેમના ઉપદેશોએ લોકોને સાચો માર્ગ બતાવ્યો અને સત્ય, પ્રામાણિકતા અને સેવાની ભાવના સાથે જીવન જીવવાનું શીખવ્યું. એવું કહેવામાં આવે છે કે જે પણ વ્યક્તિ ગુરુ નાનક દેવજીની વાતો પર ચાલે છે તે પોતાનું જીવન સુખ અને શાંતિ સાથે વિતાવે છે.
ગુરુ નાનક જયંતિનું મહત્વ
આ તહેવારનું સાચું મહત્વ ગુરુ નાનક દેવજીએ બતાવેલા માર્ગને અનુસરવાનું છે. તેમણે જીવનભર સમાનતા, સેવા અને પ્રેમનો સંદેશો ફેલાવ્યો હતો. આજના દિવસે લોકો નાત-જાત અને ધર્મના ભેદભાવને ભૂલીને એકબીજા સાથે ભાઈચારા અને પ્રેમની પ્રતિજ્ઞા લે છે.
ડિસ્ક્લેમર– આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે શાસ્ત્રો જેવા વિવિધ માધ્યમોમાંથી આ માહિતી એકત્ર કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ માત્ર માહિતી પહોંચાડવાનો છે. અમે તેના સાચા અને સાબિત થવાની પ્રામાણિકતા આપી શકતા નથી. કૃપા કરીને તેનો કોઈપણ રીતે ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.