Navratri Garba history: રંગીન ચણિયાચોળી, ખેલૈયાઓની કિલકારી, તાલબદ્ધ સંગીત અને શક્તિની ભક્તિ… નવરાત્રીનો આ માહોલ માત્ર ગુજરાત પૂરતો જ સીમિત નથી, પરંતુ વિશ્વભરમાં વસતા દરેક ગુજરાતીના દિલમાં ધબકે છે. આ નવ દિવસો દરમિયાન, ગરબા અને રાસના તાલે આખો માહોલ ગૂંજી ઉઠે છે. પણ શું આપણે ક્યારેય વિચાર્યું છે કે આ ગરબા અને રાસ માત્ર આનંદ માટેના નૃત્ય નથી, પરંતુ તેના મૂળમાં ઊંડો ઇતિહાસ, ધાર્મિક કથાઓ અને સાંસ્કૃતિક રહસ્યો છુપાયેલા છે? આ રહસ્યોને ઉજાગર કરવા માટે ધાર્મિક તત્વશોધક હિમાશુંરાય રાવલ સાથે મુલાકાત કરી સવાલ જવાબ કર્યા, જે ગરબાના આ સમગ્ર ઉત્સવના સાચા અર્થને સમજવામાં મદદ કરશે.
નવરાત્રીમાં ગરબા કેમ ગવાય છે? કઇ કથા માન્યતા જોડાયેલી છે?
જવાબ: નૃત્ય પરના પ્રખ્યાત પ્રાચીન ગ્રંથ અભિનય દર્પણ મુજબ, માતા પાર્વતી લાસ્ય નૃત્ય જાણતા હતા, અને તેમણે પ્રાચીન રાજા બાણાસુરની પુત્રી ઉષાને આની તાલીમ આપી, ત્યાર બાદ ઉષાએ મહાભારત કાળ દરમિયાન ગોપીઓને આ નૃત્ય શીખવ્યું. આ રીતે આ નૃત્ય સૌરાષ્ટ્રમાં આવ્યું.
બીજા દૃષ્ટિકોણ મુજબ, પાંડવોએ પોતાના 14 વર્ષના અજ્ઞાતવાસ દરમિયાન, અર્જુને પૂર્વભારતના રાજા ચિત્રસેનના દરબારમાં બૃહન્નલા તરીકે વાસ કરેલ ત્યારે તેમણે રાજકુમારી ચિત્રાંગદાને નૃત્યની અનેક શૈલીઓ શીખવી હતી. પરંતુ તેમની પાસેથી પોતે હલ્લિસક નામનું નૃત્ય શીખ્યા હતા. ત્યાર બાદ જ્યારે ભગવાન કૃષ્ણે સૌરાષ્ટ્રમાં દ્વારિકાની સ્થાપના કરી, ત્યારે આ નૃત્ય સૌરાષ્ટ્રમાં પણ લોકપ્રિય બન્યું.
લાસ્ય અને હલ્લિસક બંનેમાં મહિલાઓ વિલોમ ગતિથી ગોળ ફરીને નૃત્ય કરે છે. સંસ્કૃત ભાષામાં, ઘણી જગ્યાએ, લ ના ઉચ્ચારણને ર બોલવાની પ્રથા છે. આ કારણે, લાસ્ય શબ્દ સમય જતાં રાસ બની ગયો હોય તેવું લાગે છે.
કોઈ પણ નૃત્ય માટે હાથ ની તાળી અને આંગળીઓ વડે ચપટી હોય તો નૃત્ય માટે પર્યાપ્ત હોય છે. કોઈ વાદ્ય કે ગાયન હોય તો અતિરિક્ત સામગ્રી ઉપલબ્ઘ થાય છે. આ કારણે કાલાંતરમા બંસી કે શરણાઈ આદિ વાદ્ય આવ્યા હશે અને ત્યાર બાદ રાસ કે સ્તુતિ કાવ્ય નો પ્રવેશ થયો હશે. ખાસ કરીને ગુજરાતમાં આમ થયાનું માની શકાય એમ છે.
ગરબા અને રાસમાં કોની ભક્તિ છે?
