હમુમાનજીને કળિયુગના દેવ માનવામાં આવે છે અને તેમની સેવા-પૂજાથી બળ-બુદ્ધની પ્રાપ્તિની સાથે સાથે તમામ મનોકામનાની પૂર્તિ થતી હોવાની માન્યતા છે. હિન્દુ પંચાંગ અનુસાર ચૈત્ર સુદ પુનમને હનુમાનજીનો અવતરણ દિવસ મનાય છે અને આથી જ આ દિવસને હનુમાન જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. ભારતભરમાં હનુમાનજીના ઘણા પ્રસિદ્ધ અને ચમત્કારી મંદિરો આવેલા છે, જેમાં ગુજરાતના ભાવનગર સ્થિત સાળંગપુરના શ્રીકષ્ટભંજન દેવની પણ મહિમા અપરંપાર છે. ચાલો જાણીયે સાળંગપુરના હનુમાનજી મંદિરના ઇતિહાસ અને તેના મહિમા વિશે
સાળંગપુર શ્રીકષ્ટભંજન દેવ હનુમાન મંદિરનો ઇતિહાસ
સાળંગુપુરના શ્રીકષ્ટભંજન દેવ હનુમાન મંદિરનો ઇતિહાસ લગભગ 175 વર્ષ જૂનો છે. આ મંદિરમાં શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા વિક્રમ સંવત 1905માં આસો વદ પાંચના રોજ થઇ હતી. ત્યારથી લઇ આજન દિન સુધી વીર બજરંગબલી ભક્તોના કષ્ટ દૂર કરી રહ્યા છે. સાળંગપુરના વિશ્વ વિખ્યાત શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરના ઇતિહાસની વાત કરીયે તો આ મૂર્તિ અત્યંત ચમત્કારીક માનવામાં આવે છે.

સાળંગપુર હનુમાન મંદિરના નિર્માણ પાછળ એક રોચક ઇતિહાસ છે. સ્વામિનારાયણ ભગવાન અંતધ્યાન થયા બાદ તેના અનુયાયી ગોપાળાનંદ સ્વામી સત્સંગ-ભક્તિના પ્રસાર અર્થે ભાવનગરના બોટાદ ગામે પધાર્યા હતા. હરિસંત પધાર્યાના સમાચાર મળતા સાળંગપુરના દરબાર વાઘા ખાચર દર્શેનાથે પહોંચ્યા. દરબારે સંત સમક્ષ પોતાની વ્યથા વ્યક્ત કરતા કહ્યું કે, ગામમાં 3-3 વહરથી વરસાદ પડ્યો નથી અને ગામની આર્થિક સ્થિતિ ન હોવાથી સાધુ-સંતો પણ પધરામણી કરતા નથી. આપ એવી કૃપા કરો તો સંતો અમારે ત્યાં પધરામણી કરે.
દરબારની મનોવ્યથા સાંભળીને ગોપાળાનંદ સ્વામી કહ્યું કે, આપનું સંકટ દૂર કરવા તમને એવા દેવા આપીશ જે સમસ્ત જગતનું કલ્યાણ અને મનોકામના પુરી કરશે. તેમણે સાળંગપુર ગામના પાદરે એક શિલા પર પોતાના હાથેથી હનુમાનજીની છબી દોરી. ત્યારબાદ કાના કડિયાને બોલાવી તે શિલામાંથી મૂર્તિ કંડારવામાં આવી અને મંદિરનું નિર્માણ કરાવ્યું.

પ્રાણ પ્રતિષ્ઠા માટે રૂડો દિવસ નિર્ધારિત કરાયો
આ ભવ્ય મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા માટે ગોપાળાનંદ સ્વામીએ વિક્રમ સંવત 1905 આસો વંદ પાંચનો દિવસ નિર્ધારિત કર્યો અને સાધુ-સંતો – હરિ ભક્તોની હાજરીમાં આ મહાન કાર્યનો આરંભ કર્યો. આ ભવ્ય મહોત્સવમાં વેદોકતવિધિથી શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજની આ મૂર્તિની સ્થાપના કરી. નૈષ્ઠિક વ્રતધારી શુકમુનિ તથા ગોવિંદાનંદ સ્વામી પાસે પ્રતિષ્ઠાની આરતી ઊતરાવી.
