Guru Gobind Singh Jayanti 2024 Hindi Wishes Images, Quotes, Status, Messages: ગુરુ ગોવિંદ સિંહ શિખ ધર્મના 10માં અને છેલ્લા ગુરુ હતા. દર વર્ષે પોષ વદની સાતમ તિથિના રોજ ગુરુ ગોવિંદ સિંહની જન્મજયંતિ ઉજવવામાં આવે છે. આ વખતે ગુરુ ગોવિંદ સિંહની 17 જાન્યુઆરી, 2024 બુધવારના રોજ તેમની 357મી જન્મજયંતિ ઉજવવામાં આવશે.
ગુરુ ગોવિંદ સિંહની જન્મજયંતિની ઉજવણીને લઇ ગુરુદ્વારામાં વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. ગુરુ ગોવિંદ સિંહનો જન્મ 22 ડિસેમ્બર, 1666ના રોજ બિહારના પટના શહેરમાં થયો હતો. તેમના પિતાનું શિખ ધર્મના નવમાં ગુરુ શ્રી ગુરુ તેગ બહાદુર અને માતા ગુજરી દેવી હતા. પટનાના જે ઘરમાં તેમનો જન્મ થયો હતો તે હાલ તખત શ્રી હરિમંદર જી પટના સાહિબ ગુરુદ્વારા બની ગયું છે.
વર્ષ 1670માં ગુરુ ગોવિંદ સિહનો પરિવાર પંજાબ આવ્યો. તેમણે ફારસી, સંસ્કૃતની શિક્ષા મેળવી અને એક યોદ્ધા બનવા માટે સૈન્ય તાલીમ પણ લીધી હતી. ઔરંગઝેબે ઇસ્લામ ન સ્વીકારવાને કારણે 11 નવેમ્બર 1675ના રોજ, દિલ્હીના ચાંદની ચોકમાં જાહેરમાં ગુરુ ગોવિંદ સિંહના પિતા ગુરુ તેગ બહાદુરનું શિરચ્છેદ કરાવ્યુ હતું. આમ ધર્મ માટે તેમના એ પોતાના જીવનનું બલિદાન કર્યું હતુ. ત્યારબાદ 29 માર્ચ 1676ના રોજ ગોવિંદ સિંહને શિખ ધર્મના દસમા ગુરુ જાહેર કરવામાં આવ્યા હતા.
શિખ ધર્મના 10મા ગુરુ બન્યા પછી પણ તેમનું શિક્ષણ ચાલુ રહ્યું હતું. વર્ષ 1684માં તેમણે ચંડી દી વારની રચના કરી. વર્ષ 1685 સુધી તેઓ યમુના નદીના કિનારે પાઓંટા નામના સ્થળે રહેતા હતા.
ગુરુ ગોવિંદ સિંહને ત્રણ પત્નીઓ હતી. 21 જૂન, 1677 ના રોજ, 10 વર્ષની ઉંમરે, તેમના લગ્ન આનંદપુરથી 10 કિલોમીટર દૂર બસંતગઢમાં માતા જીતો સાથે થયા હતા. તેમને 3 પુત્રો હતા – જુઝાર સિંહ, જોરાવર સિંહ, ફતેહ સિંહ. ત્યારબાદ 4 એપ્રિલ, 1684ના રોજ, 17 વર્ષની વયે, તેમના બીજા લગ્ન આનંદપુરમાં માતા સુંદરી સાથે થયા. તેમને એક પુત્ર હતો જેનું નામ અજીત સિંહ હતું. તો 15 એપ્રિલ, 1700ના રોજ, 33 વર્ષની ઉંમરે, તેમણે માતા સાહેબ દેવન સાથે ત્રીજા લગ્ન કર્યા. અલબત્ત, ત્રીજા લગ્નથી તેમને કોઇ સંતાન ન હતું, પરંતુ શીખ ધર્મમાં તેમનો સમયગાળો પણ ખૂબ પ્રભાવશાળી હતો.
ગુરુ ગોવિંદ સિંહે ખાલસા પંથની સ્થાપના કરી હતી. ગુરુ ગોવિંદ સિંહ જીના નેતૃત્વએ શીખ સમુદાયના ઈતિહાસમાં ઘણી બાબતો ઉમેરાઇ હતી. વર્ષ 1699માં વૈસાખીના દિવસે તેમણે ખાલસા પંથની રચના કરી, જે ઔપચારિક રીતે શિખ ધર્મના અનુયાયીઓનું સામૂહિક સ્વરૂપ છે. આ સાથે તેમણે ખાલસા પંથના અનુયાયીઓ માટે પાંચ ‘ક’નું મહત્વ સમજાવ્યું અને કેશ, કંઘા, કડા, કિરપાણ, કચેરા રાખવું ફરજિયાત બનાવ્યું.
શિખ ધર્મના યોદ્ધાઓ અને મુઘલ સૈન્ય વચ્ચે 8 મે, 1705ના રોજ મુક્તસર નામના સ્થળે ભયંકર યુદ્ધ થયું, જેમાં ગુરુ ગોવિંદ સિંહનો વિજય થયો. ઔરંગઝેબના મૃત્યુ પછી, ગુરુ ગોવિંદ સિંહે બહાદુરશાહને સમ્રાટ બનવામાં મદદ કરી. ગુરુજી અને બહાદુર શાહ વચ્ચેના સંબંધો ખૂબ જ સૌહાર્દપૂર્ણ હતા. સરહદના નવાબ વજિત ખાન આ સંબંધથી ગભરાઇ ગયો હતો. તેથી તેણે બે પઠાણોને ગુરુ ગોવિંદની પાછળ મોકલ્યા. આ પઠાણોએ વિશ્વાસઘાત કરી ગુરુ ગોવિંદ સિંહ પર જીવલેણ હુમલો કર્યો. આ હુમલામાં ગુરુ ગોવિંદ સિંહ જી 7 ઓક્ટોબર 1708ના રોજ નાંદેડ સાહિબમાં દિવ્ય જ્યોતિમાં લીન થઇ ગયા.
આ પણ વાંચો | 17 જાન્યુઆરીએ ગર્ભગૃહમાં પ્રવેશ, પૂજન, મંત્રોચ્ચાર.. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ
ગુરુ ગોવિંદ સિંહે શીખ ધર્મના લોકોને ગુરુ ગ્રંથ સાહિબને તેમના ગુરુ તરીકે સ્વીકારવા જણાવ્યુ હતુ. ગુરુ ગોવિંદ સિંહ બાદ માધોદાસ, જેમને ગુરુજીએ શીખ બનાવ્યા અને તેનું નામ બંદાસિંહ બહાદુર રાખ્યું, તેમણે સરહદ પર હુમલો કર્યો અને હુમલાઓની ઇંટથી ઇંટથી બજાવી દીધી હતી. ગુરુ ગોવિંદ સિંહ શીખ ધર્મના 10માં ગુરુ હોવાની સાથે સાથે તેઓ એક મહાન યોદ્ધા, કવિ, ભક્ત અને આધ્યાત્મિક નેતા, મૌલિક ચિંતક તેમજ સંસ્કૃત, બ્રજ, ફારસી સહિત ઘણી ભાષાના જાણકાર હતા.