Raksha Bandhan 2024: રક્ષાબંધન ભાઈ બહેનનો તહેવાર છે. શ્રાવણ પૂનમ પર રક્ષાબંધન દેશભરમાં ઉત્સાહ પૂર્વક ઉજવાય છે. રક્ષાબંધન પર બહેન ભાઈની લાંબી ઉંમર માટે રાખડી બાંધે છે. રક્ષાબંધનનો ઇતિહાસ માનવ સંસ્કૃતિની જેમ એકદમ પૌરાણિક અને માર્મિક છે. રક્ષાબંધન ભાઈ બહેનના અતૂટ સ્નેહ, શ્રદ્ધા અને પ્રેમનો તહેવાર છે. આ દિવસે બહેનો પોતાના ભાઈઓના કાંડા પર પ્રેમથી રક્ષાનો દોરો બાંધે છે.
દિલ્હીના પ્રખ્યાત અંકશાસ્ત્રી સિદ્ધાર્થ એસ કુમારે Jansatta.com એક ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે રક્ષાબંધન સાથે જોડાયેલી ઘણી જૂની માન્યતાઓ છે, જેમાંથી એક છે પ્રચલિત માતા લક્ષ્મી અને રાજા બલિની કહાણી, ચાલો જાણીએ-
માતા લક્ષ્મી અને રાજા બલિની કથા
કહેવાય છે કે, અસુર રાજા બલી ભગવાન વિષ્ણુના પરમ ભક્ત હતા. બલીની ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુએ પોતે તેના રાજ્યની રક્ષા કરવા લાગ્યા જેના કારણે તેઓ ભાગ્યે જ વૈકુંઠ લોકમાં રહેતા હતા. આ વાતથી માતા લક્ષ્મી પણ ખૂબ જ પરેશાન રહેવા લાગ્યા.
માતા લક્ષ્મીએ એક ઉપાય વિચાર્યો, તેમણે બ્રાહ્મણ મહિલાનું રૂપ ધારણ કરી લીધું અને બલીના મહેલમાં રહેવા લાગ્યા. થોડા સમય પછી તેમણે રાજા બલિના હાથમાં રાખડી બાંધી, અને બદલામાં કંઈક મેળવવાની ઇચ્છા વ્યક્ત કરી; બલિને તે સ્ત્રી વિશે ખબર નહોતી કે તે પોતે માતા લક્ષ્મી છે. તેથી બલિએ મહિલાને કંઈ પણ માંગવા કહ્યું.
માતા લક્ષ્મી એ રાજા બલિને વિનંતી કરી કે તે ભગવાન વિષ્ણુને તેમની સાથે વૈકુંઠ પરત આવવા અનુરોધ કરે. રાજ બલિએ વરદાન તો આપી જ દીધું હતું એટલે ભગવાન વિષ્ણુને પાછા ફરવું પડ્યું. રક્ષાબંધન ની અસરથી દેવી લક્ષ્મીને તેમના પતિ વિષ્ણુ પરત મળ્યા.
વૈદિક રક્ષાસૂત્ર બનાવવાની રીત (How To Make Vedic Rakhi At Home)
દુર્વા (ઘાસ)અક્ષત (ચોખા)કેસરચંદનસરસવના દાણા
આ 5 ચીજ રેશમી કપડામાં લઈ નાની પોટલી જેમ સીવી લો, હવે તેને નાડાછડીમાં પોરવી લો. વૈદિક રક્ષાસૂત્ર ઉપરોક્ત રીતે બનાવી શકાય છે. આ રીતે શાસ્ત્રોક્ત નિયમો અનુસાર સૌથી પહેલા આ પાંચ વસ્તુઓથી બનેલી વૈદિક રાખડી તમારા કુળદેવી/કુલદેવતા અને ઇષ્ટ દેવને અર્પિત કરો. ત્યારબાદ બહેન પોતાના ભાઈને શુભ સમયમાં બાંધે.
વૈદિક રાખડીમાં આ 5 વસ્તુઓનું મહત્વ
દુર્વા : જેમ દુર્વાનો એક અંકુર વાવવાથી ઝડપથી ફેલાય છે અને હજારોમાં ઉગે છે, તેવી જ રીતે મારા ભાઈનો વંશ અને ગુણો પણ ઝડપથી વિકાસ પામે. સદાચાર, મનની પવિત્રતામાં ઝડપથી વૃદ્ધિ થાય. ગણેશજી ને દુર્વા પ્રિય છે, એટલે કે, જેમને રાખડી બાંધી રહ્યા છીએ તેમના જીવનમાં આવતા મુશ્કેલીઓ દૂર થાય.
અક્ષત (ચોખા) : આપણો પરસ્પર પ્રેમ ક્યારેય તૂટવો ન જોઈએ, હંમેશા અકબંધ રહેવો જોઈએ.
કેસર: કેસરની પ્રકૃતિ તેજ હોય છે એટલે કે આપણે જે રાખડી બાંધીએ છીએ તે તેજસ્વી હોવી જોઈએ. આધ્યાત્મિકતા અને ભક્તિની તીવ્રતા તેમના જીવનમાં ક્યારેય ઓછી ન થાય.
ચંદન : ચંદન ની પ્રકૃતિ શીતળ હોય છે અને સુગંધ આપે છે. તેવી જ રીતે તેમના જીવનમાં શીતળતા રહેવી જોઈએ, માનસિક તણાવ ક્યારેય ન આવવો જોઈએ. સાથે જ તેમના જીવનમાં સદાચાર, પુણ્ય અને સંયમની સોડમ ફેલાતી રહી.
સરસવના દાણા : સરસવનો સ્વભાવ ધારદાર હોય છે, તે સૂચવે છે કે આપણે સમાજની બુરાઈઓ અને કાંટા દૂર કરવામાં આક્રમક બનવું જોઈએ.
આ પણ વાંચો | રક્ષાબંધન સૌપ્રથમ પત્ની એ પતિને બાંધ્યું રક્ષાસૂત્ર અને આ રીતે શરૂ થયો ભાઈ બહેનનો તહેવાર, જાણો પૌરાણિક કથા
વૈદિક રક્ષા સૂત્ર અશુભનો નાશ કરનાર છે અને માનવજીવનના કષ્ટોને દૂર કરે છે. તેને વર્ષમાં એક વાર પહેરવાથી વ્યક્તિ આખું વર્ષ સુરક્ષિત રહે છે. એવું માનવામાં આવે છે કે માતા કુંતીએ બાંધેલી રક્ષાસૂત્ર એ અભિમન્યુની રક્ષા કરવાનું ચાલુ રાખ્યું હતું અને રક્ષાસૂત્ર તૂટ્યા બાદ જ અભિમન્યુ મહાભારત યુદ્ધમાં વીરગતિ પામ્યો હતો.