જવાબ: આપણા ઇતિહાસ મુજબ રાસ ગરબા આપણુ પ્રાચીનતમ સાહિત્ય છે અને તેમાં મુખ્ય રૂપે ભગવાન કૃષ્ણ અને ભગવતી અમ્બિકાની ભક્તિ જોવા મળે છે. આખુ સાહિત્ય જ જાણે ભક્તિમય છે. તે કાવ્ય જ્યારે લાસ્ય અને હલ્લીસકમા આવ્યા ત્યારે મોટાભાગની નૃત્ય પ્રસ્તુતિ દાદરા જેવી તિશ્ર (3 માત્રા પર આધારિત) અને કહરવા જેવી ચતુશ્ર (4 માત્રા પર આધારિત) તાલમાં જોવા મળે છે.
ગરબા કે ગરબી મોટે ભાગે કયા રાગમાં છે?
જવાબ: આ નૃત્ય માટે જે ગાયન છે તે મોટે ભાગે કાફી, ભૈરવી, ભીમપલાસી વગેરે ભક્તિપ્રધાન રાગ પર આધારિત જોવા મળે છે. જ્યારે આ નૃત્ય ગુજરાતમાં આવ્યું, ત્યારે એક નવીનતા એમાં ભળી જેને કારણે ગરબા શબ્દ આપણને મળ્યો. ગુજરાતમાં આ વૃત્તાકાર નૃત્ય સમયે વૃત્તની વચ્ચે માટીના એક કલશમાં અમુક કાણા પાડીને તેમાં દીવો કરવાની પ્રથાનુ પ્રચલન થયુ.
ગરબો અને દિપક શું સુચવે છે?
જવાબ: કલશની બહાર કાળી રાત એટલે સૃષ્ટિની આદિ અવસ્થા અને તેમાં રહેલ દીવો એટલે સૂર્યની ઊર્જાનો પ્રતિક. આ રશ્મિ-ગર્ભ એટલે આજનો ગરબો. પ્રકાશિત દીવો બ્રહ્માંડના અમર્યાદિત અંધકાર સામે સફળતાપૂર્વક લડાઈનું પ્રતિક છે. આપણે જાણીએ છીએ કે નવરાત્રિમાં તંત્રના જાણકારો ભગવતી કાલી (અમર્યાદિત અંધકાર) ની ઉપાસના કરે છે. આ પ્રતીકવાદની સમજણ હોવી મહત્વપૂર્ણ છે.
શું ગરબા, રાસ અને છંદ જોડાયેલા છે?
જવાબ: ગુજરાતી સાહિત્યમાં રાસ એક માત્રિક છંદ નું નામ છે. એવું કહેવાય છે કે, રાસમાં, કવિઓ બધી લાગણીઓ વ્યક્ત કરી શકે છે (रसानां समूहो रास:). આજે જેમ કવિઓ ગઝલમાં પોતાના વિચારો રજૂ કરે છે તેમ જ દોઢ સદી પહેલા રાસ કે રાસક છંદ એ ગુજરાતમાં કવિઓનો મુખ્ય છંદ હતો.
મોટાભાગના રાસ ભગવાન કૃષ્ણને સમર્પિત છે. નરસિંહ મહેતા વિરચિત “ખમ્મા મારા નંદજી ના લાલ” રાસક છંદની એક ઉત્તમ રચના છે જેને કારણે આખુ વિશ્વ આજે ગુજરાતના રાસ/ રાસક ગરબાને ઓળખે છે. દયારામ, પ્રેમલ, પ્રેમાનંદ, વાલભ, ધોળા, રાણાછોડજી – જૂનાગઢ રાજ્યના સચિવ આદિ નવરાત્રિના ક્ષેત્રમાં અન્ય જાણીતા કવિઓ છે. રાસ છંદની લોકપ્રિયતાને કારણે, આ શૈલી પર રજૂ થતા નૃત્યને પણ રાસનુ સમ્બોધન મળેલ છે.
દ્વારિકા પંથકના પુરુષો દ્વારા આરમ્ભાયેલ આ નૃત્યમાં ગુજરાતના પશ્ચિમ કિનારા પર શારીરિક રીતે મજબૂત મેર નામના સમુદાય દ્વારા આજે પણ વિશેષ રીતે રજૂ કરવામાં આવે છે. આહિર અને મેર સમુદાય મહાભારત સમયના ગોપ-ગોપીના સીધા વંશજ છે અને પશુપાલન તથા તેમની સુરક્ષા આજે પણ તેમની પ્રાથમિકતા છે.
