Kali Chaudas 2025 : દિવાળી હિન્દુ ધર્મના સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે. પાંચ દિવસના આ તહેવારની શરૂઆત ધનતેરસથી થાય છે અને ભાઈબીજ સાથે સમાપ્ત થાય છે. દિવાળી આસો વદ અમાસના દિવસે ઉજવવામાં આવે છે. દિવાળીના એક દિવસ પહેલા છોટી દિવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસને નરક ચૌદસ, રૂપ ચૌદસ અથવા કાળી ચૌદસ તરીકે પણ ઓળખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન કૃષ્ણએ આ દિવસે નરકાસુરનો વધ કર્યો હતો.
કાળી ચૌદસ ક્યારે મનાવવામાં આવશે?
દર વર્ષે કાળી ચૌદસ આસો વદ ચૌદસના દિવસે ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે દેવી દુર્ગાના કાલી સ્વરૂપની ઉત્પતિ આ દિવસે થઇ હતી. તેથી આ દિવસે મા કાલીની પૂજા કરવાની વિશેષ જોગવાઈ છે. આ વર્ષે ચૌદસ તિથિ 19 ઓક્ટોબરના રોજ બપોરે 1:51 વાગ્યે શરૂ થશે અને 20 ઓક્ટોબરના રોજ બપોરે 3:44 વાગ્યે સમાપ્ત થશે. કેલેન્ડર મુજબ કાળી ચૌદસ 19 ઓક્ટોબરને રવિવારના રોજ ઉજવવામાં આવશે.
દિવાળીના એક દિવસ પહેલા આવતી હોવાથી તેને નાની દિવાળી પણ કહેવામાં આવે છે. આ દિવસે લોકો અકાળ મૃત્યુથી મુક્તિ મેળવવા માટે યમના નામે દીવા પ્રગટાવે છે. આ દિવસે હનુમાનની પૂજા કરવાનું પણ ખાસ મહત્વ છે.
કાળી ચૌદસ શુભ મુહૂર્ત
પંચાંગ મુજબ કાળી ચૌદસ કે નરક ચતુર્દશી તિથિ રવિવારને 19 ઓક્ટોબર 2025ના રોજ બપોરે 1:51 વાગ્યે શરૂ થાય છે અને સોમવારે 20 ઓક્ટોબર 2025 ના રોજ બપોરે 3:44 વાગ્યે સમાપ્ત થાય છે. આ દિવસે અભ્યંગ સ્નાનનું શુભ મુહૂર્ત સવારે 4:56 થી 6:08 વાગ્યા સુધી રહેશે. 19 ઓક્ટોબરની રાત્રે 11 : 41 થી રાત્રે 12:31 સુધી દીપદાન માટે શુભ મુહૂર્ત છે. આ દિવસે દીપદાન કરવાથી વ્યક્તિને નર્કના દુઃખમાંથી મુક્તિ મળે છે.
આ પણ વાંચો – દિવાળીના પાંચ દિવસના તહેવારનું સૂંપૂર્ણ કેલેન્ડર, જાણો તારીખ અને શુભ મુહૂર્ત
કાળી ચૌદસ 2025 પૂજા વિધિ
છોટી દિવાળી પર સૂર્યોદય સમયે તલના તેલથી સ્નાન કરવું જોઈએ. આમ કરવાથી ભગવાન શ્રીકૃષ્ણના આશીર્વાદ મળે છે. આ દિવસે ભગવાન હનુમાન અને ભગવાન યમનું પણ પૂજન કરવામાં આવે છે. સવારે સ્નાન કર્યા પછી ચૌકી પર લાલ કપડું પાથરો. આ પછી તેના પર ભગવાન હનુમાનની મૂર્તિ સ્થાપિત કરો. હનુમાન ચાલીસાનો પાઠ કરો અને ભગવાનને હલવો અર્પણ કરો. આ પછી ભગવાન કૃષ્ણની પૂજા કરો અને આરતી કરો. પછી રાત્રે ઘરની બહાર દક્ષિણ તરફ મુખ કરીને યમ દેવના નામે એક દીવો પ્રગટાવો.
ભગવાન કૃષ્ણએ નરકાસુરનો વધ કર્યો હતો
આ સાથે બીજી એક ધાર્મિક માન્યતા ભગવાન કૃષ્ણ સાથે જોડાયેલી છે. પૌરાણિક કથાઓ અનુસાર નરકાસુર નામના રાક્ષસે દેવતાઓને હરાવ્યા પછી પોતાની શક્તિઓનો દુરુપયોગ કર્યો અને સોળ હજાર એક સો કન્યાઓને કેદ કરી હતી, જેમાંથી ઘણી અપરિણીત હતી અને કેટલીક પરિણીત હતી. પાપ એટલું વધી ગયું કે ભગવાન કૃષ્ણે પોતે આવીને નરકાસુરનો વધ કર્યો હતો. તેથી આ દિવસને નરક ચતુર્દશી તરીકે પણ ઓળખવામાં આવે છે.
ડિસ્ક્લેમર- આ લેખમાં આપેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે. તેના સાચા અને સાબિત હોવાની અધિકૃતતા આપી શકતા નથી. કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા, કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ લો.