Sarva Pitru Amavasya 2024 Date: હિંદુ ધર્મમાં સર્વ પિતૃ અમાસ તિથિનું વિશેષ મહત્વ છે, કારણ કે આ દિવસે પૂર્વજોને વિદાય આપવામાં આવે છે. હિંદુ પંચાંગ અનુસાર દર વર્ષે ભાદરવા વદ અમાસને સર્વ પિતૃ અમાવસ્યા કહેવામાં આવે છે. આ દિવસે તે તમામ પૂર્વજો માટે પિંડ દાન કે તર્પણ કરવામાં આવે છે, જેમની મૃત્યુની તારીખ યાદ નથી અથવા તો કોઈ કારણસર તેઓ આ અગાઉ પિંડ દાન શ્રાદ્ધ તર્પણ કરવાનું ભૂલી ગયા છે. આથી જ તેને સર્વ પિતૃ અમાસ કહેવામાં આવે છે.
આ વર્ષની સર્વ પિતૃ અમાસ ખૂબ જ ખાસ છે, કારણ કે આ દિવસે વર્ષનું છેલ્લું અને બીજું સૂર્યગ્રહણ થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં, પ્રશ્ન એ ઉભો થાય છે કે શું આ દિવસે શ્રાદ્ધ કરવું શુભ રહેશે કે નહીં. આવો જાણીએ સર્વ પિતૃ અમાસની તારીખ, તે દિવસે પિંડ દાન શ્રાદ્ધ તર્પણ કરવાનો શુભ સમય…
સર્વ પિતૃ અમાસ ક્યારે છે? (Sarva Pitru Amavasya 2024 Date)
પંચાગ અનુસાર ભાદરવા વદ અમાસ તિથિ 1 ઓક્ટોબર 2024 ના રોજ સવારે 9:34 વાગ્યે શરૂ થશે, જે 2 ઓક્ટોબર 2024 ના રોજ સવારે 2:19 વાગ્યે સમાપ્ત થશે. સૂર્ય ઉદય તિથિ મુજબ સર્વ પિતૃ અમાસ 2 ઓક્ટોબર 2024ના રોજ થશે.
કુતુપ મુહૂર્ત : સવારે 11:45 થી બપોરે 12:24 વાગે સુધીરોહિન મુહૂર્ત : બપોરે 12:34 થી બપોરે 1:34 વાગે સુધી
સર્વ પિતૃ અમાસ 2024 તર્પણ મુહૂર્ત
જ્યોતિષીઓના જણાવ્યા અનુસાર બપોરના સમયે પિતૃપક્ષ દરમિયાન પૂર્વજોની પૂજા કરવી શુભ માનવામાં આવે છે. સર્વ પિતૃ અમાસ એટલે કે 2 ઓક્ટોબરના રોજ બપોરે 1.21 થી 3:43 વાગ્યા સુધી કરી શકાય છે.
શ્રાદ્ધ પિંડ દાન તર્પણ માટે સર્વ પિતૃ અમાસ કેમ ખાસ છે?
સર્વ પિતૃ અમાસ પર તમામ પૂર્વજોનું તર્પણ, શ્રાદ્ધ અને પિંડદાન કરવું શુભ હોય છે. જે લોકોને પોતાના પૂર્વજોની મૃત્યુ તિથિ યાદ નથી તેઓ સર્વ પિત અમાસ પર તેમના નામનું શ્રાદ્ધ તર્પણ અને પિંડદાન કરી શકે છે.
ઘરમાં આ રીતે શ્રદ્ધા અને તર્પણ કરો
સર્વ પિતૃ અમાસ પર સવારે વહેલા ઉઠી સ્નાન કરી સ્વચ્છ થઇ જાઓ. આ સાથે પૂર્વજોની તૃપ્તિ માટે દાન અને શ્રાદ્ધ કરવાનો સંકલ્પ લેવો. આ પછી સૂર્યને અર્ઘ્ય આપવાની સાથે ભગવાનની પૂજા કરો.
હવે બપોરે લગભગ 12 વાગ્યે દક્ષિણ દિશા તરફ મોં કરી જમીન પર પલાઢી વાળી બેસી જાઓ. હવે તાંબાના લોટામાં જવ, તલ, ચોખા, ગાયનું કાચુ દૂધ, સફેદ ફૂલ, પાણી અને ગંગાજળ ઉમેરો. ત્યારબાદ દુર્વા ઘાસ હાથમાં રાખો. હવે બંને હાથમાં પાણી લઇ અંગૂઠા વડે જળ અર્પણ કરો.
આ વિધિ લગભગ 11 વખત કરો. આ શ્રાદ્ધ તર્પણ કરતી વખતે મનમાં તમારા પિતૃઓનું ધ્યાન ધરો. હવે પિતૃઓ માટે બનાવેલો ભોગ ધરાવો. આ માટે કોઇ પાત્રમાં ગાયના છાણની ધૂપ સળગાવો. હવે આ ધૂપમાં ગોળ, ઘી, ખીર-પુરી અર્પણ કરો.
હવે ભોગ અર્પણ કર્યા બાદ હાથમાં જળ લઇ પિતૃઓને અંગૂઠા દ્વારા જળ અર્પણ કરો. ત્યારબાદ પંચ બિલ ભોગ એટલે કે ગાય, કૂતરા, કાગડા, કીડી અને દેવતાઓ માટે અલગ ભોજન કાઢો અને તેમને જમાડો. છેલ્લે બ્રાહ્મણ કે જરૂરિયાત વ્યક્તિને દાન આપો અને ભોજન કરાવો.
આ પણ વાંચો | પિતૃ દોષ મુક્તિ માટે કરો આ મંત્રનો જાપ, પિતૃઓ ખુશ થઇ આપશે આશીર્વાદ
(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે શાસ્ત્રો જેવા વિવિધ માધ્યમોમાંથી આ માહિતી એકત્ર કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ માત્ર માહિતી પહોંચાડવાનો છે. અમે તેના સાચા અને સાબિત થવાની પ્રામાણિકતા આપી શકતા નથી. કૃપા કરીને તેનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી.)