સમય જતાં ગરબાની પ્રસ્તુતિ સમયે, ગાયકોએ લગભગ 16 પ્રકારના સવૈયામાં રચાયેલ પ્રાદેશિક કાવ્ય ગાતા હોય છે. આ ગાયકીને લોકભાષામાં ‘દૂહા-છંદ’ કહેવાય છે.
ગરબા કેટલા પ્રકારના છે? વિગતે સમજાવો
ગરબાને 36 વ્યાપક શૈલીઓમાં વર્ગીકૃત કરી શકાય. બધા મોટા વ્યાવસાયિક સમુદાયોની પોતાની ઉપસંસ્કૃતિ, તેમની પોતાની બોલી અને તે ક્ષેત્રમાં તેમના પોતાના સંતોના મહિમાને કારણે આવી ઉપશૈલીઓ અસ્તિત્વમા આવી હશે પણ છેલ્લા છ સાત દાયકામાં શક્તિશાળી મીડિયાને કારણે, ગરબાનુ જે રૂપ આજે જોવા મળે છે તેમાં બધુ સમાઈ ગયેલ લાગે છે. હવે બધાના ગરબાનુ રૂપ એક સમાન થઈ ગયુ છે.
ગરબી, ગુમ્ફન અને હુડા
સૌરાષ્ટ્રમાં પુરુષો દ્વારા રજૂ થતા ગરબા નૃત્યને ગરબી કહેવામાં આવે છે, અને ગરબા સામાન્ય રીતે બધી ઉંમરની સ્ત્રીઓ દ્વારા રજૂ કરવામાં આવે છે. ગુમ્ફન એક એવી શૈલી છે જેમાં સામાન્ય રીતે મેર સમુદાયના મજબૂત બાંધા વાળા 8 પુરુષો અને 8 સ્ત્રીઓ (16 વ્યક્તિઓનું મિશ્રણ) હોય છે. વૃત્તની વચ્ચે બનાવેલા સ્તમ્ભ સાથે બાંધેલ કપડાને એક હાથમાં પકડીને નૃત્ય કરતા-કરતા એક ડિઝાઇન ગૂંથે છે; અને નૃત્યના અંતે, તેઓતેને ખોલે પણ છે.
ગોફ અને સોળંગા પણ કહેવાય છે
આ નૃત્યમાં પોતાના શરીરને જાણે એક ગોફણની જેમ ઉછાળે છે તેથી આવા અઘરા નૃત્યને ગોફ નામથી પણ ઓળખવામાં આવે છે. તેને સોળંગા પણ કહેવાય છે કારણ કે તેમાં 16 વ્યક્તિઓ ભાગ લે છે; અને તેને હુડા પણ કહેવાય છે. આ નૃત્ય દરમિયાન, યુવાન પુરુષો અને સ્ત્રીઓના વિવાહ પણ નક્કી થતા હોય છે. આ નૃત્ય દર વર્ષે સુરેન્દ્રનગર શહેર નજીકના ત્રિનેત્રેશ્વર મંદિરમાં પ્રસ્તુત કરવાની પ્રથા છે – આ સ્થાને મહાભારત સમયમાં મત્સ્યવેદ કરવામાં આવ્યો હતો.
ધીમે-ધીમે ગરબા નૃત્યમાં મણિયારો શૈલી ઉમેરાઈ જે ખરેખર રાજસ્થાન સાથે સંબંધ છે. આ સાહિત્ય દર્શાવે છે કે વિરહી યુવતીઓ વ્યાપાર માટે પ્રવાસે ગયેલ પોતાના પતિના પાછા ફરવાની રાહમાં કરુણતાથી ગાય છે. આ ગીતો અને નૃત્ય વિલંબિત હીંચ અથવા દીપચંદી તાલમાં ગવાય છે જે ખૂબ જ મુશ્કેલ શૈલી છે. આ શૈલીના ગીતો દરિયાકાંઠાના પટ્ટામાં વધુ સંભળાય છે. ગતિમાં ધીમા હોવાથી નૃત્ય માટે આ શૈલી બહુ લોકપ્રિય નથી.
શું બેઠા ગરબા અન્ય કઇ શૈલી સાથે સામ્યતા ધરાવે છે?
