/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/04/Kashi-Manikarnika-Ghat-Cremation-.jpg)
Manikarnika Ghat Cremation In Kashi: કાશી એટલે કે વારાણસીના મણિકર્ણિકા ઘાટ પર મૃતદેહના અંતિમ સંસ્કાર કરવાથી આત્મને મોક્ષની પ્રાપ્તિ થતી હોવાની માન્યતા છે. (Photo: Social Media)
Manikarnika Ghat Cremation In Kashi: ભારતમાં જન્મ અને મરણ બંને જીવનની મહત્વપૂર્ણ ઘટના છે. ભારત આસ્થા અને પરંપરાઓથી ભરેલો દેશ છે. અહીંના દરેક તીર્થસ્થાનનું પોતાનું આગવું મહત્વ છે, કેટલાક નિયમો અને માન્યતાઓ પણ વર્ષોથી ચાલી આવે છે. આમાંથી એક વિસ્તાર કાશી છે, જેને સૌથી પવિત્ર માનવામાં આવે છે. કાશીને મોક્ષ નગરી કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે અહીં મૃત્યુ પામવાથી કે મૃતદેહનો અંતિમ સંસ્કાર કરવાથી આત્માને મોક્ષ મળે છે અને તેને ફરીથી જન્મ લેવો પડતો નથી.
આ જ કારણ છે કે ઘણા લોકો તેમના જીવનના અંતિમ સમયમાં કાશી જવા માંગે છે અથવા તો તેમના અંતિમ સંસ્કાર કાશીમાં થાય તેવું ઇચ્છે છે. કાશીના પ્રખ્યાત મણિકર્ણિકા અને હરિશ્ચંદ્ર ઘાટને સ્મશાન ભૂમિમાં સૌથી પવિત્ર માનવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે અહીં બધા મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવતા નથી. હકીકતમાં આની પાછળ ધાર્મિક માન્યતાઓની સાથે સાથે વૈજ્ઞાનિક કારણો પણ છે. આવી સ્થિતિમાં, ચાલો આપણે જાણીએ કે કાશીના મણિકર્ણિકા અને હરિશ્ચંદ્ર ઘાટ જેવા સ્મશાનગૃહોમાં કયા મૃતદેહોનો અંતિમ સંસ્કાર કરવામાં આવતો નથી.
સર્પદંશથી મૃત્યુ પામના વ્યક્તિ
જે લોકો સાપ કરડવાથી મૃત્યુ પામે છે, તેમના અંતિમ સંસ્કાર મણિકર્ણિકા ઘાટ પર કરવામાં આવતા નથી. એવું માનવામાં આવે છે કે સાપ કરડ્યા પછી પણ, પ્રાણ શક્તિ થોડા સમય માટે શરીરમાં રહી શકે છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી કહેવામાં આવે છે કે મૃત વ્યક્તિના મગજમાં 21 દિવસ સુધી થોડી માત્રામાં ઓક્સિજન રહી શકે છે. આ કારણથી એવી માન્યતા છે કે, ડોક્ટર કે વૈધ વ્યક્તિને જીવિત કરી શકે છે. તેથી આવા મૃતદેહોનો અંતિમ સંસ્કાર કરવામાં આવતો નથી, પરંતુ કેળાની દાંડીમાં બાંધીને ગંગામાં પ્રવાહિત કરવામાં આવે છે.
સંત મહાત્માના પાર્થિવ દેહ
કાશીમાં સંતો-મહાત્માઓના પાર્થિવ દેહનો પણ અંતિમ સંસ્કાર કરવામાં આવતો નથી. સંતોને પ્રબુદ્ધ અને મુક્ત માનવામાં આવે છે. તેમના શરીરને બાળવું અશુભ માનવામાં આવે છે. આવા મૃતદેહોને કાં તો 'થલ સમાધિ' એટલે કે જમીનમાં દાટવામાં આવે છે અથવા તો જલ સમાધિ એટલે કે ગંગામાં પ્રવાહિત કરવામાં આવે છે.
12 વર્ષથી ઓછી ઉંમરના બાળક
ધાર્મિક માન્યતા અનુસાર નાના બાળકોને પાપ મુક્ત માનવામાં આવે છે, તેથી તેમના માટે અંતિમ સંસ્કારની જરૂર નથી. કાશીમાં 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના મૃતદેહ સળગાવવાના બદલે ખાસ રીતે જમીનમાં દફનાવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તેઓ સીધા ભગવાનની નજીક આવે છે, તેથી તેમને અગ્નિ સંસ્કારની જરૂર નથી.
સગર્ભા મહિલાના મૃતદેહ
જો પ્રેગ્નન્સી દરમિયાન કોઈ મહિલાનું મૃત્યુ થાય તો મણિકર્ણિકા ઘાટ પર તેના અંતિમ સંસ્કાર કરવામાં આવતા નથી. ધાર્મિક અને વ્યવહારિક કારણોસર આમ કરવાની મનાઈ છે. એવું માનવામાં આવે છે કે અગ્નિ વિધિ દરમિયાન, જો ગર્ભસ્થ બાળકનું શરીર બહાર આવે છે, તો તે અર્ધ-બળીને રહી શકે છે અને તેની યોગ્ય અંતિમ ક્રિયા થતી નથી. નાના બાળકોને બાળવાની પણ મનાઈ હોવાથી સગર્ભા સ્ત્રીના શરીરને બાળવાની મનાઈ છે.
રક્તપિત્ત કે ચામડીના રોગોથી મૃત્યુ થાય
જે લોકો ચામડીના કોઈ ગંભીર રોગ કે રક્તપિત્તથી પીડાય છે, તેમના અંતિમ સંસ્કાર પણ કાશીના ઘાટ પર કરવામાં આવતા નથી. આનું મુખ્ય કારણ એ છે કે મૃત શરીરને સળગાવવાથી હવામાં બેક્ટેરિયા ફેલાય છે, જેના કારણે કાશી આવતા હજારો ભક્તોને ચેપ લાગવાનું જોખમ ઉભું થઈ શકે છે.
ડિસ્ક્લેમર- આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષીઓ, પંચાંગ, માન્યતાઓ કે શાસ્ત્રો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્ર કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પહોંચાડવાનો છે. અમે તેની ચોકસાઈ અને ઉદભવની પ્રામાણિકતા આપી શકતા નથી. કૃપા કરીને તેનો કોઈપણ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us