/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/12/Mokshada-Ekadashi-2024.jpg)
Mokshada Ekadashi 2024 Muhurat: હિન્દુ ધર્મમાં અગિયારસના ઉપવાસનું વિશેષ મહત્વ છે (તસવીર - જનસત્તા)
Mokshada Ekadashi 2024 Muhurat: હિન્દુ ધર્મમાં અગિયારસના ઉપવાસનું વિશેષ મહત્વ છે. દર મહિનાની સુદ અને વદ અગિયારસ તિથિએ એકાદશી વ્રત કરવામાં આવે છે અને દરેક એકાદશીનું પોતાનું મહત્વ હોય છે. તેવી જ રીતે માગશર માસમાં આવતી એકાદશીનું વિશેષ મહત્વ છે. તેને મોક્ષદા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. માન્યતા છે કે આ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાની સાથે વિધિવત રીતે વ્રત કરવાથી દરેક દુઃખ અને પીડા દૂર થાય છે, પાપોથી મુક્તિ મળવાની સાથે મોક્ષની પ્રાપ્તિ થાય છે.
આ વર્ષે મોક્ષદા એકાદશી પર રવિ યોગ અને વરિયાન યોગ બની રહ્યો છે. આ શુભ યોગમાં ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી અનેક ગણું વધારે ફળ મળે છે. આવો જાણીએ મોક્ષદા એકાદશી શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને પારણનો સમય.
મોક્ષદા એકાદશી 2024 શુભ મુહૂર્ત
હિન્દુ પંચાંગ અનુસાર મોક્ષદા એકાદશી તિથિ 11 ડિસેમ્બરે સવારે 3:42 વાગ્યે શરૂ થશે, જે 12 ડિસેમ્બરે સવારે 1:09 વાગ્યે સમાપ્ત થશે. તેથી મોક્ષદા એકાદશી 11 ડિસેમ્બર 2024 ના રોજ ઉજવવામાં આવશે.
મોક્ષદા એકાદશી 2024 પારણા સમય
હિન્દુ પંચાંગ મુજબ મોક્ષદા એકાદશીના પારણાનો સમય 12 ડિસેમ્બરે સવારે 7:07 થી 9:09 વાગ્યા સુધીનો રહેશે.
આ પણ વાંચો - ગીતા જયંતિ : ભગવદ્ ગીતાના આ ઉપદેશોને હંમેશા રાખો યાદ, જીવનની દરેક મુશ્કેલીમાં આવશે કામ
મોક્ષદા એકાદશી 2024 પર બની રહ્યા છે દુર્લભ યોગ
આ વર્ષે મોક્ષદા એકાદશી પર દુર્લભ યોગ બની રહ્યા છે. આ વખતે વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા માટે ખૂબ જ ખાસ ગણાતા રવિ યોગ, વરિયાન યોગની સાથે ભાદ્રવાસ યોગનું પણ નિર્માણ થઇ રહ્યું છે. દુર્લભ ભદ્રાવાસ યોગનું નિર્માણ બપોરે 02.27 વાગ્યે શરૂ થશે, જે 12 ડિસેમ્બરે રાત્રે 01.09 વાગ્યે સમાપ્ત થશે. આ ઉપરાંત રવિયોગનું નિર્માણ સવારે 07.04 થી 11.48 અને વરિયાન યોગનું નિર્માણ સવારે 06.48 વાગ્યે સમાપ્ત થશે.
મોક્ષદા એકાદશી 2024 પૂજા વિધિ
એકાદશીના દિવસે બ્રહ્મમુહૂર્તમાં ઉઠીને તમામ કાર્ય પતાવીને સ્નાન કરો. આ પછી, સ્વચ્છ કપડાં પહેરો. ત્યારબાદ વિષ્ણુનું ધ્યાન કરતી વખતે વ્રતનો સંકલ્પ કરો. હવે પૂજા શરૂ કરો. સૌ પ્રથમ ભગવાન વિષ્ણુને જળ, પંચામૃત વગેરેથી સ્નાન કરાવો. આ પછી ફૂલ, માળા, સુગંધ, પીળા ચંદન, અક્ષત વગેરે અર્પણ કર્યા પછી ફળ, મીઠાઈ વગેરે ચઢાવો અને પછી જળ ચઢાવો. આ પછી ઘી, ધૂપનો દીવો પ્રગટાવો અને મોક્ષદા એકાદશી વ્રત કથાનો પાઠ શ્રી વિષ્ણુ મંત્ર, ચાલીસા સાથે કરો. છેલ્લે ભગવાન વિષ્ણુની આરતી કરો. પછી ભૂલચુક માટે માફી માંગો. આ સાથે આખો દિવસ ઉપવાસ કર્યા બાદ બીજા દિવસે સ્નાન કર્યા પછી બાદ વિષ્ણુની પૂજા કરો અને ઉપવાસના પારણા કરો.
ડિસ્ક્લેમર- આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષીઓ, પંચાંગ, માન્યતાઓ કે શાસ્ત્રો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્ર કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પહોંચાડવાનો છે. અમે તેની ચોકસાઈ અને ઉદભવની પ્રામાણિકતા આપી શકતા નથી. કૃપા કરીને તેનો કોઈપણ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us