શીતળા સાતમ પર ઠંડુ ભોજન ખાવાનું ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ જાણો, શું છે શીતળા માતાની કથા

Shitala Satam 2025 : શીતળા સાતમ ના દિવસે ઠંડુ ભોજન ખાવામાં આવે છે, પરંતુ શું તમે જાણો છે કે આ દિવસે કેમ ઠંડુ ભોજન ખાવામાં આવે છે? શું તેની પાછળ કોઈ વૈજ્ઞાનિક કારણ છે? અહીં જાણો

Written by Ashish Goyal
August 14, 2025 20:30 IST
શીતળા સાતમ પર ઠંડુ ભોજન ખાવાનું ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ જાણો, શું છે શીતળા માતાની કથા
શીતળા સાતમ ના દિવસે ઠુંડુ ભોજન ખાવામાં આવે છે

Shitala Satam 2025 : શીતળા સાતમ નો તહેવાર આ વર્ષે 15 ઓગસ્ટને શુક્રવારના રોજ ઉજવવામાં આવશે. આ દિવસ મહિલાઓ દ્વારા શીતળા માતાની પૂજા કરવામાં આવે છે અને ઠંડુ ભોજન ખાવામાં આવે છે. આ ઠંડુ ભોજન રાંધણ છઠના દિવસે બનાવામાં આવે છે. આ તહેવારનું ગુજરાતમાં આગવું મહત્વ છે.

રાંધણ છઠના દિવસે મોટાભાગના ઘરોમાં ઘણા પ્રકારની વાનગીઓ બને છે. પૂરીઓ, થેપલા પણ બનાવામાં આવે છે, અને બીજા દિવસે શીતળા સાતમએ આ ઠંડુ ભોજન ખાવામાં આવે છે, પરંતુ શું તમે જાણો છે કે શીતળા સાતમના દિવસે કેમ ઠંડુ ભોજન ખાવામાં આવે છે? શું તેની પાછળ કોઈ વૈજ્ઞાનિક કારણ છે? અહીં જાણો

શીતળા સાતમ પર પર ઠંડુ ભોજન ખાવાનું ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ

  • આ સમય વાતાવરણ બદલવાનો સમયગાળો છે એટલે કે શ્રાવણમાં ઠંડકની વિદાયનો સમય અને ભાદરવાના તડકો શરૂ થવાનો સમય.

  • વાતાવરણમાં બદલાવ થાય એટલે ખાવા-પીવાની આદતો અંગે ખાસ કાળજી લેવામાં આવે છે. આ સમયગાળામાં જો જરૂરી સાવચેતી રાખવામાં આવે તો અનેક પ્રકારના મોસમી રોગોથી રક્ષણ મળે છે.

  • જે પરિવારોમાં શીતળા માતા માટે પ્રાચીન પરંપરાઓનું પાલન કરવામાં આવે છે, ત્યાં આ દિવસે માત્ર ઠંડુ ભોજન જ ખાવામાં આવે છે.

  • જે લોકો શીતળા સાતમ પર ઠંડુ ભોજન ખાય છે તેઓ સિઝનલ બીમારીઓથી સુરક્ષિત રહે છે.

  • શિયાળા અને ઉનાળાની ઋતુમાં વર્ષમાં એકવાર ઠંડુ ખોરાક ખાવાથી પેટ અને પાચનતંત્રને ફાયદો થાય છે.

  • શરદીના કારણે ઘણા લોકોને તાવ, ફોલિયો થવી, આંખ આવવી વગેરે જેવી સમસ્યાઓ થવાની સંભાવના હોય છે, તેઓએ દર વર્ષે શીતળા સાતમના દિવસે ઠંડુ ભોજન ખાવું જોઈએ.

  • આ પરંપરા લાંબા સમયથી ચાલી આવે છે અને આજે પણ મોટી સંખ્યામાં લોકો તેનું પાલન કરે છે. રાંધણ છઠના દિવસે ભોજન તૈયાર કરવામાં આવે છે અને સાતમના દિવસે તે ઠંડુ ખાવામાં આવે છે આ દિવસે ગરમ ખોરાક ખાતા નથી.