જવાબ: વડનગર અને જૂનાગઢમાં સાક્ષર સમુદાય આજે પણ બેઠા ગરબા પ્રચલિત છે જ્યાં પરિવારના બધા સભ્યો નવરાત્રી દરમિયાન સાંજના સમયે ભક્તિ ગીતો ગાય છે. એવુ લાગે છે કે આ શૈલી બંગાળમાં પ્રચલિત શ્યામા સંગીત સાથે અદ્ભુત સામ્યતા ધરાવે છે. બંગાળમાં અશ્વિન નવરાત્રિના છેલ્લા પાંચ દિવસ દુર્ગા પૂજા તરીકે ઉજવવામાં આવે છે પણ ગુજરાતમાં નવે-નવ રાત ઉજવવામાં આવે છે.
નવરાત્રી અને મંત્ર સાધના વચ્ચે શું સંબંધ છે?
જવાબ: એવું માનવામાં આવે છે કે નવરાત્રિ મંત્ર સાધના માટે શ્રેષ્ઠ સમય છે, અને સમગ્ર ભારતમાં વિવિધ પ્રકારના ધાર્મિક અનુષ્ઠાન આ સમયગાળામાં કરવામાં આવે છે. ગુરુ આ સમયગાળામાં નવા શિષ્યોને દીક્ષા આપે છે, અને તેમને ધ્વનિવિશેષનું વિજ્ઞાન શીખવે છે જેને મંત્ર કહેવાય છે.
પશ્ચિમ બંગાળમાં, બોલપુર નજીક તારાપીઠ સ્મશાન આવી સાધના માટે ખૂબ જાણીતું છે – જ્યાં આ સમયગાળા દરમિયાન સળગતી ચિતા પહેલાં સાધકોને તે સ્મશાનમાં બેસવાની સગવડ સરકાર પોતે આપે છે.
સવાલ: ગરબા આસો માસમાં જ કેમ?
જવાબ: અશ્વિન નવરાત્રિ દરમિયાન જ ગરબા નૃત્ય શા માટે થાય છે! એની પાછળ આયુર્વેદિક કારણ છે. ભારતીય વાતાવરણ મુજબ, આશ્વિન માસમાં શરદ ઋતુ શરૂ થાય છે.
આયુર્વેદ મુજબ, જ્યારે વાદળો દૂર થઈ જાય છે, ત્યારે શરીરમાં રહેલુ પિત્ત ઉશ્કેરાય છે અને તેના શમનનો સૌથી સસ્તો અને સરળ ઈલાજ છે દૂધથી બનેલા પદાર્થનુ સેવન અને આ મહિના દરમિયાન ચંદ્રપ્રકાશનો લાભ લેવો. આ કારણે આશ્વિન નવરાત્રિના શુક્લપક્ષમા શરદ પૂર્ણિમા સુધી રાત્રિવિહારનુ મહત્વપૂર્ણ આયોજન સાંસ્કૃતિક પ્રથારૂપે વણી લેવાયુ છે.
આજની યુવા પેઢી નવરાત્રીને કેવી રીતે સમજે છે?
જવાબ: હાલમાં, ઇલેક્ટ્રોનિક મીડિયા, યુટ્યુબ અને આવા અન્ય સોશિયલ મીડિયાને કારણે, નવરાત્રિ કેમેરા-લક્ષી ઉત્સવ બની ગઈ છે, અને પરંપરાગત, આધ્યાત્મિક, ધાર્મિક નૃત્યનો ભાવ ઘણે અંશે વિસરાઈ ગયો હોય એવું લાગે છે.
વિચિત્ર વેશભૂષા, ટૂંકા અને ચપોચપ કપડા પહેરી તાલ પર નૃત્ય એટલે આજના ગરબા! સોળંગાની જેમ હવામાં ઉડવાની ઊર્જા જોવા નથી મળતી. આજે પણ ભક્તકવિઓએ રચેલ રાસ જ શ્રેષ્ઠ ગણાય છે.
આ પણ વાંચો: આ દિવસે આરાધના કરવાથી આયુષ્ય વધે!
નવી રચનાઓ આવે તો છે પણ હૈયે વસે તેવુ ઓછુ લાગે છે. લોકો ચાંદનીમાં નૃત્ય કરે તે સામાજિક સમરસતા અને સ્વાસ્થ્યની દૃષ્ટિએ મહત્વપૂર્ણ છે. આવશ્યક છે કે સામાજિક નિયમોનું પાલન થાય.