અને મૂર્તિ થર થર થર ધ્રૂજવા લાગી…
આરતી સમયે ગોપાળાનંદ સ્વામી એક લાકડીને પોતાની દાઢી સાથે ટેકવીને મૂર્તિ સામે ત્રાટક વિધિ કરી રહ્યા હતા અને સંકલ્પ કર્યો કે, આ મૂર્તિમાં હનુમાનજી મહારાજ આવિર્ભાવ થાઓ ! ત્યારે શાસ્ત્રો- પુરાણોમાં વર્ણવેલા હનુમાનજી નામે બાવન વીરો આ મૂર્તિમાં પ્રવેશ કરવા તૈયાર થયા. દિવ્ય દૃષ્ટિવાળા સ્વામીએ સમાધિયોગમાં શ્રીજીના સંકેત દ્વારા વીરોને જોઈને ઉદ્બોધન સાથે વિવેકપૂર્ણ વાણીમાં કહ્યું કે,હે વીરો ! દિવ્ય શકિતવાળા આપ સૌમાંથી જેમણે ત્રેતાયુગમાં શ્રીરામચંદ્ર ભગવાનની તથા હાલ કળીકાળમાં પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુની સેવા જે નિષ્કામ ભાવનાથી કરી છે એવા હે હનુમંત મહાવિર ! આપ પધારો અને આ મૂર્તિમાં સદા પ્રગટ બિરાજો.
ગોપાળાનંદ સ્વામીની અરજીથી શ્રી રામદૂત હનુમાનજી મહારાજે તત્કાળ મૂર્તિમાં આવિર્ભાવ પામતાની સાથે જ આ મૂર્તિ થર થર થર ધ્રૂજવા લાગી. સ્વામીશ્રીએ આપેલા અપાર સામર્થ્યને જાણે પોતાનામાં સમાવતા મારૂતિનંદન હસવા લાગ્યા.
તંત્ર-મંત્ર, ભૂત-પ્રેત, વળગાડ સર્વ પ્રકારના કષ્ટોને હરનારા શ્રી કષ્ટભંજન દેવ
સર્વસુખદાતા ગોપા સ્વામીએ શ્રી હનુમાનજી મહારાજને વિનંતી કરી કે, આપના ચરણે આવેલા હરકોઈ મનુષ્યોનાં દુઃખ દૂર કરજો, મૂઠ-ચોટ-ડાંકણ-શાકણ-મલીન મંત્ર-તંત્ર-ભૂત-પ્રેત-ભૈરવ-બ્રહ્મરાક્ષસ-ચૂડેલ-પિશાચ વગેરેના પાશથી પીડીતોને સર્વ પ્રકાર મુકત કરીને સર્વેનો ઉદ્ઘાર કરજો. ત્યારબાદ બાદ પણ મૂર્તિ ધ્રૂજતી રહી. તો ભકતોએ સ્વામીને પ્રાર્થના કરી કે, બાજુમાં ગાઢપુરપતિ શ્રી ગોપીનાથજી મહારાજ તથા ધોલેરાના શ્રી મદનમોહનજી મહારાજનું માહાત્મ્ય ઘટી જશે, માટે પ્રગટ સામર્થ્યથી ધ્રૂજતી બંધ કરો. ગોપાળાનંદ સ્વામીએ કહ્યું કે, સર્વના કષ્ટને હરનાર દેવ પધરાવ્યા છે, આથી તેઓ કષ્ટભંજન દેવ એવા શુભ નામે ઓળખાશે.
આજે દેશ-વિદેશમાં સાળંગપુરવાળા હનુમાન દાદાની ખ્યાતી ફેલાયેલી છે અને દર વર્ષે લાખો લોકો દર્શને આવે છે. આ મંદિરમાં મંગળવાર અને શનિવાર ઉપરાંત હનુમાન જયંતિ, કાળી ચૌદસ, દિવાળી ઉપરાંત ઘમા વાર-તહેવારોએ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ દર્શન કરવા આવે છે.