શીતળા સાતમ કથા

એક ગામમાં દેરાણી-જેઠાણી તેની સાસુ સાથે રહેતા હતી. બન્ને બહુઓના ઘરે એક-એક દીકરા હતા. મોટી વહુ ઈર્ષાળું હતી, જ્યારે નાની બહુ ભલી, ભોળી અને પ્રેમાળ હતી. એક વખત શ્રાવણ માસમાં રાંઘણ છઠ્ઠનો દિવસ આવ્યો. સાસુએ નાની બહુને રાંઘવા બેસાડી. નાની બહુ મધરાત સુધી રાંધતી હતી. એટલામાં ધોડિયામાં સૂતેલો છોકરો રડવા માંડ્યો. આથી બધું કામ પડતું મૂકીને વહુ છોકરાને લઈને જરા આડે પડખે થઈ અને થાકના લીધે ઊંઘી ગઈ.

આ દરમિયાન ચૂલો સળગતો હતો. મધરાત પછી શીતળામાં ફરવા નીકળ્યા. તેઓ ફરતા ફરતા નાની વહુના ઘરે આવી પહોંચ્યા અને ચૂલામાં આળોટવા લાગ્યા. પણ શીતળામાના શરીરે ઠંડક લાગવાના બદલે બળવા લાગવા લાગ્યું. તેઓ આખા શરીરે દાઝી ગયા. આથી તેમણે નાની વહુને શાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું એવું તારું પેટ બળજો. સવારે ઊઠીને વહુએ જોયું તો ચૂલો સળગતો હતો અને પડખામાં સૂતેલો છોકરો મૃત હતો. તેનું આખું શરીર દાઝી ગયું હતું.

આ પણ વાંચો – અજા એકાદશી ક્યારે છે 18 કે 19 ઓગસ્ટ? જાણો શુભ મુહૂર્ત અને ધાર્મિક મહત્વ

નાની વહુ રડવા લાગી. તેને ખ્યાલ આવી ગયો કે જરૂર શીતળા માતાએ શાપ આપ્યો હશે. તે રડતી રડતી સાસુ પાસે ગઈ અને બધી વાત કરી. સાસુમાએ સાંત્વના આપતા કહ્યું કે શીતળા માતા પાસે જઈ પ્રાર્થના કર બધું સારું થઈ જશે. બાળકને ટોપલામાં નાખી નાની બહુ નીકળી પડી. રસ્તામાં બે તલાવડી તેણે જોઈ. બન્ને તલાવડી પાણીથી છલોછલ હતી પણ કોઈ તેનું પાણી પીતું ન હતું. જે પણ પીએ તે મૃત્યું પામતું હતું.

નાની બહુને જોઈ તલાવડીઓ બોલી કે બહેન તું ક્યા જાય છે?. નાની બહુએ કહ્યું કે હું શીતળા માતા પાસે શાપના નિવારણ માટે જાઉં છું. તલાવડીઓએ કહ્યું કે બહેન અમે એવા તે કેવા પાપ કર્યા હશે કે કોઈ અમારું પાણી પીતાં જ મૃત્યુ પામે છે? અમારા શાપનું નિવારણ પુછતા આવજો.

નાની વહુ ત્યાંથી આગળ વધી. રસ્તામાં તેને બે આખલા મળ્યા. તેમની ડોકમાં ઘંટીના પડ લટકતા હતા અને બન્ને લડતા હતા. નાની બહુને જોઈને બન્ને આખલાએ પુછ્યું કે બહેન તું ક્યાં જાય છે? વહુએ કહ્યું કે હું મારા શાપનું નિવારણ કરવા જાઉં છું. આખલાઓ કહ્યું કે અમે એવા શું પાપ કહ્યા હશે કે અમે સદાયને માટે લડતા રહીએ છીએ તું અમારા શાપનું નિવારણ પુછતી આવજે.

નાની વહુ આગળ વધી. થોડે દૂર તેણે જોયું તો બોરડીના ઝાડ નીચે એક ડોશીમા પોતાના વાળને ખંજવાળતાં બેઠાં હતા. વહુને જોઈને ડોશીમા બોલ્યા કે બહેન મારા માથામાં બહુ ખંજવાળ આવે છે જરા જોઈ આપને. વહુ દયાળું હતી. તેને ઉતાવળ હતી છતાં પોતાના છોકરાને ડોશીમાના ખોળામાં મુકી જુઆ વીણવા બેસી ગઈ.

થોડીવારમાં ડોશીમાની ખંજવાળ મટી ગઈ. તેમણે વહુને આશીર્વાદ આપતા કહ્યું કે જેવું મારું માથું ઠર્યુ, એવું તારું પેટ ઠરજો. આટલું બોલતા જ ચમત્કાર થયો. ડોશીમાના ખોળામાં રહેલ છોકરો સજીવન થઈ ઊઠ્યો. વહુ આશ્ચર્ય પામી. તે જાણી ગઈ કે આ ડોશીમા બીજું કોઈ નહીં પણ શીતળા માતા છે. આથી તે તેના પગે પડી ગઈ.

