Jagannath Rath Yatra 2025 News In Gujarati: ઓરિસ્સા રાજ્યમાં પુરી સ્થિત પ્રસિદ્ધ જગન્નાથ મંદિર ખાતે પ્રતિ વર્ષ અષાઠ માસની સુદ બીજ તિથિએ ભગવાન જગન્નાથ રથયાત્રા નીકળે છે. જે એક દેશના મોટા ધાર્મિક ઉત્સવ પૈકીનો એક છે. આ વર્ષે શુક્રવાર, 27 જૂન 2025 ના દિવસે ભારે હર્ષોલ્લાસ સાથે રથયાત્રા શરુ થશે. ભાઇ બલરામ, બહેન સુભદ્ર સાથે ભગવાન જગન્નાથ નિજ મંદિરથી રથ પર સવાર થઇ પોતાના માસીના ઘરે ગુંડિચા મંદિર જશે.
પુરીની ભગવાન જગન્નાથની રથયાત્રા 12 દિવસ ચાલે છે. ભગવાન જગન્નાથ નંદીઘોષ રથ પર, બલરામ તાલધ્વજ રથ પર અને બહેન સુભદ્રા દર્પદલન રથ પર વિરાજમાન થાય છે. આ રથયાત્રા 27 જૂનથી શરુ થશે અને 8 જુલાઇએ નીલાદ્રી વિજય સાથે સમાપન થશે. 12 દિવસની રથયાત્રા દરમિયાન વિવિધ ધાર્મિક પૂજા, દર્શનનું ખાસ મહત્વ છે.
પુરી જગન્નાથ રથયાત્રા ક્યારે નીકળશે?
ભગવાન જગન્નાથ રથયાત્રા દર વર્ષે અષાઢ સુદ બીજના દિવસે નીકળે છે. આ વર્ષે પંચાગ અનુસાર અષાઢી બીજ 26 જૂન, 2025 બપોરે 1:24 વાગે શરુ થઇને 27 જૂન, 2025 સવારે 11:19 કલાક સુધી છે. જે હિસાબે આ વર્ષે રથયાત્રા 27 જૂન શુક્રવારે સવારે નીકળશે.
રથયાત્રા 2025 ખાસ કેમ છે?
જગન્નાથ રથયાત્રા 2025 શુભ સંયોગને લઇને ખાસ છે. આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ, પુનર્વસુ નક્ષત્ર અને પુષ્ય નક્ષત્ર જેવા શુભ સંગોય બની રહ્યા છે. આ દિવસે સવારે 5:25 થી સવારે 7:22 સુધી સર્વર્થ સિદ્ધિ યોગ છે. સવારે 7:22 સુધી પુનર્વસુ નક્ષત્ર છે અને એ પછી પુષ્ય નક્ષત્ર શરુ થાય છે. આ દિવસે સવારે 11:56 કલાકથી બપોરે 12:52 કલાક સુધી અભિજિત મુહૂર્ત છે.
જગન્નાથ રથયાત્રા 2025 સમગ્ર કાર્યક્રમ જાણો
રથયાત્રા ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રા સાથે સંકળાયેલો એક હિંદુ તહેવાર છે, જે ભારતભરમાં ગુજરાતી પંચાંગ પ્રમાણે અષાઢ સુદ બીજને દિવસે મનાવવામાં આવે છે. ભગવાન જગન્નાથનું મૂળ મંદિર ઑડિશાના જગન્નાથ પુરી શહેરમાં આવેલું છે. જ્યાં ભવ્યાતિભવ્ય રથયાત્રા નીકળે છે જે ઉત્સવ 12 દિવસ સુધી ચાલે છે.
27 જૂન, શુક્રવાર – રથયાત્રા શુભારંભ
ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રા ત્રણેય અલગ અલગ ભવ્ય રથમાં સવાર થઇને જગન્નાથ મંદિરથી નીકળશે અને ગુંડિચા મંદિર જશે. રથને પ્રસ્થાન કરાવતા પૂર્વે પુરીના રાજા છેરા પન્હારા વિધિ કરાશે છે અને સોનાના ઝાડુથી રથની સફાઇ કરે છે. રથયાત્રા શરુ થતાં મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉત્સાહભેર જોડાય છે અને રથ ખેંચે છે.
28 જૂન, શનિવાર – ગુંડિચા મંદિરે રોકાણ
જગન્નાથ મંદિરથી નીકળી ભગવાન જગન્નાથ રથયાત્રા માસી ગુંડિચા મંદિર પહોંચે છે. જ્યાં ભગવાન, ભાઇ બલરામ અને બહેન સુભદ્રા સાથે અહીં રોકાણ કરે છે. ભક્તો અહીં મોટી સંખ્યામાં દર્શનાર્થે આવે છે.
1 જુલાઇ, મંગળવાર – હેરા પંચમી
ભગવાન જગન્નાથ ગુંડિચા મંદિરમાં પાંચ દિવસ વીતાવે છે ત્યારે પાંચમા દિવસે દેવી લક્ષ્મી નારાજ થઇને ભગવાન જગન્નાથને મળવા અહીં આવે છે. આ ધાર્મિક વિધિને હેરા પંચમી તરીકે ઉજવવામાં આવે છે.
4 જુલાઇ, શુક્રવાર – સંધ્યા દર્શન
ગુંડિચા મંદિર ખાતે ભગવાનના દર્શનનું મહત્વ ઘણું છે. આ દિવસે ભગવાનના દર્શન માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે. ધાર્મિક માન્યતા મુજબ આ દિવસે જગન્નાથ, બલરામ અને સુભદ્રાના દર્શન કરવાનું શુભ માનવામાં આવે છે.
5 જુલાઇ, શનિવાર – બહુદા યાત્રા
આ દિવસે ભગવાન જગન્નાથ ગુંડિચા મંદિરથી નીકળી નિજ મંદિર પરત જવા નીકળે છે. જગન્નાથ, બલરામ અને સુભદ્રા પોતાના રથમાં સવાર થઇ પરત આવે છે જેને બહુદા યાત્રા કહેવામાં આવે છે. રસ્તામાં તેઓ મૌસી માના મંદિરે રોકાય છે. અહીં ભગવાનને ઓરિસ્સાની ખાસ મિઠાઇ પોડા પિઠા નો ભોગ ધરાવાય છે.
6 જુલાઇ, રવિવાર – સુના બેશા
આ દિવસ ભગવાનના આભૂષણ સાથે જોડાયેલો છે. આ દિવસે જગન્નાથ, બલરામ અને સુભદ્રા બહેનને સોનાના કિંમતી આભૂષણોથી સજાવવામાં આવે છે. આ ભવ્ય શૃંગાર જોવા હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ આવે છે.
ભગવાન જગન્નાથની મૂર્તિ અધુરી કેમ છે? વધુ વાંચો
7 જુલાઇ, સોમવાર – અધરા પના
આ દિવસે ભગવાનને વિશેષ મિઠાઇ અધરા પના અર્પિત કરવામાં આવે છે. માટીના એક મોટા ઘડામાં એને તૈયાર કરવામાં આવે છે. પાણી, દૂધ, સાકર અને અન્ય પરંપરાગત મસાલા ઉમેરીને આ ખાસ મિઠાઇ બનાવવામાં આવે છે.