Raksha Bandhan 2024 Date, Time, Shubh Muhurat : હિંદુ ધર્મમાં રક્ષાબંધનનું વિશેષ મહત્વ છે. ભાઈ બહેનનો આ તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. રક્ષાબંધન પર તમામ બહેનો પોતાના ભાઈઓને રાખડી બાંધીને સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્યની કામના કરે છે, જ્યારે ભાઈઓ પણ પોતાની બહેનોની રક્ષા કરવાનું વચન આપે છે.
ભાઈના કાંડામાં બાંધેલુ રક્ષા સૂત્ર માત્ર એક દોરો નથી, પરંતુ બહેન અને ભાઈના અતૂટ અને પવિત્ર પ્રેમનું બંધન અને સુરક્ષાની શક્તિ, પ્રતિબદ્ધતાથી સંબંધિત છે. આ વર્ષે રક્ષાબંધનની ઉજવણી સવારે નહીં થાય, કારણ કે આ દિવસે સવારથી જ ભદ્રાનો પડછાયો રહેશે. આથી આ દિવસે બપોરથી બહેનો ભાઈઓને રાખડી બાંધશે. આ સાથે જ 90 વર્ષ બાદ આ દિવસે દુર્લભ યોગ પણ બની રહ્યા છે. આવો જાણીએ રાખડી બાંધવાનો યોગ્ય સમય, વિધિ અને મંત્ર.
રક્ષાબંધન તારીખ?
દ્રિક પંચાગ અનુસાર શ્રાવણ મહિનાની પૂર્ણિમાની તારીખ 19 ઓગસ્ટના રોજ સવારે 3.04 વાગ્યે શરૂ થાય છે, જે રાત્રે 11.55 વાગ્યે સમાપ્ત થાય છે. આવી સ્થિતિમાં 19 ઓગસ્ટે રક્ષાબંધનનો તહેવાર છે.
રક્ષાબંધન 2024 રાખડી બાંધવાનું મુહૂર્ત
આ વર્ષે રાખડી બાંધવાનો શુભ સમય 19 ઓગસ્ટના રોજ બપોરે 01:32 થી 09:07 વાગ્યા સુધીનો રહેવાનો છે. આ સમયગાળા દરમિયાન, તમે તમારા ભાઈના કાંડા પર રાખડી બાંધી શકો છો.
- બપોરના સમયે રાખડી બાંધવાનો સમય – બપોરે 1.32થી 4.19 સુધીનો
- સમયગાળો – 2 કલાક 37 મિનિટ
- રક્ષાબંધનમાં પ્રદોષ કાલ મુહૂર્ત – સાંજે 06.56થી 09.07 સુધીનો
- સમયગાળો – 02 કલાક 11 મિનિટ
રક્ષાબંધન પર ભદ્રા અને પંચકકનો પડછાયો
દ્રિક પંચાગના જણાવ્યા અનુસાર પંચક 19 ઓગસ્ટે સાંજે 7.01 વાગ્યાથી શરૂ થઈ રહ્યું છે, જે 23 ઓગસ્ટે રહેશે. સોમવારથી શરૂ થવાને કારણે આ રાજ પંચકને અશુભ માનવામાં આવતું નથી.
- રક્ષાબંધન ભદ્રા અંતનો સમય – બપોરે 1 કલાકે અને 30 મિનિટ
- રક્ષાબંધન ભદ્રા પૂંછ – સવારે 9:51 થી સવારે 10:53
- રક્ષાબંધન ભદ્રા મુખ – સવારે 10:53 થી બપોરે 12:37
આ પણ વાંચો – રક્ષાબંધન પર બહેન ભાઈના લાંબા આયુષ્ય માટે બાંધે વૈદિક રાખડી, જાણો ઘરે રક્ષાસૂત્ર બનાવવાની રીત
રક્ષાબંધન પર શુભ યોગ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ વર્ષે રક્ષાબંધન પર ખૂબ જ શુભ યોગ બની રહ્યો છે. આવો સંયોગ લગભગ 90 વર્ષ બાદ રચાયો છે. આ વર્ષે રાખડી પર સર્વાર્થ સિદ્ધિ યોગ, રવિ યોગ, શોભન યોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ સાથે જ આ દિવસે બુધાદિત્ય, ષશ રાજયોગ, શુક્રાદિત્ય, લક્ષ્મી નારાયણ જેવા યોગ પણ બની રહ્યા છે.
રાખડી બાંધવાની સાચી રીત
- રક્ષાબંધનના દિવસે સૂર્યોદય પહેલા ઉઠીને બધા કામ પુરા કરીને સ્નાન કરો. આ પછી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરી દેવી-દેવતાની પૂજા કરી તેમને પણ રક્ષા સૂત્ર અર્પણ કરો.
- રક્ષાબંધનના શુભ સમયમાં થાળીમાં ચોખા, સિંદૂર, મીઠાઈ, રાખડી, દીવો વગેરે રાખી દો.
- હવે પહેલા દેવી-દેવતાનું ધ્યાન કરો. આ પછી ભાઈને પૂર્વ તરફ મોઢું રાખીને ઉંચી જગ્યાએ બેસાડો અને માથામાં રૂમાલ અથવા કોઈપણ કાપડ મૂકો.
- બહેન પહેલાં ભાઈના કપાળમાં કંકુનું તિલક લગાવશે. આ પછી તેના પર ચોખા લગાવો અને વધેલા ચોખા તેના પર ઉડાડો. આ પછી આરતી ઉતારી લો.
આ પછી મંત્રનો જાપ કરતા ભાઈના જમણા કાંડામાં રાખડી બાંધો. આ પછી ભાઈને મીઠાઈ કે ગળી વસ્તુ ખવડાવી મો મીઠું કરાવો. આ પછી ભાઈ પણ બહેનને મો મીઠું કરાવે અને ચરણસ્પર્શ કરીને તેને પૈસા કે અન્ય વસ્તુઓ ભેટમાં આપો.
રાખડી બાંધતી વખતે આ મંત્રો બોલો
યેન બદ્ધો બલિ રાજા, દાનવેન્દ્રો મહાબલ: તેન ત્વામ પ્રતિબદ્ધનામિ, રક્ષે માચલ માચલ:
ડિસ્ક્લેમર– આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે શાસ્ત્રો જેવા વિવિધ માધ્યમોમાંથી આ માહિતી એકત્ર કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ માત્ર માહિતી પહોંચાડવાનો છે. અમે તેના સાચા અને સાબિત થવાની પ્રામાણિકતા આપી શકતા નથી. કૃપા કરીને તેનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.