Somnath Temple Darshan On Shravan Somwar : શ્રાવણ સોમવારે ગુજરાતના શિવાલયોમાં ભક્તોની ભીડ ઉમટી પડી છે. શિવ મંદિરો ઓમ નમઃ શિવાયના નાદથી ગુંજી ઉઠ્યા છે. સમગ્ર ભારતમાં શંકર ભગવાનના કુલ 12 જ્યોતિર્લિંગ મંદિર આવેલા છે, જેમાથી 2 જ્યોતિર્લિંગ ગુજરાતમાં આવેલા છે. ભોળાનાથના 12 જ્યોતિર્લિંગમાં પ્રથમ છે સોમનાથ, જે ગુજરાતના દરિયા કિનારે પ્રભાસ પાટણ ક્ષેત્રમાં આવેલું છે. દરે વર્ષે મોટી સંખ્યામાં શિવ ભક્તો સોમનાથ મંદિરમાં દર્શન કરવા આવે છે. શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથ જ્યોતિર્લિંગ મંદિરના રોચક તથ્યો વિશે જાણીયે
Somnath Jyotirlinga Temple Interesting Facts : સોમનાથ જ્યોતિર્લિંગ મંદિર વિશે રોચક તથ્યો
સોમનાથ જ્યોતિર્લિંગની સ્થાપના કોણે કરી?
સોમનાથ જ્યોતિર્લિંગની સ્થાપના ચંદ્ર દેવે કરી હતી. પ્રજાપતિ દક્ષે ચંદ્ર દેવને ક્ષાપ આપ્યો હતો કે તેમનો તેજ નષ્ટ થઇ જશે. આ ક્ષાપ માંથી મુક્ત થવા માટે ચંદ્ર દેવ ગુજરાતના દરિયા કિનારે શિવલિંગ બનાવી ભોળાનાથની કઠિન તપસ્યા કરી હતી. ભગવાન શંકરે ખુશ થઇ ચંદ્ર દેવને ક્ષાપ મુક્ત કર્યા હતા. ચંદ્ર દેવે શિવજીને આ શિવલિંગમાં જ્યોતિર્લિંગ રૂપમાં બિરાજમાન થવા પ્રાર્થના કરી હતી. ચંદ્ર દેવનું બીજું નામ સોમ છે, આથી ચંદ્ર દેવ દ્વારા સ્થાપીત હોવાથી આ શિવાલયને સોમનાથ જ્યોતિર્લિંગ મંદિર કહેવામાં આવે છે.
બાણ સ્તંભનું રહસ્ય
દરિયા કિનારે સોમનાથ મંદિરની દક્ષિણ દિશામાં એક બાણ સ્તંભ છે, જે છઠ્ઠી સદીનું હોવાનું મનાય છે. તેના વિશે વધારે જાણકારી ઉપલબ્ધ નથી. બાણ સ્તંભ એક દિશાદર્શક સ્તંભ છે, તેની ઉપરની ટોચ પર એક તીર બનેલું છે, જેનું મુખ દક્ષિણ દિશા તરફ છે.
આ બાણ સ્તંભ પર ‘આસમુદ્રાંત દક્ષિણ ધ્રુવ, પર્યત અબાધિત જ્યોતિમાર્ગ’ અંકિત છે. જેનો અર્થ છે – સમુદ્રના આ બિંદુથી દક્ષિણ ધ્રુવ સુધી સીધી રેખામાં કોઇ પણ પ્રકારનો અવરોધ નથી.
8 કરોડ વર્ષ જૂનું જ્યોતિર્લિંગ
સોમનાથ મંદિરની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી મુજબ સોમનાથ જ્યોતિર્લિંગ મંદિર 8 કરોડ વર્ષ જૂનું છે. શ્રીમદ આદી જગતગુરુ શંકરાચાર્ય વૈદિક શોધ સંસ્થાન, વારાણસીના અધ્યક્ષ સ્વામી ગજાનન સરસ્વતીએ સ્કંદ પુરાણના પ્રભાસ ખંડની પરંપરાઓ માંથી મંદિરની સ્થાપના તિથિ જણાવી હતી. તેમના મુજબ, સોમનાથ મંદિરની સ્થાપના 7 કરોડ, 99 લાખ, 25 હજાર 105 વર્ષ પહેલા થઇ હતી. આમ આ શિવ મંદિર આદિકાળથી લાખો કરોડો હિંદુઓની આસ્થાનું કેન્દ્ર રહ્યું છે.
સોમનાથ મંદિર પર મહેમૂદ ગઝનીનો હુમલો, 17 વખત મંદિર લૂંટાયું
ગુજરાત સરકારની વેબસાઇટ મુજબ, ફારસી વિદ્વાન અલબરુની એ આ મંદિર વિશે વિસ્તૃત જાણકારી આપી હતી, જેના લીધે તે સમયે આ મંદિર બહુ પ્રસિદ્ધ થયું હતું. સોમનાથ મંદિરમાં સોના ચાંદી, હીરા મોતી ઝવેરાતનો ભંડાર હતો. આ ઝવેરાતનો ભંડાર લુટવા સોમનાથ મંદિર પર ઘણી વખત વિધર્મી આક્રમણો થયા છે. પહેલીવાર વર્ષ 725માં સિંધના મુસ્લીમ સુબેદાર અલ જુનૈદે સોમનાથ મંદિર પર આક્રમણ કર્યું હતું.
મહેમૂદ ગઝનીએ 26 જાન્યુઆરી, 1026ના રોજ સોમનાથ મંદિર પર આક્રમણ કરી લુંટી લીધું હતું. આ વિધર્મી આક્રમણમાં સોમનાથ મંદિરને ભારે નુકસાન થયું હતું અને મોટી સંખ્યામાં લોકોના મોત થયા હતા. વિકિમીડિયા મુજબ, એવું કહેવાય છે કે, તે સમયે ગઝનીએ 20 મિલિયન દિનારની લૂંટ ચલાવી હતી. 1169માં એક શિલાલેખ મુજબ કુમારપાલે (આર. 1143-72) સોમનાથ મંદિરને “ઉત્તમ પથ્થર અને તેને ઝવેરાતથી જડેલા” માં પુનઃનિર્માણ કરાવ્યું. સોમનાથ મંદિર 17 લૂંટાયું હોવાનું કહેવાય છે. વર્ષ 1297માં અલાઉદ્દીન ખિલજીએ સોમનાથ મંદિર પર આક્રમણ કરી લુંટ્યું હતું. સમયાંતરે સોમનાથ મંદિરનો જીણોદ્વાર થયો છે. ઇન્દોરના મહારાણી અહિલ્યાબાઇ હોલ્કરે પણ વર્ષ 1787માં સોમનાથ મંદિરનો જીણોદ્વાર કરાવ્યો હતો.
વર્ષ 1951માં સોમનાથ મંદિરનો જીર્ણોદ્વાર
હાલ જે સોમનાથ મંદિર છે, તે ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઇ પટેલના એક સંકલ્પનું ફળ છે. તેમણે 13 નવેમ્બર, 1947ના રોજ ભગ્ન સોમનાથ મંદિરની મુલાકાત લીધી હતી. ત્યારે તેમણે આ જ્યોતિર્લિંગ મંદિરનું પુનર્નિમાણ કરવાનો નિર્ણય લીધો. તત્કાલિન ભારતના રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદે 11 મે, 1951ના રોજ નવનિર્મિત સોમનાથ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી.





