Nag Panchami 2024 Nagchandreshwar Temple In Ujjain: શ્રાવણ માસ ભગવાન શિવનો પ્રિય મહિનો માનવામાં આવે છે. આ મહિને ભગવાન શિવ અને માતા પાર્વતીની વિધિવત પૂજા કરવાથી ભક્તો દુ:ખ અને પીડામાંથી મુક્તિ મળે છે અને સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. દેશભરના શિવ મંદિરમાં ભક્તોની ભીડ લાગી છે. વર્ષ 2024માં ઉત્તર ભારત હિન્દી ભાષી રાજ્યોમાં નાગ પાંચમ 9 ઓગસ્ટ 2024ના રોજ મનાવવામાં આવશે. આ દિવસે નાગ દેવતાની પૂજા કરવાની સાથે સાથે દૂધ ચઢાવવાની પરંપરા છે.
અહીં અમે તમને એક એવા મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં નાગ પાંચમના દિવસે લાખો શ્રદ્ધાળુઓ પહોંચે છે. આ મંદિરનું નામ નાગચંદ્રેશ્વર મંદિર છે, જે ઉજ્જૈનમાં આવેલું છે. આ એકમાત્ર એવું મંદિર છે, જેના કપાટ માત્ર નાગ પાંચમના દિવસે ખુલે છે અને 24 કલાક ખુલ્લા રહે છે. એવું માનવામાં આવે છે કે આ મંદિરમાં દર્શન કરવાથી કાલ સર્પ દોષથી મુક્તિ મળે છે. આવો જાણીએ આ મંદિર વિશે
નાગ પાંચમ: નાગચંદ્રેશ્વર મંદિર વર્ષમાં એક વખત ખુલે છે કપાટ
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં સ્થિત નાગચંદ્રેશ્વર મંદિરના કપાટ વર્ષમાં એકવાર એટલે કે નાગ પાંચમના દિવસે ખોલવામાં આવે છે. આ મંદિરના દરવાજા રાત્રે 12 વાગ્યે ખોલવામાં છે. ત્યારબાદ 24 કલાક સુધી મંદિરના દરવાજા ખુલ્લા રહે છે અને બીજી રાત્રે 12 વાગ્યે આરતી કર્યા બાદ ફરી બંધ કરી દેવામાં આવે છે. એવું કહેવાય છે કે, નાગોના રાજા તક્ષક પણ આ મંદિરમાં બિરાજમાન છે.
નાગચંદ્રેશ્વર મંદિર કેમ છે ખાસ?
ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરના ત્રીજા માળે નાગચંદ્રેશ્વર મંદિર આવેલું છે. જ્યાં નાગચંદ્રેશ્વર મહાદેવ બિરાજમાન છે. આ એકમાત્ર એવું મંદિર માનવામાં આવે છે જ્યાં ભગવાન શંકર દશામુખી સાપના આસન પર, માતા પાર્વતી સાથે તેમના સમગ્ર પરિવાર સાથે બિરાજમાન. આ મૂર્તિ 11મી સદીની આસપાસ હોવાનું કહેવાય છે.
નેપાળથી આવી હતી આ અદભૂત પ્રતિમા
એવું કહેવામાં આવે છે કે પરમાર રાજા ભોજે ઇ.સ. 1050 માં આ મંદિર બનાવ્યું હતું. આ સાથે જ નેપાળથી આ અદભૂત મૂર્તિ લાવવામાં આવી હતી. આ પછી સિંધિયા પરિવારના મહારાજ રાનોજી સિંધિયાએ ઈ.સ. 1732માં આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો.
નાગચંદ્રેશ્વર મંદિર વર્ષમાં એક જ વાર કેમ ખુલે છે?
નાગચંદ્રેશ્વર મંદિર માત્ર શ્રાવણ માસમાં આવતી નાગ પાંચમના દિવસે જ ખુલે છે. તેની પાછળ એક દંતકથા છે. આ મુજબ નાગોના રાજા તક્ષકે ભગવાન શિવને મનાવવા માટે કઠોર તપસ્યા કરી હતી. તપસ્યાથી પ્રસન્ન થઇ ભગવાન ભોળાનાથે અમરત્વનું વરદાન આપ્યું. કહેવાય છે કે ત્યારથી જ તક્ષક રાજા ભગવાન શિવ શંકરના સાનિધ્યમાં રહેવા લાગ્યા. પરંતુ ભગવાન શંકરને આ વાત ગમી નહીં, કારણ કે તેમને એકાંતમાં ધ્યાન ધરવું ગમે છે. રાજા તક્ષક આ ઇરાદાને જાણતા હતા અને ભોલે બાબાના એકાંતવાસમાં કોઈ પણ પ્રકારે ખલેલ પહોંચાડતા ન હતા, તેથી તેઓ વર્ષમાં માત્ર એક જ વાર તેમને મળવા આવવા લાગ્યા હતા. આ કારણે આ મંદિર માત્ર નાગ પંચમના દિવસે જ ખોલવામાં આવે છે.
આ પણ વાંચો | શ્રાવણ સોમવાર શિવલિંગ પર દૂધ સહિત આ વસ્તુ અર્પણ કરો, રાહુ દોષ માંથી મુક્તિ અને ધન લાભ થશે
માત્ર દર્શન કરવાથી સર્પ દોષ માંથી મુક્તિ
માન્યતા છે કે, જો કોઈ વ્યક્તિની કુંડળીમાં સર્પ દોષ, કાલસર્પ દોષ હોય તો નાગ પાંચમના દિવસે નાગચંદ્રેશ્વર મંદિરમાં આવીને તેની વિધિવત પૂજા કરો. આમ કરવાથી સર્પ દોષ અને કાલ સર્પ દોષ માંથી મુક્તિ મળે છે.