Mansa Devi Temple in Haridwar: હિંદુ ધર્મમાં દેવી-દેવતાઓની વિવિધ સ્વરૂપે પૂજા કરવામાં આવે છે, મુખ્ય દેવીઓમાંની એક છે મા મનસા. આ મંદિર પ્રસિદ્ધ શક્તિપીઠોમાંનું એક છે. સાથે જ માતા મનસાને ભગવાન શિવની પુત્રી અને સર્પ રાજા વાસુકીની બહેન માનવામાં આવે છે. મનસા દેવીનું પ્રસિદ્ધ મંદિર હરિદ્વારમાં શિવાલિક પર્વતમાળાના ઊંચા શિખર પર આવેલું છે. આ મંદિરમાં દેવીની બે દિવ્ય મૂર્તિઓ છે. એક મૂર્તિને ત્રણ મુખ અને પાંચ હાથ છે, જ્યારે બીજી મૂર્તિને આઠ હાથ છે.
માન્યતા છે કે જે પણ ભક્ત આ શક્તિપીઠમાં આવે છે અને સાચી ભક્તિથી પ્રાર્થના કરે છે, માતાજી પ્રસન્ન થાય છે અને તેમની બધી મનોકામનાઓ પૂર્ણ કરે છે. આ જ કારણ છે કે દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ આ મંદિરના દર્શન કરવા આવે છે. આવી સ્થિતિમાં, ચાલો આપણે હરિદ્વાર સ્થિત મનસા દેવી શક્તિપીઠના મહિમા વિશે જાણીએ.
હરિદ્વારનું શક્તિપીઠ મનસા દેવી મંદિર
માતા મનસા દેવીનું મંદિર હરિદ્વારથી લગભગ 3 કિમી દૂર શિવાલિક પર્વતમાળાના બિલવા પર્વતની ટોચ પર આવેલું છે. ધાર્મિક માન્યતા મુજબ કોઇ ભક્ત આ મંદિરમાં જે ઇચ્છા લઇને આવે છે, દેવી માતા તેની મનોકામના પૂર્ણ કરે છે. તમને જણાવી દઇયે ક્, મનસા દેવી મંદિર ભારતના 52 શક્તિપીઠમાં સામેલ છે. પહાડ પર આવેલા મંદિર સુધી પહોંચવા માટે લગભગ દોઢ કિમી જેટલી સીડીઓ ચઢવી પડે છે. અહીં ભક્તોની સુવિધા માટે રોપ વેની સુવિધા પણ છે.
મનસા દેવીનો મહિમા
માન્યતા મુજબ માતા મનસા દેવી ભકતોની તમામ મનોકામના પૂર્ણ કરે છે. મનસા એટલે ઇચ્છા ઇચ્છા, અપેક્ષા. તેઓ ભક્તોની મનસા પૂર્ણ કરનાર કરે છે. આથી તેમને મનસા દેવી કહેવામાં આવે છે. મનસા દેવી મંદિરમાં જે ભક્ત સાચા મનથી માનતા માને છે, તેની તમામ મનોકામના પૂર્ણ થાય છે. મનોકામના પૂર્તિ માટે અહીં ઝાડની ડાળી પર એક પવિત્ર દોરો બાંધવામાં આવે છે. મનોકામના પુરી થયા બાદ ભક્તો અહીં આવી આ ડોરો ખોલે છે અને મનસા દેવીના આશીર્વાદ લે છે.
ભગવાન શંકરની પુત્રી મનસા દેવી
હિંદુ ધર્મની માન્યતા મુજબ ભગવાન શંકરની 3 પુત્રી છે, જેમા એક મનસા દેવી છે. મનસા દેવીને માતા પાર્વતીની સોતેલી પુત્રી માનવામાં આવે છે. કારણ કે, માતા પાર્વતીએ તેમનો જન્મ આપ્યો નથી. પૌરાણિક કથા મુજબ માતા મનસાનો જન્મ એવા સમયે થયો જ્યારે ભગવાન શિવનું વીર્ય સર્પોની માતા કદ્રૂની મૂર્તિ પર પડ્યું હતું. આથી દેવી મનસાને ભગવાન શિવની માનસ પુત્રી કહેવાય છે. તો અમુક પૌરાણિક ગ્રંથોમાં એવો પણ ઉલ્લેખ છે કે મનસા દેવીનો જન્મ ઋષિ કશ્યપના મસ્તક માંથી થયો હતો અને તેમની માતા કદ્રૂ હતી.
મનસા દેવીનું સ્વરૂપ કેવું છે?
મનસા દેવી ઉગ્ર સ્વભાવ ધરાવે છે. પરંતુ સાચા મનથી ભક્તિ કરનાર ભક્ત પર મનસા દેવીની વિશેષ કૃપા વરસે છે. માતા મનસા દેવી સામાન્ય રીતે સાપ અને કમળ પર બિરાજમાન હોય છે. જો કે કેટલાક સ્થળો પર તેમને હંસ પર બિરાજમાન દર્શાવાય છે. એવું માનવામાં આવે છે કે, સાત નાગ માતાજીની રક્ષા કરે છે, સાપ પર બિરાજમાન હોવાના કારણે તેમને નાગોની દેવી કહેવામાં આવે છે. માતાજીના ખોળામાં તેનો પુત્ર આસ્તિક દેવ બિરાજમાન છે. અમુક કથાઓ મુજબ માતા મનસાને વાસુકી નામથી પણ ઓળખવામાં આવે છે, કારણ કે તેઓ નાગરાજ વાસુકીની બહેન છે.