વહુએ તલાવડીઓના શાપનું નિવારણ પુછ્યું. શીતળા માતા બોલ્યા કે પૂર્વ જન્મમાં આ બન્ને તલાવડીઓ શોક્યો હતી અને રોજ ઝઘડ્યા કરતી હતી. કોઈને શાક-છાશ આપે નહીં અને આપે તો પાણી નાખીને આપે. આથી એમનું પાણી કોઈ પીતું નથી. પણ તું એમનું પાણી પીજે એટલે એમનાં પાપોનો નાશ થશે. એ પછી વહુએ આખલાઓના શાપ વિશે પૂછ્યું. તેના જવાબમાં શીતળામાં બોલ્યો કે ગયા જનમા બન્ને દેરાણી-જેઠાણી હતી. તેઓ એટલી બધી ઈર્ષાળુ હતી કોઈને દળવા-ખાંડવા દતી ન હતી. આથી આ જન્મમાં બન્ને આખલા બન્યા છે અને એમના ગળામાં ઘંટીના પડ છે. તુ આ ઘંટીના પડ છોડી નાખજે આથી એમના પાપ દૂર થશે.

નાની વહુ ખુશી થઇ અને શીતળામાના આશીર્વાદ સાથે છોકરાને લઈ પાછી ફરી. રસ્તામાં તેને પેલા આખલા મળ્યા. વહુએ એમની ડોકેથી ખંટીના પડ છોડી નાખ્યા. તેઓ લડતા બંધ થઈ ગયા. આગળ ચાલતાં તલાવડીઓ પાસે વહુ આવી, તેના શાપના નિવારણ માટે ખોબો ભરી પાણી પીધું. પછી બધા તેનું પાણી પીવા લાગ્યા. ઘરે આવી તેણે સાસુમાને બધી વાત કરી. તેની જેઠાણીને તેની ઈર્ષા થઈ.

બીજા શ્રાવણ માસમાં રાંધણ છઠ આવી ત્યારે જેઠાણીને થયું કે હું પણ દેરાણી જેવું કરું. આથી મને શીતળા માતા દર્શન આપે. તે રાત્રે ચૂલો સળગતો રાખી ઊંઘી ગઈ. મઘરાત થતાં શીતળા ફરતા ફરતા મોટી વહુના ઘરે આવ્યા અને ચૂલામાં આળોટવા લાગ્યા. આથી તેમનું શરીર દાઝી ગયું તેમણે શાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું તેવું એનું પેટ બળજો.

સવારે ઊઠીને જેઠાણીએ જોયું તો ઘોડિયામાં છોકરો મૃત્યુ પામ્યો હતો. જેઠાણી પણ દેરાણીની જેમ છોકરાને ટોપલામાં લઈ ચાલી નિકળી. રસ્તામાં તલાવડીએ પૂછ્યું કે બહેન ક્યાં જાય છે? જેઠાણીએ મોં મચકોડતા કહ્યું કે તમારે શું પંચાત? જોતા નથી કે મારો દીકરો મરી ગયો છે અને હું શીતળા માતાને મળવા જાઉં છું. તલાવડીઓએ કહ્યું કે બહેન અમારું એક કામ કરતી આવજે ને. પણ જેઠાણીએ તો તરત ના પાડી દીધી. આગળ તેને બે આખલા મળ્યા. તો જેઠાણીએ આખલાઓને પણ તેનું કામ કરવાની ના પાડી દીધી. આગળ જતા ઝાડ નીચે ડોશીમા સ્વરૂપે શીતળા માતા માથું ખંજવાળતા બેઠા હતા.

તેણે આ જેઠાણીને માથું જોઈ આપવાનું કહ્યું. તેણે ગુસ્સે થઈ ના પાડી દીધી અને કહ્યું કે હું નવરી છું કે હું તારું માથું ખંજવાળીયા કરું? જોતી નથી મારો દીકરો મરી ગયો છે. જેઠાણી આખો દિવસ રખડી પણ તેને શીતળા માતા ક્યાય મળ્યા નહી. આથી તે રડતી રડતી ઘરે આવી. હે, શીતળા માતા જેવા દેરાણીને ફળ્યા તેવા સૌને ફળજો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