Maha Kumbh Mela And Kumbh Mela Difference: ભારતનો આધ્યાત્મિક વારસો ધાર્મિક વિધિઓ અને તહેવારોમાં વસેલો છે, જે ભક્તિ, સંસ્કૃતિ અને સમુદાયનું મિશ્રણ કરે છે. સાથે જ તેની સૌથી પ્રમુખ પરંપરાઓમાં કુંભ મેળો અને મહાકુંભ મેળાનો સમાવેશ થાય છે, આ બંને કાર્યક્રમો દુનિયાભરના લાખો યાત્રાળુઓને આકર્ષે છે. પરંતુ શું તમે જાણો છો કુંભ મેળા અને મહા કુંભ મેળા વચ્ચે શું તફાવત છે? જો નહીં, તો અહીં અમે તમને આ સવાલનો જવાબ આપવા જઈ રહ્યા છીએ. આ વિશે વિગતવાર જાણીયે
ભારતમાં 4 સ્થળો પર કુંભ મેળો યોજાય છે
ભારતમાં 4 સ્થળો પર 12 વર્ષમાં એક વખત કુંભ મેળો યોજાય છે. આ સ્થળોના નામ આ મુજબ છે – પ્રયાગરાજ, હરિદ્વારા, ઉજ્જૈન અને નાસિક છે. આમ પ્રત્યે 3 વર્ષે એક સ્થળે કુંભ મેળો યોજાય છે. વર્ષ 2025માં પ્રયાગરાજમાં કુંભ મેળો યોજાયો છે, હવે વર્ષ 2027માં નાસિક ઓગસ્ટ મહિનામાં અને વર્ષ 2028માં ઉજ્જૈનમાં એપ્રિલ મહિનામાં કુંભ મેળો યોજાશે. અગાઉ વર્ષ 2016માં ઉજ્જૈનમાં કુંભ મેળો યોજાયો હતો.
કુંભ મેળો પવિત્ર નદીઓના કિનારે યોજાય છે. જેમાં પ્રયાગરાજમાં ગંગા યમુના અને પૌરાણિક સરસ્વતી નદીના ત્રિવેણી સંગમ પર, હરિદ્વારમાં ગંગાના કિનારે, ઉજ્જૈનમાં શિપ્રા નદીના કિનારે અને નાસિકમાં ગોદાવરી નદી પર કુંભ મેળો યોજાય છે.
કુંભ મેળો ક્યાં અને ક્યારે યોજાશે, તેનો નિર્ણય ખગોળીય ગણનાના આધારે કરવામાં આવે છે. વિષ્ણુ પુરાણમાં ઉલ્લેખ છે કે-
- જ્યારે ગુરુ કુંભ રાશિમાં પ્રવેશ કરે છે અને સૂર્ય મેષ રાશિમાં હોય છે, ત્યારે હરિદ્વારમાં કુંભ મેળાનું આયોજન થાય છે.
- જ્યારે સૂર્ય અને ગુરુ સિંહ રાશિમાં હોય છે, ત્યારે નાસિકમાં કુંભ મેળો ભરાય છે.
- જ્યારે ગુરુ કુંભ રાશિમાં પ્રવેશ કરે છે, ત્યારે ઉજ્જૈનમાં કુંભ મેળો યોજાય છે.
- તો માઘ અમાસના દિવસે, સૂર્ય અને ચંદ્ર મકરમાં અને ગુરુ મેષ રાશિમાં હોય છે ત્યારે પ્રયાગરાજમાં કુંભ મેળો યોજાય છે.
આ 4 સ્થળો પર જ કુંભ મેળો કેમ યોજાય છે?
કુંભ મેળો યોજાવા પાછળ એક પૌરાણિક કહાણી છે. સનાતન ધર્મની પૌરાણિક કથા અનુસાર સમુદ્ર મંથન વખતે દેવ અને રાક્ષણો વચ્ચેના યુદ્ધ દરમિયાન અમૃતના અમુક ટીપા ધરતી પર 4 સ્થળો પર પડ્યા હતા. જ્યાં અમૃત પડ્યું હતું તે 4 સ્થળો – પ્રયાગરાજ, હરિદ્વાર, ઉજ્જૈન અને નાસિક હતા. એટલા માટે આ ચાર જગ્યાએ કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે.
મહા કુંભ મેળો ક્યારે યોજાય છે
હવે મહા કુંભ મેળાની વાત કરીએ તો આ એક દુર્લભ ઘટના છે, જે 11 પૂર્ણ કુંભ એટલે કે 144 વર્ષ પછી આવે છે અને માત્ર પ્રયાગરાજમાં જ મહા કુંભ મેળો યોજાય છે.
આ પણ વાંચો | નાગા સાધુ કોની પૂજા કરે છે? દિવસમાં કેટલી વખત અને શું જમે છે?
સરળ ભાષામાં કહીએ તો પ્રયાગરાજમાં દર 12 વર્ષે કુંભ મેળો ભરાય છે. જ્યારે 11 પૂર્ણ કુંભ થાય છે, ત્યારે 12માં પૂર્ણ કુંભને મહા કુંભ કહેવામાં આવે છે, જે 144 વર્ષમાં એકવાર થાય છે. આ કારણે તેને ભવ્ય કુંભ પણ કહેવામાં આવે છે. એટલે કે વર્ષ 2025માં યોજાનાર મહા કુંભ 144 વર્ષ બાદ યોજાયો છે, જેના કારણે તેને ખૂબ જ ખાસ માનવામાં આવે છે. પ્રયાગરાજનો મહા કુંભ મેળો 13 જાન્યુઆરી થી શરૂ થયો છે અને 26 ફેબ્રુઆરી 2025ના રોજ સમાપ્ત થશે.
ે