Guru Purnima 2025 : હિંદુ ધર્મમાં ગુરૂ પૂર્ણિમાનું વિશેષ મહત્વ છે. હિંદુ પંચાંગ મુજબ દર વર્ષે અષાઢ મહિનાના પૂનમના દિવસે ગુરુ પૂર્ણિમા મનાવવામાં આવે છે. આ તિથિ અષાઢ પૂર્ણિમા, વ્યાસ પૂર્ણિમા અને વેદ વ્યાસ જયંતિ તરીકે પણ ઓળખાય છે. તેમજ આ દિવસે બ્રહ્મસૂત્ર, મહાભારત, શ્રીમદ્ ભાગવત અને અઢાર પુરાણો જેવા અદ્ભુત સાહિત્યની રચના કરનાર મહાન ગુરુ મહર્ષિ વેદ વ્યાસનો જન્મ થયો હતો.
ગુરૂ પૂર્ણિમાના દિવસે લોકો પોતાના તમામ ગુરૂઓને નમન કરે છે અને તેમના આશીર્વાદ મેળવે છે. ભારતીય સંસ્કૃતિમાં ગુરુને ભગવાન કરતાં પણ ઊંચું સ્થાન આપવામાં આવ્યું છે, કારણ કે ગુરુ શિષ્યને જ્ઞાનનો માર્ગ બતાવે છે.
આ વર્ષે ગુરૂ પૂર્ણિમા 10 જુલાઈના રોજ છે. ગુરુવારે ગુરુ પૂર્ણિમા આવવાને કારણે તેનું મહત્વ વધી રહ્યું છે. આ ઉપરાંત આ દિવસે ઇન્દ્રયોગ અને વૈધૃતિ યોગનો શુભ સંયોગ પણ રચાઈ રહ્યો છે. જેના કારણે આ દિવસનું મહત્વ વધુ વધી ગયું છે. આવો જાણીએ દાન-સ્નાનનું શુભ મુહૂર્ત અને મહત્વ.
ગુરુ પૂર્ણિમા તિથિ 2025
જ્યોતિષ પંચાગ પ્રમાણે અષાઢ મહિનાની પૂર્ણિમા તિથિની શરૂઆત 10 જુલાઈના રોજ રાત્રે 01.37 વાગ્યે શરૂ થશે અને બીજા દિવસે એટલે કે 11 જુલાઈએ રાત્રે 02.07 વાગ્યે સમાપ્ત થશે. આ રીતે 10 જુલાઈના રોજ ગુરૂ પૂર્ણિમાનો તહેવાર મનાવવામાં આવશે.
આ પણ વાંચો – ભૂલથી પણ રસોડામાં આ 5 વસ્તુઓ ના રાખો, આર્થિક નુકસાન થઈ શકે છે
દાન-સ્નાન માટે શુભ મુહૂર્ત
ગુરુ પૂર્ણિમા પર સ્નાન અને દાન માટેનું બ્રહ્મ મુહૂર્ત સવારે 04:10 થી 04:50 વાગ્યા સુધી રહેશે.
ગુરુ પૂર્ણિમા 2025 શુભ મુહૂર્ત
- બ્રહ્મ મુહૂર્ત: સવારે 4:10-4:50
- અભિજિત મુહૂર્ત: સવારે 11:59–12:54
- વિજય મુહૂર્ત: બપોરે 12:45-3:40
- ગોધૂલિ મુહૂર્ત: સાંજે 7:21-7:41
બની રહ્યા છે આ શુભ યોગ
ગુરૂ પૂર્ણિમાના દિવસે ચંદ્ર ધનુ રાશિમાં સંચરણ કરશે. આ સાથે જ આ દિવસે ઇન્દ્ર અને વૈધૃતિ યોગ પણ બની રહ્યા છે.
ગુરુ પૂર્ણિમાનું મહત્વ
ગુરૂ પૂર્ણિમાના દિવસે તમામ ગુરૂઓને નમન કરવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર ભગવાન વેદ વ્યાસનો જન્મ અષાઢ મહિનાની પૂર્ણિમાના દિવસે થયો હતો. તેથી આ તિથિએ ગુરૂ પૂર્ણિમાનો તહેવાર મનાવવામાં આવે છે. વેદ વ્યાસે અનેક વેદો અને પુરાણોની રચના કરી હતી. આ ખાસ અવસર પર ભગવાન વિષ્ણુ, માતા લક્ષ્મી અને વેદ વ્યાસજીની પૂજાનું વિશેષ મહત્વ છે. સાથે જ આપણા જીવનમાં ગુરુનું મહત્વ સમજાવવા માટે ગુરુ પૂર્ણિમાનો તહેવાર ઉજવવામાં આવે છે. ગુરૂ પૂર્ણિમાના દિવસે લોકો પોતાના ગુરૂઓને ભેટ-સોગાદો આપે છે અને તેમના આશીર્વાદ લે છે.